Gujarat Rain Weather Forecast Update : ઓક્ટોબર મહિનો શરુ થઇ ગયો હોવા છતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારને 1 ઓક્ટોબરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જુનાગઢના ભેંસાણમાં 1.42 ઇંચ વરસાદ વરસ્યો છે. સારા વરસાદના કારણે નર્મદા ડેલ છલકાયો છે.
નર્મદા ડેમ છલકાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધામણા કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ઐતિહાસિક ઘડીએ નર્મદા મૈયાનું પૂજન કરીને પાવન જળના વધામણા કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વર્ષ 2017માં ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફલાઈન સમાન સરદાર સરોવર ડેમના રાષ્ટ્રાર્પણ પછી રાજ્યના 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગરપાલિકાઓ, એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડે છે. આ નર્મદા ડેમ પ્રોજેક્ટનું 9460 મીલીયન ઘન મીટર કુલ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતું જળાશય છઠ્ઠી વાર પૂર્ણ સપાટીએથી છલકાયું છે.
73 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 1 ઓક્ટોબર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભેંસાણમાં 36 મીમી, કોડીનારમાં 23 મીમી, મોરબીમાં 22 મીમી, માણાવદર, તાલાલામાં 20 મીમી, કુકાવાવ વાડીયામાં 19 મીમી, માગંરોળ, ઉમરપાડામાં 18 મીમી, ગાંધીધામ, ગીર ગઢડા, માળિયા હાટીના, રાણાવાવ અને કેશોદમાં 16 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 60 તાલુકામાં 1 થી લઇને 15 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – ગાંધીનગરમાં 32 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે પ્રેમીની ધરપકડ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 ઓક્ટોબના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર અને જૂનાગઢમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અન્ય જિલ્લામાં કોઇ ચેતવણી નથી.