Churma Laddu Recipe At Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થી પર ગણપતિ દાદાને પ્રસાદમાં લાડુ ધરાવવામાં આવે છે. ભાદરવા વદ ચોથ તિથિથી શરુ થતા ગણેશ મહોત્સવમાં ભક્તો ઘરે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરે છે. વિધ્નહર્તા ગણેશજીની મોદક, લાડુ બહુ પ્રિય છે. આથી ભક્તો આ બંને મીઠાઇ પ્રસાદમાં ધરાવે છે. લાડુ એટલે લાડવા ભારતની પરંપરાગત વાનગી છે. ઘણા લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ઓછા તેલ વાળું ભોજન જમે છે. અહીં તેલમાં તળ્યા વગર ચુરમાના લાડુ બનાવવાની રીત આપી છે, જે તમારે જરૂર ટ્રાય કરવી જોઇએ.
Churma Laddu Recipe : ચુરમાના લાડુ બનાવવા માટે સામગ્રી
- ઘઉંનો જાડો લોટ – 1 વાટકી
- ઘઉંનો છીણો લોટ – 1 વાટકી
- ઘી – 1 વાટકી
- ગોળ અથવા ખાંડ – 2 કપ
- ખસખસ – 1 ચમચી
- એલચી પાઉડર – 1 ચમચી
- ડ્રાયફુટ્સના ટુકડા – 1 કપ
Churma Ladoo Recipe : ચુરમાના લાડવા બનાવવાની રીત
તેલમાં તળ્યા વગર ચુરમાના લાડવા બનાવવા માટે સૌથી પહેલા એક મોટા અને ઉંચા વાસણમાં ઘઉંનો છીણો અને જાડો લોટ ચાળી લો. આ માટે ઘઉંની રોટલીનો લોટ અને ભાખરીનો લોટ વાપરી શકાય છે. તેમા ગરમ ઘીનું મોણ નાંખી લોટને બરાબર મસળી લો. પછી પાણી ઉમેરી લોટ બાંધો. ચુરમાના લાડવા બનાવવા માટે રોટલીના લોટ કરતા સહેજ કઠણ લોટ બાંધવાનો હોય. લોટ બાંધવા માટે ગરમ પાણી પણ વાપરી શકાય છે. આ લોટ માંથી બાટી જેવા ગોળ લુઆ એટલે કે મુઠીયા બનાવો
હવે ગેસ પર એક તવો ગરમ કરો, પછી તેના પર મુઠીયા શેકો. તવાના બદલે બાટીના ઓવનમાં પણ લુઆ શેકી શકાય છે. ગેસ ધીમા મીડિયમ તાપે બંને બાજુથી સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા શેકવાના છે. મુઠીયા અંદરથી કાચા ન રહે તેનું ધ્યાન રાખવું. મુઠીયા શેકાયા બાદ તેને ઠંડા થવા દો. પછી મિક્સર જારમાં નાંખી બારીક પીસી લો.
હવે એક મોટા વાસણમાં શેકેલા મુઠીયાનો લોટ નાંખો, પછી ગરમ ઘી અને ખાંડ બૂરું અથવા ગોળ ઉમેરો. ગોળના લાડુ બનાવવા માટે ગોળનો પાયો બનાવવો પડશે. તેની માટે કઢાઇમાં ઘી ગરમ કરો પછી ગોળ નાંખો, ગોળ ઓગળી પછી લોટમાં ઉમેરો. ગોળનો પાયો વધારે કડક કરવો નહીં. હવે લોટમાં એલચી પાઉડર અને ડ્રાયફુટના ટુકડા નાંખી બધી સામગ્રીને મિક્સ કરો.
આ પણ વાંચો | કોકોનટ લાડુ રેસીપી, ગણેશ ચતુર્થી પર 3 વસ્તુ માંથી બનાવો ગણપતિ દાદાનો પ્રસાદ
હવે હાથ વડે ગોળ ચુરમાના લાડવા બનાવો. આજકાલ બજારમાં મોદક અને ગોળ લાડુ બનાવવા બીબા પણ મળે છે. તમે આ બીબા વડે એક કદના ડિઝાઇન વાળા લાડવા બનાવી શકો છો. લાડવા બનાવ્યા બાદ તેના પર ખસખસ છાંટો. ગણેશ ભગવાનને પ્રસાદમાં ચુરમાના લાડુ ધરાવો.