Health Tips For Overeating Cause : ભૂખ લાગવી એ શરીરની કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 3 થી 4 વખત ખાઈએ છીએ. આમ તો સ્વસ્થ શરીર માટે દિવસમાં આટલુંવાર ભોજન કરવું જરૂરી છે, પરંતુ ઘણી વખત ભરપેટ ભોજન કર્યા પછી પણ વારંવાર ભૂખ લાગતી રહે છે. સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં તમે વધુ કેલરીનું સેવન કરો છો, જે સીધું નુકસાનકારક છે. હવે પ્રશ્ન એ થાય છે કે ભરપેટ ભોજન કર્યા પછી પણ આપણને વારંવાર ભૂખ કેમ લાગે છે? મોટાભાગના લોકો તેને નબળાઈ સાથે જોડે છે, જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે નબળાઈ સિવાય તેના માટે અન્ય ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. તેમની પોસ્ટમાં, ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે જો તમને ભોજન કર્યા બાદ પણ વારંવાર ભૂખ લાગે છે, તો તેની પાછળ 6 કારણો જવાબદાર હોઈ શકે છે. ચાલો જાણીએ તેમના વિશે-
પ્રોટીનની ઉણપ
લવનીત બત્રાના કહેવા પ્રમાણે, આહારમાં પ્રોટીનની કમી હોવાને કારણે તમને બિનજરૂરી ભૂખ લાગી શકે છે. ખરેખર, પ્રોટીન ઊર્જા આપે છે અને ભૂખમાં વધારો કરતા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. તે હોર્મોન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે જે પેટ ભરેલુ હોવાના સંકેત આપે છે. ઉપરાંત પ્રોટીન ખાવાની લાલસાને ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમને વધુ ભૂખ લાગે છે, તો તમે તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખાદ્યચીજોનો સમાવેશ કરી શકો છો.

અપૂરતી ઊંઘ
ન્યુટ્રિશનિસ્ટના મતે જો તમને વારંવાર ભૂખ લાગે છે તો તેની પાછળ અધૂરી ઊંઘ પણ એક કારણ હોઈ શકે છે. ઓછી ઊંઘને કારણે ભૂખનો સંકેત આપતો ઘ્રેલિન હોર્મોન તેનું નિયંત્રણ ગુમાવે છે. જ્યારે તમને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે આ હોર્મોન વધે છે અને તમને વારંવાર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં તમારે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આનાથી ભૂખ લાગવાની સમસ્યા તો દૂર થશે, સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે.
વધુ પડતા શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન
રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઉંચા પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, વધુ માત્રામાં રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ ખોરાક જમવાથી ભૂખ પણ વધે છે. આ જ કારણ છે કે વધુ પડતા રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવાથી સ્થૂળતા વધુ ઝડપથી વધે છે.
ફાઇબરનો અભાવ
શરીરમાં ફાઈબરની ઉણપથી ભૂખ પણ જલ્દી લાગે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક ભૂખને દબાવતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આવી સ્થિતિમાં ફાઈબરથી ભરપૂર ચીજોનું સેવન કરવાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી.

વધુ તણાવ કે ચિંતા કરવી
લવનીત બત્રા અનુસાર, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું લેવલ વધી જાય છે, જેના કારણે ભૂખ અને ક્રેવિગ્સ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર કામ કરો.
બીમારી
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આજના સમયમાં ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી ગંભીર બીમારીઓ લોકોને ઝડપથી શિકાર બનાવી છે. આ બંને સ્થિતિમાં, વધુ ભૂખ લાગવી સામાન્ય છે. ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝ કોષો સુધી પહોંચી શકતું નથી. જેના કારણે એનર્જી જનરેટ થવાને બદલે પેશાબ દ્વારા બહાર જાય છે. ઉપરાંત ક્યારેક શુગર લેવલ વધી જાય તો વ્યક્તિને ખૂબ ભૂખ લાગે છે અને વ્યક્તિને વધુ ખાવાનું મન થાય છે. ઉપરાંત જ્યારે થાઇરોઇડ હોર્મોનનું લેવલ વધે છે ત્યારે પણ વ્યક્તિને પેટ ખાલી લાગે છે.
આ પણ વાંચો | બદામ અસલી છે કે નકલી? આવી રીતે ચેક કરો; શિયાળામાં ડ્રાયફૂટ્સ ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
(Disclaimer: આ લેખમાં રજૂ કરાયેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો સૌથી પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી)





