Gopal Kateshiya :
ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના ત્રિભેટે આવેલા 107 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ધરોઇ ડેમ ખાતે તાજેતરમાં બીજો બે દિવસીય ધરોઈ પક્ષી સર્વે – 2023 યોજાયો હતો. આ સર્વેમાં ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના બર્ડ વોચરની 15 ટીમોએ ભાગ લીધો હતો.
ગુજરાતના જાણીતા પક્ષી વિદ ઉદય વોરાએ કોલાની હીલના ધૂળિયા રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે કહ્યું કે, “આવા આકર્ષક કુદરતી દ્રશ્ય અને હજારો પક્ષીઓ ક્યાં જોવા મળે છે !!”
ઉદય વોરા, જેઓ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના એક નિવૃત્ત અધિકારી છે, તેમણે આ વેટલેન્ડની કોલાની હીલની બાજુમાં આવેલા એક પથ્થર પરથી ગણતરી શરૂ કરી હતી. જળ સપાટીનું નિરિક્ષણ કર્યા બાદ તેમણે વન વિભાગના ચોકીદાર મહેન્દ્રસિંહ ચૌહાણ (19) અને તેમના નાના ભાઈ પ્રહલાદસિંહ ચૌહાણ (18)ને પૂછ્યું કે તેઓ કઈ પ્રજાતિના પક્ષીઓ જોવા માગે છે.

બંને ભાઇઓએ તેમની અજ્ઞાનતા પ્રગટ કરી અને મહેન્દ્રસિંહે જણાવ્યુ કે, “અમે ભાગ્યે જ પક્ષીઓની પ્રજાતિના નામ જાણીએ છીએ. અમારા માટે પાણીમાં તરતા બધા બક્ષીઓ બતક છે.”
ગુજરાત બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સચિવ ઉદય વોરાએ જણાવ્યું કે, વર્ષ 2004માં સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી દ્વારા દેશભરમાં પસંદ કરાયેલા આવા પ્રકારના 21 મુખ્ય વેટલેન્ડમાં ધરોઇનો સમાવેશ થયો હોવા છતાં ઘણા બર્ડ વોચર્સ આ વેટલેન્ડનું નિરિક્ષણ કરી શક્યા નથી.”
એક નાના ટાપુ પર બતકોના રહેઠાંણ તરફ નજર કરતા તેમણે ગાર્ગેની, યુરોપીયન વિજન્સ, ગાડવાલ્સ, નોર્ધન પિન્ટેલ્સ અને નોર્ધન શોવેલર્સ જેવા વિદેશી પ્રવાસી પક્ષીઓની ઓળખ કરાવી હતી.

પાણીમાં રહેલા પક્ષીઓની ગણતરી કરતી વખતે એક સ્થાનિક માછીમારે તેની હોડીને ટાપુની દિશામાં લઇ જવાની શરૂઆત કરતા પક્ષીઓ ઉડીને દૂર જતા રહ્યા.સિંચાઇ યોજના માટે વર્ષ 1978માં સાબરમતી નદી પર ધરોઈ ડેમ બાંધવામાં આવ્યો હતો. 107 ચોરસ કિલોમીટર (sqkm)માં ફેલાયેલા આ ડેમથી એક વેટલેન્ડની રચના થઇ હતી જો કે બીજી બાજુ 74 ચોરસ કિલોમીટર ફળદ્રુપ જમીન સાથે 28 ગામો સંપૂર્ણ અને 19 આંશિક રીતે ડેમમાં જળમગ્ન થઇ ગયા હતા.
સૌ પ્રથમવાર ધરોઈ પક્ષી સર્વેક્ષણ 2022માં યોજાયો હતો, જે ધરોઈ વેટલેન્ડમાં પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ તેમજ સંખ્યાની જાણકારી મેળવવા અને તેનો રેકોર્ડ તૈયાર કરવા માટેની આવા પ્રકારની પહેલી ઔપચારિક કવાયત હતી. આ સર્વેમાં ગુજરાતમાં જોવા મળતા 616માંથી 193 પક્ષીઓની હાજરી જોવા મળી હતી.
શિયાળાની શરૂઆતમાં હજારો પક્ષીઓ આ ડેમ પર ઉતરી આવ્યા હતા. જો કે હવે જ્યારે તાપમાન વધી રહ્યું છે ત્યારે માત્ર બ્લેક ડક (black ducks) જ દેખાઇ રહ્યા છે,” એવું જણાવતા વિજલાસણ ગામના ખેડૂત બાબરસિંહ ચૌહાણે (47) કહ્યું કે, થોડા મહિના પહેલા સુધી આ વેટલેન્ડમાં સારસની જોડી પણ રહેતી હતી.

ગુજરાત વન વિભાગના સહયોગથી BCSG અને એડમ્સ નેચર રીટ્રીટ રિસોર્ટ (ANRR), પોલો ફોરેસ્ટ દ્વારા સંયુક્ત રીતે આ પક્ષી સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું.
વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેટલેન્ડ તરીકે માત્ર ચાર સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યા છે, પરંતુ આ વિશિષ્ટ ઇકોસિસ્ટમના માપદંડોને પુરાં કરતા હોય તેવા ધરોઇ સહિત ઓછામાં ઓછા 20 સ્થળો આવેલા છે. આનાથી પક્ષીઓની અવરજવરમાં વધારો થવાથી શિકારની ઘટનાઓનો ઉકેલ લાવવામાં પણ મદદ મળશે.”
પક્ષીઓની ગણતરીના સાંજના સત્રના અંત સુધીમાં વોરાએ 26 પ્રજાતિના હજારો પક્ષીઓની ગણતરી કરી હતી. ટેકરીઓ અને ખેતરોમાંથી ઘટાદાર વન્ય વિસ્તાર, વૂડલેન્ડ અને પેસેરીન પક્ષીઓના કલરવનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, “જો હું આમની પણ ગણતરી કરું તો મારી પક્ષીઓની પ્રજાતિઓની યાદી એક જ સત્રમાં સરળતાથી 100ને પાર કરી જશે.”

ધરોઇ ડેમના દક્ષિણ કિનારે દેલવાડા કેમ્પામાં બોર્ડ વોચર્સની અન્ય એક ટીમની આગેવાની કરનાર મયુર રાઠોડએ ગ્રેલેગ ગીઝ (greylag geese), લિટલ કોર્મોરન્ટ્સ (little cormorants), બ્લેડ ટેઇલ્ડ ગોડવિટ્સ (black-tailed godwits), પાઈડ કિંગફિશર (pied kingfishers) અને ગ્રેટર ફ્લેમિંગોના (greater flamingos) ટોળા જોયા હતા. પોલો ફોરેસ્ટમાં રિસોર્ટ ચલાવતા રાઠોડે જણાવ્યું હતું કે, “વિશાળ જૈવ વૈવિધ્યતા હોવા છતા ઉત્તર ગુજરાતના વેટલેન્ડને અત્યાર સુધી પક્ષી નિરીક્ષકો દ્વારા અવગણવામાં આવ્યા છે.
આયોજકોએ જણાવ્યું હતું કે, આ પક્ષી સર્વેનો ઉદ્દેશ ધરોઈમાં પક્ષીઓની પ્રજાતિઓ અને તેમની સંખ્યાનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો હતો, જેનાથી વેટલેન્ડનના સંરક્ષણ અને સંવર્ધન માટે મજબૂત પગલાં લઇ શકાશે તેમજ આ વિસ્તારમાં પર્યાવરણીય પ્રવાસનની નીતિઓ ઘડવામાં મદદ મળી મળશે અને સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકો ઊભી કરી શકાશે.