ICMR Research Reports On Heart Attack In Youth After COVID Vaccine: કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન ઘણા લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. તે સમયે એવું લાગતું હતું કે કદાચ આ જ દુનિયાનો અંત છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોવિડ-19ની સારવાર માટે તેમની દવા – રસીની શોધ કરી રહ્યા હતા. જો કે, રશિયા બાદ ભારતે વેક્સીન શોધીને કોરોના મહામારી સામે લડવાનું અભિયાન શરૂ કરી દીધું હતું.
કોરોના મહામારી સામે લડવા કેન્દ્ર સરકારે લોકોનો જીવ બચાવવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું. શરૂઆતમાં, દેશના દરેક નાગરિકને રસીના 2 ડોઝ લેવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, સમય જતાં કોરોના વેક્સીનને લઈને ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના કેસ સમગ્ર દેશમાં ઝડપથી વધી રહ્યા છે. જેમાં યુવા લોકોના હાર્ટ એટેક વધતા કેસ અને મૃત્યુની ઘટનાથી કોરોના વેક્સીન સામે શંકા ઉદભવી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના રસીના ડોઝ લીધા બાદ યુવા લોકોના હૃદય નબળા પડી રહ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને પછી મૃત્યુના કેસ પણ સતત વધી રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR એ એક અભ્યાસ દ્વારા જવાબ આપ્યો છે.
આઈસીએમઆર સ્ટડી રિપોર્ટમાં શું તારણ નીકળ્યું?
ICMRએ તેના સ્ટડી રિપોર્ટમાં આ અરોપોનું ખંડન કર્યું છે. તેમજ એવું પણ કહ્યું કે, કોવિડ રસીકરણને યુવાન લોકોના હાર્ટ એટેક અને મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.
ICMRના એક અલગ સંશોધન અનુસાર, મૃત્યુ અથવા હાર્ટ એટેકના વધતા કેસોના કારણોમાં કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કિસ્સાઓ, મૃત્યુના થોડા સમય પહેલા વધુ પડતા આલ્કોહોલનું સેવન, ડ્રગ્સ લેવો કે મૃત્યુ પહેલા 48 કલાકમાં અત્યંત ભારે કસરત કરવી જેવી વર્તણુક સામે છે. આ ઉપરાંત જીવનશૈલીમાં અચાનક બદલાવ પણ તેની પાછળ એક કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો | ફેફસાના ગંભીર રોગમાં વધારો, પ્રદૂષણને કારણે ફેફસાંને હેલ્થી રાખવા ઘરે આ બ્રિથિંગ કસરત કરો
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો આ અભ્યાસ 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન આ સંશોધનમાં, દેશભરમાંથી 18 થી 45 વર્ષની વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જે દેખીતી રીતે સ્વસ્થ હતા. આમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ લાંબી બીમારીથી પીડિત નહોતું.
ICMRના પરિણામોને વધુ સ્પષ્ટ કરવા માટે 47 હોસ્પિટલોને પણ અભ્યાસનો હિસ્સો બનાવવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, એવું જોવામાં આવ્યું હતું કે જે લોકોએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તેમનામાં કોરોના વાયરસને કારણે મૃત્યુનું જોખમ ખૂબ ઓછું છે.





