વડોદરા બોટ દુર્ઘટના : કયા 18 લોકો સામે FIR નોંધાઈ, શું આરોપ લગાવવામાં આવ્યા?

Vadodara Boat Tragedy FIR : વડોદરા હરણી ખાતે મોટનાથ તળાવમાં બોટ પલટી ખાતા 15 બાળકો, 2 શિક્ષકોના મોત બાદ 18 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

Written by Kiran Mehta
January 19, 2024 14:28 IST
વડોદરા બોટ દુર્ઘટના : કયા 18 લોકો સામે FIR નોંધાઈ, શું આરોપ લગાવવામાં આવ્યા?
ગુજરાત બોટ દુર્ઘટના

અદિતી રાજા : ગુજરાતમાં વડોદરા બોટ દુર્ઘટનાના કલાકો બાદ પોલીસે ગુરુવારે રાત્રે બોટ સુવિધા ચલાવતી કંપનીના કર્મચારીઓ અને બોટ ઓપરેટર સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુરુવારે હરણી તળાવમાં હોડી પલટી જતાં 15 બાળ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના ડૂબી જતા મોત થયા છે. દુર્ઘટનાનું કારણ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. ઘટના સમયે કેટલાક વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા, જ્યારે મોટાભાગના બાળકો જેકેટ વગરના હતા. હવે આ ઘટનાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિપક્ષ તેને અકસ્માતને બદલે હત્યા ગણાવી રહ્યો છે.

ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયાના કલાકો બાદ, પોલીસે ગુરુવારે રાત્રે બોટ સુવિધા ચલાવતી કંપનીના કર્મચારીઓ અને બોટ ઓપરેટર સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ સિવાય તળાવ પર અવર જવર સહિત બોટિંગ પર હાલ પુરતો પ્રતિબંધ.

વીએમસીએ જ નોંધાવી એફઆઈઆર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે, બાળકો “લાઇફ જેકેટ વગરના હતા” અને “આગળથી પાણી ટપકતા” બોટ પલટી ગઈ હતી.

એફઆઈઆરમાં શું આરોપ મુકવામાં આવ્યા

એફઆઈઆર જણાવે છે કે, આરોપીઓએ “ઉતાવળ અને બેદરકારી ભર્યું કામ કર્યું”, જેના કારણે શાળાની પિકનિકમાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીએ “બોટમાં તમામ મુસાફરોને લાઇફ જેકેટ્સ પ્રદાન કરવાની સલામતીની સાવચેતીઓનું પાલન કર્યું ન હતું, તેમજ બોટમાં તેની વાસ્તવિક ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા, બોટમાં સવાર લોકો માટે મહત્વપૂર્ણ ચેતવણી ચિહ્નો પણ ન હતા.” આ સિવાય બોટની જાળવણી તેમજ લાઈફગાર્ડ અને દોરડા જેવા સલામતી સાધનોનો પણ અભાવ હતા (અકસ્માતમાં જાનહાનિ અટકાવવા) સાથે સમારકામમાં પણ બેદરકારી હતી.”

હરણી તળાવ ખાતે બોટિંગ સુવિધા, જેને લેક ​​ઝોન કહેવાય છે, તે VMC સાથે જાહેર-ખાનગી ભાગીદારી કરાર હેઠળ, કોટિયા પ્રોજેક્ટ્સ નામની ખાનગી કંપની દ્વારા સંચાલિત છે. ફરિયાદી, રાજેશ ચૌહાણે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, VMC ના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ, જણાવ્યું હતું કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સને VMC દ્વારા રાઇડ્સ, ફૂડ કોર્ટ, બેન્ક્વેટ હોલ અને અન્ય સુવિધાઓ સહિતની સુવિધા ચલાવવા માટે 2017 માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

FIRમાં જણાવવામાં આવ્યું છે કે, “અમને માહિતી મળી હતી કે સાંજે 4.30 વાગ્યે હર્ની લેક ઝોનમાં એક બોટ ભીડને કારણે પલટી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી અને શિક્ષક માનસી પરમાર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, બોટમાં 30 જેટલા લોકો બેઠા હતા અને કેટલાક બાળકો લાઈફ જેકેટ વગરના હતા. જ્યારે બોટ આગળ નમી, ત્યારે હોડી ડગમગવા લાગી અને હોડીના આગળના ભાગમાંથી પાણી ભરાવા લાગ્યું. “આના કારણે હોડી સંપૂર્ણપણે ડૂબી જતાં પહેલા વધુ અસ્થિર બની ગઈ હતી અને બોટમાં સવાર તમામ મુસાફરો પાણીમાં પડી ગયા હતા.”

એફઆઈઆરમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો અને ઘટનામાં મૃત્યુ પામેલા બે શિક્ષકોની ઓળખ કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે, સ્થાનિક લોકો અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા લગભગ 15 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.

