Umargam Dog Attack : ગુરુવારે ઉમરગામમાં વહેલી સવારે નવ વર્ષના છોકરાને સાત જેટલા રખડતા કૂતરાઓએ ફફેડવાનું શરૂ કરી દીધુ, ચાલવા નીકળેલા વોકર્સે તેને બચાવી લીધો હતો.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના ઉમરગામમાં બની હતી, જ્યારે શનિ રાઠોડ નામનો 9 વર્ષનો છોકરો શાળાએ જઈ રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે, રખડતા કૂતરાઓએ હુમલો કર્યો ત્યારે તે એકલો હતો અને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, છોકરાની હાલત સ્થિર છે. તેના શરીર પર 20 ઇજાઓ હતી અને ખોપરીની ચામડીનો એક ભાગ ફાટી ગયો હતો. તેનું ઓપરેશન થયું અને અમે તેને હડકવા વિરોધી ઈન્જેક્શન અને ટિટાનસની રસી પણ આપી છે.
જ્યારે આ ઘટનાના પ્રત્યક્ષદર્શી દીપક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું: “અમારા વિસ્તારમાં 30 થી વધુ રખડતા કૂતરાઓ છે. અમે અનેક વખત મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. માત્ર સગીરો જ નહીં પરંતુ વૃદ્ધો પણ રાત્રે એકલા ફરતી વખતે રખડતા કૂતરાથી ડરે છે.
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં રસ્તાની બાજુમાં માંસાહારી ભોજન વેચતી લારીઓ છે, જે રખડતા કૂતરાઓને આકર્ષે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ નાગરિક સંસ્થાની કૂતરા પકડવાની ટીમે રખડતા કૂતરાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે.





