ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ આજે એટલે કે 30 જૂને નિવૃત્ત થવાના હતા. આવામાં કેન્દ્ર સરકાર તરફથી એક આદેશ જારી કરીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. હવે વિકાસ સહાય આગામી છ મહિના માટે ગુજરાતના ડીજીપી રહેશે. તમને જણાવી દઈએ કે વિકાસ સહાય ગુજરાત કેડરના 1989 બેચના આઈપીએસ અધિકારી છે.
જારી કરાયેલા આદેશમાં લખ્યું છે કે, “કેબિનેટની નિમણૂક સમિતિએ વિકાસ સહાય, આઈપીએસ (ગુજરાત કેડર 989), ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ની સેવા તેમની નિવૃત્તિની તારીખથી એટલે કે 30.06.2025 ના રોજ છ મહિના માટે લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે.”
વિકાસ સહાય 31 ડિસેમ્બર 2025 સુધી ડીજીપી પદે કાર્યરત રહેશે. સહાય આજે વય નિવૃત થવાના હોઈ ગુજરાત પોલીસ ભવનમાં તેમની વિદાયની જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી અંતિમ કલાકોમાં વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરાતા નવા ડીજીપી કોણ એની ચર્ચા પર હાલ તો 6 મહિના સુધી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.