કયા 18 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી

જે 18 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, તેમાં બિનિત કોટિયા (32), હિતેશ કોટિયા (55), ગોપાલદાસ શાહ (58), વત્સાક શાહ (25), દીપેન શાહ (24), ધર્મિલ શાહ (27), રશ્મિકાંત પ્રજાપતિ (38), જતીન દોશી (64), નેહા દોશી (30), તેજલ દોશી (46), ભીમસિંહ યાદવ (36), વેદ પ્રકાશ યાદવ (50), ધર્મિન ભટાણી (34), નૂતન શાહ (48), વૈશાખી શાહ (22), તળાવ બોટ સંચાલક નયન ગોહિલ અને અંકિત સાથે ઝોન મેનેજર શાંતિલાલ સોલંકીનો સમાવેશ થાય છે.

વિપક્ષ નેતાએ શું કહ્યું

વડોદરામાં બોટ પલટી જવાની ઘટના અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા અમી રાવત કહે છે કે, “અમે તેને અકસ્માત નહીં, હત્યાનું કૃત્ય ગણીએ છીએ. અમે આ ઘટનાની તપાસ સીટીંગ જજ દ્વારા કરાવવાની માંગ કરીએ છીએ.” આ તંત્રની ઘોર બેદરકારી છે. બોટમાં કોઈ લાઈફ જેકેટ કે, લાઈફગાર્ડ હાજર નહોતા. જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. 2016માં જ્યારે આ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવ્યો ત્યારે અમે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના અમી રાવતે, વીએમસીમાં વિપક્ષના નેતા, જેમણે 2016 માં પ્રોજેક્ટ સામે તકેદારી તપાસની માંગ કરી હતી, “પીપીપી મોડેલ પર તળાવોના વિકાસનું કામ (VMC) જનરલ બોર્ડમાં 20 ફેબ્રુઆરી, 2016 અને 14 ફેબ્રુઆરી ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. 76 માંથી 7 નગરસેવકોએ પીપીપી ધોરણે તળાવોના વિકાસની વિરુદ્ધમાં મત આપ્યો હતો, અને કહ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવે. બહુમતી મત દ્વારા પીપીપી ધોરણે વિકાસને મંજૂર કરવામાં આવ્યું હતું, જોકે બેઠકની મિનિટ્સમાં ચર્ચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ દુર્ઘટના અંગે, સામાજિક કાર્યકર્તા અતુલ ગેમચીએ પીટીઆઈ એજન્સીને કહ્યું, “વડોદરા શહેર માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બોટમાં 14 લોકોની ક્ષમતા હતી, જો કે, તેમાં 27 લોકોને બેસાડવામાં આવ્યા હતા. જોકે બોટમાં બે લાઈફગાર્ડ હોવા જોઈએ, તે પણ હાજર ન હતા. તેમજ લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. અહીં સીસીટીવી કેમેરા નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારમાં સામેલ છે.

ગુજરાત હાઈકોર્ટને સુઓમોટો દાખલ કરવા રજૂઆત

અપડેટ માહિતી અનુસાર, વડોદરા બોટ દુર્ઘટના મામલાની ગંભીરતાને જોતા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જસ્ટિસની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે. કોર્ટ આ મામલે ન્યુઝ પેપરના કટિંગ, વીડિયો, ઓડિયો દ્વારા સુઓમોટો પગલા લઈ શકે છે.

વડોદરા હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ કોની પાસે હતો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના સૂત્રો દ્વારા શેર કરાયેલ વિગતો મુજબ, ડેવલપર – મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ – જેને 2016 માં હરણી મોટનાથ તળાવના પુનઃવિકાસ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેને 2015 માં નાગરિક સંસ્થા દ્વારા શરૂઆતમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ પેઢી, મુખ્યત્વે ફૂડ સેક્ટરમાં કાર્યરત છે, વિગતોથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ, આવા લેઝર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો આ કંપની પાસે કોઈ અગાઉનો અનુભવ નહોતો. પેઢીના પ્રમોટર પરેશ શાહ, તે પાંચ લોકોમાં સામેલ છે જેમની સામે ગેર ઈરાદે હત્યા, અપરાધપૂર્ણ હત્યાનો પ્રયાસ અને બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શાહનો હજુ પત્તો લાગ્યો નથી.

આ પણ વાંચોવડોદરામાં બોટ દુર્ઘટના: ‘પથ્થર એટલા દેવ પૂજ્યા…’ 17 વર્ષે માતા-પિતા બન્યા, અને બંને બાળકો ગુમાવ્યા

આ ઘટના બાદ તેમના બાળકોની ખોટનો શોક વ્યક્ત કરતા પરિવારોએ શુક્રવારે વડોદરામાં કબ્રસ્તાન અને સ્મશાનભૂમિ પર કતારો લગાવી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ધોરણ 4ના વિદ્યાર્થીના કાકાએ કહ્યું, “મારી ભત્રીજી એક તેજસ્વી વિદ્યાર્થી હતી. તે બે ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. તે પિકનિક વિશે ઉત્સાહિત હતી, બાળકોને પિકનિક માટે નાસ્તો લેવાનું કહેવામાં આવ્યું હતું અને તેમની માતાને તેમનો મનપસંદ નાસ્તો બનાવ્યો હતો, પણ કોને ખબર હતી કે તે હવે ક્યારેય મસ્તી કરતી જોવા નહી મળે, કોઈપણ વળતર દ્વારા પીડા ઓછી કરી શકાય તેમ નથી”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