Vadodara Harni Boat Accident : વડોદરામાં હરણી તળાવમાં ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો પીકનિક માટે ગયા હતા. આ દરમિયાન તળાવમાં બોટ પલટી જતા 13 બાળકો 2 શિક્ષક સહિત 15 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની ટીમ રેસક્યુ માટે માટે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરામાં બનેલી આ દુર્ઘટના પર પીએમઓ દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. પીએમઓએ એક્સ પર લખ્યું કે વડોદરાના હરણી તળાવમાં હોડી પલટવાથી થયેલી જાનહાનિથી વ્યથિત છું. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો શીધ્ર સ્વસ્થ થાય. સ્થાનિક પ્રશાસન પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ આપી રહ્યા છે. આ સાથે પીએમઓએ જાહેરાત કરી કે દરેક મૃતકના પરિવારજનને PMNRF માંથી 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 ની આર્થિક સહાય કરવામાં આવશે.
આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં શાળાના બાળકોની હોડી ડૂબી જવાની ઘટના હૃદયદ્રાવક છે. મેં આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી. NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો – વડોદરા દુર્ઘટના : હરણીના મોટનાથ તળાવમાં બોટ પલટી, 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 ના મોત
તેમણે કહ્યું કે તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરશે.





