Gujarat today heavy rain : ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દરરોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ કરી રહ્યું છે. આગાહી વચ્ચે આજે શુક્રવારે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણા 3.50 ઈંચ અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
પલસાણા અને વાવમાં ત્રણ ઈંચ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 4 જુલાઈ 2025, શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયમાં ગુજરાતના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં 3.60 અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પૂરમાં 2 કલાકમાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો
SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 4 જુલાઈ 2025, શુક્રવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીના 2 કલાકના સમયમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 2.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના પલસાણામાં 1.77 ઈંચ, વલસાડના વાપીમાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 5-5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં 4-4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- ગુજરાતની આ IAS કેમ ચર્ચામાં? ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 22 પોસ્ટ અને ફોલોઅર્સ એક લાખથી વધુ
ગત 24 કલાકમાં કચ્છના મુંદ્રા અને ગાંધીધામ, જામનગરના લાલપુર, રાજકોટના જેતપુર, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચુડા તેમજ બનાસકાંઠાના વડગામ અને દાંતીવાડા તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના21 તાલુકામાં બે ઇંચથી વધુ, 32 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 133 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.