ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર, જાણો કેવી રીતે

World Fisheries Day 2025 દર વર્ષે 21 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. વાર્ષિક 10.42 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

Written by Ashish Goyal
November 20, 2025 14:27 IST
ગુજરાતનો દરિયાકાંઠો બન્યો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર, જાણો કેવી રીતે
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ માનવામાં આવે છે (Express Photo by Nirmal Harindran)

Gujarat Marine Fish Producer : દર વર્ષે 21 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.

દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.

મત્સ્ય ઉદ્યોગની વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા

આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.

તાજેતરના આંકડાઓ મુજબ, ગત વર્ષ 2024-25માં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7.64 લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2.78 લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ 10.42 લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ વર્ષ 2025-26માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વધીને 11 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ 9.30 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે.

આ પણ વાંચો – ‘ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર નીલેશ પુરોહિતની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ની ભારપૂર્વક હિમાયત કરી હતી. ગુજરાતમાં તેમણે નાખેલો મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો આજે રાજ્યના વિકાસને ગતિ આપી રહ્યો છે.

4 નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ઘણા અસરકારક પગલાં લીધાં છે. જેમાં ડીઝલ પર વેટમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી, માર્ગ અને વીજળીના માળખાનો વિકાસ તથા નાના માછીમારો માટે સુધારેલી બંદર સુવિધાઓનો સમાવેશ થાય છે. વધુમાં, માધવડ, નવા બંદર, વેરાવળ-2 અને સૂત્રપાડા ખાતે ચાર નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે – જીતુ વાઘાણી

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે. ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી’ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પણ માછીમારી સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે આધુનિકીકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં 897.54 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ચાલુ વર્ષ 2025-26 માટે પણ ગુજરાતને 50 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યમાં મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