Vadodara Boat Capsize Tragedy : ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે શાળાની પિકનિક દરમિયાન બોટ પલટી જતાં 10-13 વર્ષની વયના ઓછામાં ઓછા 12 શાળાના બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનાના સંબંધમાં 18 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં બોટિંગ સુવિધા ચલાવતા કંપનીના કર્મચારીઓ અને બોટ ઓપરેટરનો સમાવેશ થાય છે, જ્યારે અત્યાર સુધીમાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 12 મૃતક બાળકો 60 વિદ્યાર્થીઓ સહિત 64 લોકોના સમૂહ પ્રવાસનો ભાગ હતા. બોટ પલટી ગયા બાદ 18 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોને બચાવી લેવાયા હતા. આ સમગ્ર મામલે શુક્રવારે, વડોદરા પોલીસે બેદરકારીના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ પેનલની રચના કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે, બોટ ક્ષમતા કરતા વધારે ભરેલી હતી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા અને તેઓ ગુરુવારે લગભગ સાંજે 4.30 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, કુલ 60 વિદ્યાર્થીઓ પ્રવાસનો ભાગ હતા. જ્યારે બોટમાં 16 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હતી, પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સમયે બોટમાં 34 લોકો હતા – 30 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના અધિકારીએ જણાવ્યું હતું કે, “બાળકો સાંજે 4.30 વાગ્યે તળાવ પર પહોંચ્યા અને તેમના શિક્ષકો સાથે બોટમાં સવાર થયા… બાળકો ડૂબવાના કિસ્સામાં, પાણીમાં બે કે ત્રણ મિનિટનો વિલંબ પણ મૃત્યુ તરફ દોરી શકે છે.
બેદરકારી બદલ બોટ સુવિધાના માલિક સામે પણ ગુનો નોંધાયો
હરણી તળાવ ખાતે બોટિંગ સુવિધા, જેને લેક ઝોન કહેવામાં આવે છે, 2016 માં બ્યુટીફિકેશન પ્રોજેક્ટ પછી, VMC સાથે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) કરાર હેઠળ, કોટિયા પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપની દ્વારા સંચાલિત છે.
પોલીસે જણાવ્યું કે, સુવિધાના મેનેજર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ સામે હરણી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 304 (ગેરઈરાદે હત્યા), 308 (ગેર ઈરાદે હત્યા કરવાનો પ્રયાસ), અને 337 (ઉતાવળ અથવા બેદરકારીભર્યા કૃત્યથી માનવ જીવનને જોખમમાં મુકવું) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયાએ પુષ્ટિ કરી કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ, તેના માલિક સહિત 18 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
રાતોરાત જાહેર કરાયેલા આદેશમાં, રાજ્યના ગૃહ વિભાગે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં તપાસનો આદેશ આપ્યો હતો. આ ઘટનાના કારણો અને સંજોગોની તપાસ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર, કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈની પણ બેદરકારી છે કે બેદરકારી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. સરકારે 10 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે.
અકસ્માતની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે
વડોદરા પોલીસ કમિશનરે શુક્રવારે આ ઘટનાની તપાસ માટે સાત શહેર પોલીસ અધિકારીઓની બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામાની આગેવાની હેઠળની વડોદરા શહેર પોલીસ એસઆઈટીએ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સના 15 ભાગીદારોની શોધ શરૂ કરી દીધી છે, જેમના એફઆઈઆરમાં 18 આરોપીઓમાં નામ સામેલ છે.
એસઆઈટીની રચના કરતા આદેશમાં જણાવાયું છે કે, “કેસના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવા અને કેસના તમામ (18) આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા” માટે ટીમની રચના કરવામાં આવી છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે હસ્તાક્ષર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસ હરણી પોલીસ સ્ટેશનમાંથી ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જેની તપાસ એસીપી રાઠોડ કરશે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા, જેઓ આ કેસના સુપરવાઈઝિંગ ઓફિસર છે, તેમણે જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે – લેક ઝોનના તમામ કર્મચારીઓ, જેમાં બે ખલાસીઓ સામેલ છે, જેઓ કથિત રીતે બોટને ઓવરલોડ કરવા માટે જવાબદાર હતા.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, “બે ખલાસીઓ સહિત 18 માંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અમે 15 ભાગીદારોને શોધી રહ્યા છીએ જેમના નામ સત્તાવાર રીતે મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સની યાદીમાં છે,” જાડેજાએ જણાવ્યું હતું કે, લેક ઝોનમાં અન્ય લોકોના નામ પણ છે, જેઓ રોજબરોજનો ધંધો કરતા હતા, તેમના પણ નામ તપાસ બાદ એફઆઈઆરમાં ઉમેરવામાં આવશે. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાય છે કે, ભાગીદારી પેઢીમાં કોટિયા અને શાહ પરિવારના સભ્યો હતા. તેમાંથી કોઈ પણ હાલમાં તેમના સરનામા પર હાજર નથી, અમે તેમને પકડવા અને તેમના લોકેશન ટ્રેસ કરવા માટે સર્ચ શરૂ કર્યું છે.”
