Avoid These Food Keep In Fridge : ફ્રિજ આધુનિક વિજ્ઞાનની એક મહત્વપૂર્ણ ભેટ છે, જે આપણા ખોરાકને ઝડપથી બગડતા અટકાવે છે. તે પાણી, ફળો, શાકભાજી અને પીણાંને ઠંડુ અને તાજું રાખે છે. જીવનની ભાગદોડને ધ્યાનમાં રાખીને આપણે સવારનું ભોજન સાંજ સુધી ફ્રિજમાં રાખીએ છીએ, આખા અઠવાડિયાની શાકભાજી એકસાથે ખરીદીને ફ્રિજમાં રાખીએ છીએ, જેથી સમયની જરૂરિયાત પ્રમાણે આપણે તેનું સેવન કરી શકીએ. ખોરાકને ફ્રિજમાં સંગ્રહિત કરવાનો હેતુ ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત અને પૌષ્ટિક રાખવાનો છે, જેથી ફૂડ પોઇઝનિંગ અથવા બગાડથી બચી શકાય.
તમે જાણો છો કે તમામ પ્રકારની ખાવાન ચીજ ફ્રિજમાં સ્ટોર કરવી સુરક્ષિત નથી. ફ્રિજમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેનો સ્વાદ, પોષક તત્વો અને સ્વાસ્થ્ય પર તેની અસર બદલાય છે. જો આ દૂષિત ખોરાકનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક અથવા ઝેર સમાન બની જાય છે. યુએસ બોર્ડર સર્ટિફાઇડ ઓન્કોલોજિસ્ટ ડો.રવિ કે ગુપ્તાએ કહ્યું છે કે જો તમે કેટલાક ખોરાકને ફ્રિજમાં રાખો છો, તો તેના ફાયદાને બદલે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
જ્યારે કેટલાક ખોરાકને ફ્રિજમાં રાખવામાં આવે છે, ત્યારે તેમાં ઝેરી બેક્ટેરિયા વધવા લાગે છે, જેના કારણે ખોરાક ઝેરી બની શકે છે. આવો જાણીએ એવી કઇ ખાદ્ય ચીજો છે જેને ફ્રીજમાં રાખવામાં આવે તો ફૂડ પોઇઝન જેવી સ્વાસ્થ્ય પર અસર થાય છે. ચાલો જાણીયે
કાપેલું લીંબુ ફ્રિજમાં ન રાખો
મોટાભાગના લોકો લીંબુ કાપ્યા બાદ, અડધા લીંબુનો ઉપયોગ કરે છે અને બાકીનું અડધું લીંબુ ફ્રિજમાં મૂકે છે. તમારી આ આદત સુધારવાની જરૂર છે. લીંબુ કાપ્યા બાદ તેનું વિટામિન સી ધીમે ધીમે ઓક્સિડાઇઝ થાય છે, જે તેના પોષણ મૂલ્યને ઘટાડે છે. જો તેને ખુલ્લું રાખવામાં આવે કે લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો ફ્રિજના ભેજના કારણે તેમાં ફંગલ ગ્રોથ કે બેક્ટેરિયા ઉત્પન્ન થઇ શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવા લીંબુનું સેવન કરવાથી પાચનની સમસ્યા કે ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી સ્લાઇસ કરેલા લીંબુને માત્ર હવાચુસ્ત ડબ્બામાં અથવા પ્લાસ્ટિકના રેપમાં થોડા કલાકો માટે જ ફ્રિજમાં રાખો. જરૂર મુજબ લીંબુને કાપીને તેનો તાજો ઉપયોગ કરવો વધુ સારું છે.
પનીરનું શાક
જો તમને પણ તમારા મનપસંદ પનીર કે પનીરના શાકને બે દિવસથી વધુ ફ્રિજમાં સ્ટોર કરીને ખાવાની આદત હોય તો આ આદતને બદલવી જરૂરી છે. પનીર એક નરમ અને પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ છે, જેમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો હાનિકારક બેક્ટેરિયા ઝડપથી વિકસી શકે છે. ખાસ કરીને ગ્રેવી પનીરના શાકમાં બેસિલસ સેરેયસ જેવા બેક્ટેરિયા વધવા લાગે છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગ, ઉલ્ટી અને ડાયેરિયા થઈ શકે છે. માટે પનીર સબ્જીને વધુમાં વધુ 1-2 દિવસ સુધી ફ્રિજમાં રાખી મૂકો અને જમતા પહેલા તેને સારી રીતે ગરમ કરી લો. પનીર તાજું ખાઓ, તે સ્વાસ્થ્ય માટે સારું રહે છે.
