ગૌમૂત્રનું દવા કે ઔષધી તરીકે સેવન કરવામાં આવે છે, જો કે તેનું સેવન માનવ શરીર માટે હાનિકારક સાબિત થવાની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)ના એક રિપોર્ટમાં આવો દાવો કરવમાં આવ્યો છે. IVRIની આ રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, ગૌમૂત્રનું સીધું સેવન કરવું માનવ શરીર માટે યોગ્ય નથી, કારણ કે તેમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોઇ શકે છે. આ રિસર્ચના પરિણામો વેબસાઇટ Researchgate પર પબ્લિશ કરવામાં આવ્યા છે.
ત્રણ પ્રકારની ગાયના મૂત્ર પર સંશોધન કરાયું
આ સંશોધન જૂન થી નવેમ્બર 2022 દરમિયાન IVRIના ભોજરાજ સિંહ અને પીએચડીના ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળીને કરવામાં આવ્યું છે. આ સંશોધન ત્રણ પ્રકારની ગાયો – સાહિવાલ, થારપારકર અને વિંદાવાની (ક્રોસ બ્રીડ) પર કરવામાં આવ્યું હતું.
ગૌમૂત્રમાં 14 પ્રકારના હાનિકારક બેક્ટેરીયા મળ્યા
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ગાય અને બળદના મૂત્રના સેમ્પલમાં એસ્ચેરિચિયા કોલાઇની હાજરીની સાથે સાથે ઓછામાં ઓછા 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે. એસ્ચેરિચિયા કોલાઇ પેટમાં બીમારીનું કારણ બને શકે છે અને આ બેક્ટેરિયામાં ગૌમૂત્રમાં સૌથી વધારે હોય છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યુ છે કે ગાયના મૂ્ત્રની તુલનાએ ભેંસનું મૂત્ર વધારે અસરકારક છે.
સંશોધનમાં ગાય, ભેંસ અને મનુષ્યના 73 સેમ્પલ પર સંશોધન કરાયું
આ સંશોધનની આગેવાની કરનાર ભોજરાજ સિંહે કહ્યું કે, ગાય, ભેંસઅને માનવ મૂત્રના 73 સેમ્પલના સ્ટેટિસ્ટિકલ એનાલિસિસથી જાણવા મળ્યું કે, ભેંસના મૂત્રમાં એન્ટી બેક્ટેરિયા એક્ટિવિટી ગાયની તુલનામાં ઘણી સારી હતી. એસ એપિડર્મિડિસ ( S Epidermidis) અને ઇ-રાપોંટિસી ( E Rhapontici) જેવા બેકટેરીયા પર ભેંસનુ મૂત્ર ઘણુ વધારે અસરકારક હતું.
આ સંશોધનમાં મનુષ્યો અને ભેંસોના મૂત્રના સેમ્પલોને પણ ધ્યાનમાં લેવાયા હતા. તેમા જાણવા મળ્યું કે, એક તંદુરસ્ત મનુષ્યના મૂત્રમાં પણ હાનિકારક બેક્ટેરીયા હોય છે. અલબત્ત ગાયના ડિસ્ટિલ યુરિનમાં હાનિકારક બેક્ટેરીયા હોય છે કે નહી, તે અંગે હજી સંશોધન ચાલી રહ્યું છે. અલબત્ત તેમણે કહ્યું કે, સામાન્ય રીતે એવું ન કહી શકાય કે ગૌમૂત્રમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે.
આ દરમિયાન IVRIના એક પૂર્વ ડિરેક્ટર આર.એસ. ચૌહાને રિસર્ચ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે, હું 25 વર્ષથી ગૌમૂત્ર અંગે સંશોધન કરી રહ્યો છે અને મેં નોંધ્યુ છે કે, ડિસ્ટિલ્ડ ગૌમૂત્ર મનુષ્યોની ઇમ્યૂનિટિમાં સુધારો કરે છે તેમજ કેન્સર અને કોવિડ-19ની વિરુદ્ધ મદદ કરે છે. આ ખાસ સંશોધન ડિસ્ટિલ્ડ યુરિનના સેમ્પલ પર કરાયુ નથી, જેને અમે લોકોને હકીકતમાં સેવન કરવાની સલાહ આપીયે છીએ.





