Best Tourist Places For December Trip Plan In India : ડિસેમ્બર મહિનો શિયાળાની ઠંડીમાં ફરવા માટે અનુકુળ માનવામાં આવે છે. 31 ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશન પર મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે. જો તમે ડિસેમ્બરમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, અહીં ડિસેમ્બરમાં ફરવા લાયક 5 પ્રખ્યાત પ્રવાસ સ્થળ વિશે વિગત આપી છે. અહીં એકલા, મિત્રો, પરિવાર અને પાર્ટનર સાથે ફરવા જઇ શકાય છે. આ સ્થળો પર શિયાળાની ઠંડી, હિમ વર્ષા, કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળે છે.
ઓલી, ઉત્તરાખંડ
ઓલી હિલ સ્ટેશન ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. અહીં શિયાળાની સીઝનમાં નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન હિમ વર્ષા થાય છે. બરફની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઓલી આવે છે. બરફથી ઢંકાયેલા હિમાચલના શિખરો અને શાંત વાતાવરણ મનને શાંતિ આપે છે. સ્કીઇંગ સહિત ઘણી એડવેન્ચર આઈસી એક્ટિવિટી થાય છે. ડિસેમ્બરમાં અહીં તાપમાન માઇનસ થઇ જાય છે.
જયપુર, રાજસ્થાન
જો તમને વધારે ઠંડી પસંદ નથી તો જયપુર ડિસેમ્બરમાં ફરવા માટે યોગ્ય પ્રવાસ સ્થળ છે. કિલ્લા, મહેલ અને ઐતિહાસિક સ્મારકો સહિત વાસ્તુકલ પ્રેમીઓ માટે જયપુરમાં ઘણું બધું છે. આમેર કિલ્લો, હવા મહેલ, સિટી પેલેસ, મ્યુઝિયમ સહિત ઘણા સ્થળો છે જ્યાં રાજસ્થાનની શાન બાન શાનનો અનુભવ થશે.
ગોવા
ડિસેમ્બરમાં ગોવાની સુંદરતા જોવા અને માણવા લાયક હોય છે. ક્રિસમસ અને 31 ડિસેમ્બર અને ન્યુ યર સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા આવે છે. ગોવાના દરિયા કિનારના સુંદર બીચ, સી ફૂડ અને નાઇટ પાર્ટી ફેમસ છે. ગુજરાતના લોકો માટે ગોવા સૌથી નજીક, સુંદર અને ખર્ચની રીતે પરવડે તેવું પ્રવાસ સ્થળ છે.
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
જો તમારે હિમ વર્ષાની મજા માણવી છે તો દાર્જિલિંગ પણ ડિસેમ્બરમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. પશ્ચિમ બંગાળનું પ્રખ્યાત હિલ સ્ટેશન દાર્જિલિંગ હિમાલય પર્વતનો છેડો છે, અહીંથી કંચનજંધા શિખર સ્પષ્ટ દેખાય છે. ડિસેમ્બરમાં ઠંડી હવામાં ચાના બગીચાની સુગંઘ મન અને મગજને તાજગી આપે છે. એટલું જ નહીં ટાઇગર હિલ થી સૂર્યોદયનો નજારો જોવાની ક્ષણ યાદગાર બની જાય છે. અહીંની ટ્રોય ટ્રેનમાં મુસાફરી નાના બાળકો થી લઇ મોટી ઉંમરના લોકો માટે યાદગાર અનુભવ હોય છે. જો તમે પ્રકૃતિ પ્રેમીઓ માટે દાર્જિલિંગ સ્વર્ગ સમાન છે.
ઉદયપુર, રાજસ્થાન
ઉદયપુર તળાવોનું શહેર કહેવાય છે. વ્હાઇટ સિટી નામે પ્રખ્યાત રાજસ્થાનનું ઉદયપુર આમ તો બારેય મહિના ફરવા માટે ઉત્તમ છે, પણ શિયાળાની ઠંડીમાં અહીનું હવામાન બહુ જ મજેદાર હોય છે. ઉદયપુર પેલેસ, ફતેહસાગર લેક, પીછોલા લેક, સહેલી બાગ સહિત ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે. કુદરતી સૌંદર્ય, સુંદર ઐતિહાસિક સ્મારક અને શાંત વાતાવરણ પ્રવાસીઓને ઉદયપુર ખેંચી લાવે છે.





