Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવા ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. શ્રાવણમાં રાજ્યભરમાં શ્રીકાર વરસાદ જોવા મળી રહ્યો છે. શનિવારને 16 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જૂનાગઢના ભેંસાણમાં 3.74 ઇંચ વરસાદ વરસ્યો છે.
183 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 16 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભેંસાણમાં 3.74 ઇંચ, દાંતીવાડામાં 3.58 ઇંચ, ધારીમાં 2.99 ઇંચ, જામકંડોરાણામાં 2.80 ઇંચ, હળવદમાં 2.76 ઇંચ, દસાડામાં 2.32 ઇંચ, રાણપુરમાં 2.24 ઇંચ, ખેડામાં 2.20 ઇંચ, ઉનામાં 2.09 ઇંચ, લીંમડીમાં 2.09 ઇંચ અને હાંસોટમાં 2.01 ઇંચ વરસાદ વરસ્યો છે. કુલ 11 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 172 તાલુકામાં 1 થી લઇને 50 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને ટૂંક સમયમાં પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદનું જોર વધશે.
રવિવારે 17 મી ઓગસ્ટે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદમાં ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદના દુધેશ્વર અને મેમ્કોમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય મેમનગરમાં 4 ઇંચ, ઉસ્માનપુરામાં 4 ઇંચ, કાલુપુરમાં 3.5 ઇંચ, થલતેજમાં 3.2 ઇંચ, નિકોલમાં 2.9 ઇંચ, બોડકદેવમાં 2.7 ઇંચ, નવરંગપુરામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.