Difference Between Thepla And Paratha : થેપલા અને પરાઠા વચ્ચે તફાવત : થેપલા ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. આ ગુજરાતી વાનગી દેશ વિદેશમાં બહુ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો થેપલા ખાવાના બહુ શોખીન હોય છે. ઘરે કે બહાર હોટેલમાં પણ થેપલા ખાવાનો મોકો છોડતા નથી. ગુજરાતમાં લોકો મેથીના થેપલા, પાલક થેપલા અને અનેક પ્રકારના થેપલા ખાય છે. આ થેપલા બનાવવાની રીત પણ અલગ છે, પરંતુ ઘણા લોકોને લાગે છે કે થેપલા અને પરાઠા બંને એક જ છે. જ્યારે થેપલા અને પરાઠામાં ઘણો ફરક છે. બન્નેને બનાવવાની રીતમાં પણ ફરક છે. આવો જાણીએ કેવી રીતે.
થેપલા અને પરાઠા વચ્ચેનો તફાવત : Difference Between Thepla And Paratha
થેપલા શું છે : What is Thepla
થેપલા એ રોટલી જેવી વાનગી છે જે ઓછા તેલમાં મેથી અને વિવિધ પ્રકારના મસાલા નાંખી બનાવવામાં આવે છે. થેપલા બનાવવા માટે ચણાનો લોટ, દહીં અને ઘણા બધા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. બેસન થેપલાને એક સ્વાદિષ્ટ સ્વાદ આપે છે અને દહીં ખાટો સ્વાદ ઉમેરશે. થેપલા બનાવવા માટે અંદર કોઇ ચીજનું સ્ટફિંગ કરવામાં આવતું નથી, પરંતુ મેથીના પાન, કોથમીર, અજમો, ચણાના લોટ અને અન્ય મસાલાને સીધા જ કાપીને લોટ તૈયાર કરવામાં આવે છે. આ લોટની રોટલી વણી – શેકીને થેપલા બનાવવામાં આવે છે.
પરાઠા એટલે શું : What is Paratha
પરાઠા થેપલા કરતા અલગ હોય છે. પરાઠા રોટલીની અંદર કોઇ ચીજ ભરી સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. તેમા બટાકા, પનીર અને વિવિધ પ્રકારના શાકભાજી મસળી, તેમા વિવિધ મસાલા ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લોટની વચ્ચે આ શાકભાજીના મસાલાનું સ્ટફિંગ કરી પરાઠા બનાવવામાં આવે છે. પરાઠાને તેલ, ઘી કે બટર લગાડી શેકવામાં આવે છે. પરાઠા બનાવવા ઘઉંના લોટનો ઉપયોગ કરાયા છે. પરાઠાની અંદર બટાકા, પનીર, સત્તુ અને વિવિધ શાકભાજીના મસાલાનું સ્ટફિંગ કરવામાં આવે છે.
થેપલા સામાન્ય રીતે મધ્યમ કદના એટલે કે 5થી 6 ઇંચના હોય છે, જ્યારે પરાઠા મોટા કદના હોઈ શકે છે. પરાઠા મુખ્યત્વે પીળા આછા બદામી રંગના હોય છે, જ્યારે થેપલાનો રંગ પીળો નારંગી હોઈ શકે છે. થેપલા લાંબા સમય સ્ટોર કરી શકાય છે અને તેને રોલ કરીને ગમે ત્યારે ખાઈ શકાય છે. જ્યારે, પરાઠા સાથે આવું કશું જ શક્ય નથી. પરાઠા ઝડપથી બગડી શકે છે. તેથી તમે આ બંને વચ્ચેનો તફાવત સમજો અને પછી થેપલા અને પરાઠા ખાઓ.





