Holi 2025 Hair Care Tips : હોળી ધુળેટીનો તહેવાર રંગ કલર વગર અધૂરો છે. જો કે હોળ પર કેમિકલયુક્ત કલર ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. હોળી રમ્યા બાદ લોકો લાંબા સમય સુધી ત્વચાની સમસ્યાથી પરેશાન રહે છે. જો તમે પણ આ વખતે હોળી રમવાના મૂડમાં છો, તો તમારે અગાઉથી જ અમુક તૈયારીઓ કરી લેવી જોઈએ. આ સાથે તમે દિલથી હોળીની મજા પણ માણી શકશો, સાથે જ જો તમે હેર કેર રૂટિન ફોલો કરશો તો તમને વાળ ડેમેજ થવાનો ડર પણ નહીં રહે.
હોળી રમતા પહેલા તમારે હેર માસ્ક તૈયાર કરવું જોઈએ, જે શેમ્પૂ કરતા પહેલા લગાવી શકો. આમ કરવાથી કેમિકલ કલરથી તમારા વાળને નુકસાન નહીં થાય. આ સાથે તમે તમારા વાળને સુરક્ષિત રાખવા માટે અહીં જણાવેલી ટિપ્સ (પ્રી હોલી હેર કેર ટિપ્સ)ને ફોલો કરી શકો છો.
વાળ માટે ખાસ હેર માસ્ક બનાવો
હોળી રમ્યા બાદ વાળ સંપૂર્ણ રીતે અબીર-ગુલાલ અને રંગથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં માત્ર શેમ્પૂ કરવાથી વાળ માંથી રંગ બહાર આવતો નથી. એટલું જ નહીં, હોળીના રંગ કલર લાંબા સમય સુધી રહેવાથી વાળને નુકસાન થઇ શકે છે. તેનાથી બચવા માટે તમે સરળતાથી ઘરે જ હેર માસ્ક બનાવી શકો છો.
હેર માસ્ક બનાવવા માટે મેથીના દાણા અને દહીંની જરૂર પડશે. સૌ પ્રથમ તો રાત્રે પલાળવા માટે દહીંમાં એક ચમચી મેથીના દાણા પલાળી રાખો. સવારે તેને પીસીને પેસ્ટ બનાવી લો. હોળી રમીને ઘરે આવો ત્યારે સૌથી પહેલા આ પેસ્ટ વાળમાં લગાવો. આ હેર માસ્ક વાળમાં લગભગ અડધો કલાક સુધી રહેવા દો. આ પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.
હોળીમાં રંગથી વાળને કેવી રીતે સુરક્ષિત રાખવા?
હોળીમાં કલરથી રંગાયેલા વાળને નુકસાન ન થાય તે માટે સૌથી જરૂરી છે કે તમારા વાળ માંથી કેમિકલયુક્ત કલર સંપૂર્ણપણે સાફ થઇ જાય. જરૂર પડે તો તમે મોઇશ્ચરાઇઝિંગ શેમ્પૂથી પણ વાળને બે વાર ધોઈ શકો છો. આ તમને તમારા વાળ અને ખોપરી ઉપરની ચામડીમાંથી બધા રંગને દૂર કરવામાં મદદ કરશે. આ પછી વાળમાં કંડિશનરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. જો તમારા વાળમાં વધારે પડતો કલર ભરેલો હોય તો વાળમાં શેમ્પૂ અને કંડિશનર લગાવ્યા બાદ તમારે હની હેર માસ્ક પણ લગાવવું જોઇએ. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થશે.
તમારા વાળને આ રીતે ઓળો
હોળી પર વાળ ધોયા પછી, વાળને છૂટા કરવા માટે હંમેશા પહોળા દાંતના કાંસકા અથવા બ્રશનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળ તૂટવાની શક્યતા ઓછી થશે. વાળની ગુચ કાઢવા માટે સૌથી પહેલા માથા પરથી વાળ ઓળવાનું શરૂ કરો.
આ પણ વાંચો | હોળી ધુળેટી રમ્યા બાદ કેવી રીતે નાહવું? પાણીમાં ઉમેરો રસોડાની આ વસ્તુ, શરીર પરથી રંગ થશે સાફ
હોળી રમતા પહેલા વાળમાં શું લગાવવું?
હોળી રમતા પહેલા વાળમાં કોપરેલ તેલ, ઓલિવ કે બદામનું તેલ લગાવી લો. આમ કરવાથી તમે વાળને કેમિકલયુક્ત કલરથી ઘણી હદ સુધી બચાવી શકશો. સાથે જ વાળની માથાની ત્વચા પર તેલથી મસાજ કરો. તેનાથી વાળમાં લેમિનેશન જેમ ઓઇલનું લેયર બનશે. આનાથી વાળને નુકસાન થવાનું જોખમ પણ ઓછું થશે. ઉપરાંત તમે એલોવેરા જેલ અને ગુલાબ જળ પણ વાળમાં લગાવી શકો છો.
(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો)