કાપેલા ફળો ફ્રિજમાં ન મૂકવા
કાપેલા ફળોને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવા એક ખરાબ આદત છે, જેને સુધારવાની જરૂર છે. ઘણીવાર લોકો પપૈયું, તરબૂચ અને કેરી જેવા ફળો કાપીને કલાકો સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પછી જમે છે, પરંતુ આમ કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કાપ્યા કર્યા બાદ આ ફળોમાં રહેલા ફ્રુક્ટોઝ અને અન્ય પોષક તત્વોનું ધીમે ધીમે ઓક્સિડાઇઝેશન થાય છે, જે તેમના પોષણને ઓછું કરે છે અને સ્વાદ અને ગુણવત્તા પણ બગડે છે. વળી, કાપેલા ફળોને ફ્રિજના ભેજ અને ખુલ્લા રાખવાથી તેમા બેક્ટેરિયા કે ફંગસ વધી શકે છે.
પેકેટ ખોલ્યા બાદ બ્રેડ ફ્રિજમાં ન રાખવી
જો તમે પણ આખા અઠવાડિયા સુધી ખાવા માટે બ્રેડ ફ્રિજમાં રાખો છો તો આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જો તમને બ્રેડ પર કોઈ ફંગસ ન દેખાય તો પણ ફ્રિજના ભેજને કારણે ઘણી વખત માઈક્રોસ્કોપિક ફંગસનો વિકાસ થાય છે જે શરૂઆતના તબક્કામાં નરી આંખે દેખાતા નથી. ફૂગ ઝડપથી વિકસી શકે છે, ખાસ કરીને બ્રાઉન બ્રેડ અને આખા અનાજની બ્રેડમાં, જેમાં ભેજ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આવી બ્રેડનું સેવન કરવાથી પેટમાં ઇન્ફેક્શન, ગેસ, અપચો કે ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી થોડી માત્રામાં બ્રેડ ખરીદો, તેને સૂકી અને ઠંડી જગ્યાએ સંગ્રહિત કરો, અને 3-4 દિવસની અંદર તેનું સેવન કરો. બ્રેડ પર જો ફુગ દેખાય તે કે દુર્ગંધ આવતી હોય તો તરત જ ફેંકી દો.
બટરનું ખોલેલું પેકેટ ફ્રિજ રાખવું નહીં
ઘણીવાર આપણે મહિનાઓ સુધી બટર ફ્રિજમાં સ્ટોર કરીને તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આવું કરવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? જો બટરના ખુલ્લા પેકેટને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં તો તેનું ઓક્સિડાઇઝિંગ શરૂ થઈ જાય છે, જે તેની ગંધ, સ્વાદ અને પોષણને અસર કરે છે. આ ઉપરાંત જો માખણને ખુલ્લું રાખવામાં આવે કે ખુલ્લા ડબ્બામાં રાખવામાં આવે તો તે ફ્રિજમાં રહેલી અન્ય વસ્તુઓની ગંધને પણ શોષી લે છે અને બેક્ટેરિયા કે મોલ્ડનો ખતરો વધારી શકે છે. આવા માખણનું સેવન કરવાથી પાચનની સમસ્યા, ગેસ અથવા ફૂડ ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી હંમેશા માખણને હવાબંધ ડબ્બામાં ભરીને રાખો અને 2-3 અઠવાડિયાની અંદર તેનો ઉપયોગ કરો. અનસોલ્ટેડ બટર ઝડપથી બગડી શકે છે, જ્યારે સોલ્ટેડ બટર થોડો સમય ટકી શકે છે, પરંતુ સ્વચ્છતા અને સંગ્રહની કાળજી લેવી જરૂરી છે.