જાડેજાએ જણાવ્યું હતું કે, VMC ના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ચૌહાણની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હોવા છતાં, પોલીસ આ મામલે નાગરિક સંસ્થાની જવાબદારીની તપાસ કરી રહી છે. જાડેજાએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન, જો પાલિકા અને તેના અધિકારીઓની બેદરકારી હોવાનું જણાયું, તો તેમની સામે પણ કેસ નોંધવામાં આવશે. અમે તમામ પાસાઓ પર આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.”
જે 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં, બિનિત કોટિયા (32), હિતેશ કોટિયા (55), ગોપાલદાસ શાહ (58), વત્સાક શાહ (25), દીપેન શાહ (24), ધર્મિલ શાહ (27), રશ્મિકાંત પ્રજાપતિ (38) જતીન દોશી (64), નેહા દોશી (30), તેજલ દોશી (46), ભીમસિંહ યાદવ (36), વેદ પ્રકાશ યાદવ (50), ધર્મિન ભટાણી (34), નૂતન શાહ (48), વૈશાખી શાહ (22), તળાવ બોટ સંચાલક નયન ગોહિલ અને અંકિત સાથે ઝોન મેનેજર શાંતિલાલ સોલંકીનો સમાવેશ થાય છે.
મૃતકોના પરિવાર આઘાતમાં
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, મૃત્યુ પામેલી એક છોકરીના સંબંધીએ કહ્યું કે, તેના માતાપિતા “આઘાત”માં સરી પડ્યા છે. તેમણે કહ્યું, “કોઈએ ધાર્યું ન હતું કે, મજાની પિકનિક એક દુર્ઘટનામાં ફેરવાઈ જશે. દોષિતોને સજા થવી જોઈએ – સ્કૂલ મેનેજમેન્ટથી લઈને કોન્ટ્રાક્ટર અને VMC અધિકારીઓ સુધી.”
તેમના બાળકો ગુમાવનારાઓમાં એક દંપતી એવું પણ સામેલ છે, જેમણે લગ્નના 17 વર્ષ પછી જન્મેલા તેમના બે બાળકો ગુમાવ્યા હતા. આજવા રોડ પર રહેતા પરિવારે તેમના બાળકોને ગુમાવ્યા, જેમાં એક છોકરો, ધોરણ 2 નો વિદ્યાર્થી હતો, અને તેની બહેન, ધોરણ 3 ની વિદ્યાર્થીની હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા દંપતીના એક સંબંધીએ જણાવ્યું હતું કે, તળાવમાંથી બહાર કાઢ્યા બાદ બંને બાળકોને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓને જીવિત કરી શકાયા ન હતા. બંને બાળકોના જન્મ પહેલા માતા-પિતાએ વર્ષો સુધી વિવિધ મંદિરોમાં પથ્થર એટલા દેવ પૂજ્યા અને પ્રાર્થના કરી હતી, અનેક હોસ્પિટલોના પગથિયા ઘસ્યા હતા.” ત્યારબાદ બાળક સુખ મળ્યું હતુ.
PM એ વળતરની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય, સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.”
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અકસ્માત બાદ શોક વ્યક્ત કર્યો હતો. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના હૃદયદ્રાવક છે. હું માર્યા ગયેલા માસૂમ બાળકોની આત્મા માટે પ્રાર્થના કરું છું. હું દુઃખી પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, અમે વહીવટીતંત્રને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને તાત્કાલિક રાહત અને સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.”
આ પણ વાંચો – વડોદરામાં બોટ દુર્ઘટના: ‘પથ્થર એટલા દેવ પૂજ્યા…’ 17 વર્ષે માતા-પિતા બન્યા, અને બંને બાળકો ગુમાવ્યા
ખાનગી કંપનીને બોટિંગનો કોન્ટ્રાક્ટ ફાળવવા પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા
વિપક્ષે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમી રાવતે આક્ષેપો કર્યા હતા અને ખાનગી કંપનીને બોટિંગનો કોન્ટ્રાક્ટ ફાળવવા પર સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના નેતાએ કહ્યું, “આ હત્યાનું કૃત્ય હતું, અકસ્માત નહીં. અમે સીટીંગ જજ દ્વારા આ ઘટનાની તપાસની માંગ કરીએ છીએ. આ ઘોર બેદરકારીનું કૃત્ય છે.”
તેમણે કહ્યું કે, “ઘટના સમયે બોટમાં કોઈ લાઈફ જેકેટ કે લાઈફગાર્ડ નહોતા. જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. 2016 માં, જ્યારે આ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવ્યો હતો, ત્યારે અમે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો”.





