Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જોકે તે ગુરુવારે ધીમો પડ્યો હોય તેમ લાગે છે. ગુરુવારને 21 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના તલોદમાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો છે.
15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 21 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 15 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં તલોદમાં 1.69 ઇંચ, તિલકવાડામાં 1.65 ઇંચ, કપરાડામાં 1.22 ઇંચ, ધનસુરા, તારાપુરમાં 1.18 ઇંચ, જામનગર, મેઘરજમાં 1.14 ઇંચ, રાધનપુર, નડીયાદ, શિનોરમાં 1.10 ઇંચ, કાંવટમાં 1.06 ઇંચ, કડી, ભાવનગર અને ખાનપુરમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 165 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 ઓગસ્ટના રોજ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મોરબી અને સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – પીએમ મોદી અમદાવાદમાં 133.42 કરોડ રુપિયાના ખર્ચે બનેલા 1,449 આવાસોનું લોકાર્પણ કરશે
રાજ્યમાં સિઝનનો કુલ 75.93 ટકા વરસાદ
21 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 75.73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 78.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 71.97 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 78.99 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 21 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 267885 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 80.19% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 420224 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 75.32% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 55 છે. 70 ડેમ હાઇ એલર્ટ પર અને 36 ડેમ એલર્ટ પર છે.