Weather Forecast in Gujarat : ગુજરાતમાં ચોમાસા નું જોર ઓછુ જોવા મળી રહ્યું છે. મેઘરાજા ગાજી રહ્યા છે તેવું વરસી રહ્યા નથી. કેટલાક જિલ્લામાં સારો વરસાદ થયો છે તો કેટલાક જિલ્લામાં ઘણી ઘટ જોવા મળી રહી છે. આજે મેઘરાજા ખેડા જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, તો રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, 18 જિલ્લા તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો અન્ય તમામ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, સિનોપ્ટિક સિચ્યુએશન દક્ષિણ ગુજરાત-ઉત્તર કેરળના દરિયાકાંઠાનો સરેરાશ દરીયાની સપાટી પરનો ઓફ શોર ટ્રફ હવે મહારાષ્ટ્ર ઉત્તર કેરળના દરિયા કિનારા પરથી પસાર થઈ રહ્યો છે. તો મધ્ય ગુજરાત પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ ગુજરાત પર સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર છે. ગઈ કાલે સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થયો હતો.
ક્યા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું
આજની બપોરની હવામાન વિભાગની નવીનત્તમ આગાહી અનુસાર, 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તો આ બાજુ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ક્યાં ભારે વરસાદની આગાહી
તો હવામાન વિભાગે ઉપર જણાવ્યા સિવાયના અન્ય તમામ જિલ્લા માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ. તો સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહેમદાબાદમાં 3 ઈંચથી વધુ વરસાદ, તો ધોરાજીમાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
મેઘરાજા ખેડા જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. સૌથી વધુ મહેમદાબાદમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના માતર, ખેડા શહેર, નડિયાદ અને વાસોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. તો આ બાજુ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં જ રાજકોટના ધોરાજીમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.
આ પણ વાંચો – Gujarat Rain : સોમવારે 58 તાલુકામાં મેઘમહેર, એકપણ સ્થાને એક ઇંચથી વધારે વરસાદ નથી
આજે ક્યાં કેવો વરસાદ
જો ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના ડેટા પર નજર કરીએ તો, ખેડાના મહેમદાબાદમાં 73 મીમી, રાજકોટના ધોરાજીમાં 60 મીમી, તો ખેડાના માતરમાં 59 મીમી, ખેડા શહેરમાં 55 મીમી, નડિયાદમાં 35 મીમી અને વાસોમાં 28 મીમી વરસાદ નોંધાયો છે. તો આણંદના તારાપુરમાં 44 મીમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી, ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી, અમદાવાદના દસક્રોઈમાં 22 મીમી, અમરેલીના જાફરાબાદમાં 21 મીમી. તો ભચાઉ અને ગીર ગઢડામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય વડગામ, ખંભાત, વિજયનગર, વિસાવદર, મહુધા અને સૂત્રાપાડામાં 15 મીમી થી વધારે વરસાદ થયો છે. આ સિવાય કોડિનાર, રાપર, ખેડબ્રહ્મા, પાટણ-વેરાવળ, દસાડા, બગસરા, અને પેટલાદમાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. તો અન્ય 49 તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે.





