Jasmine Bhasin Cornea Damage By Contact Lens: હાલમાં જ ટીવી એક્ટ્રેસ જસ્મિન ભસીન વિશે એક હેરાન કરી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જસ્મિન ભસીનના કોર્નિયાને નુકસાન થયું છે. એટલું જ નહીં આ કારણે અભિનેત્રીને જોવામાં પણ તકલીફ પડી રહી છે, સાથે જ આંખોમાં દુખાવો થવાને કારણે અભિનેત્રીની હાલત ખરાબ છે.
જસ્મિન ભસીનની આંખમાં શું થયું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસ્મિન 17 તારીખે દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા હતા. આ બાબતે ઇ-ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “લેન્સ લગાવ્યા પછી તરત જ મને આંખોમાં કંઇક ખુંચતુ હોવાનો અનુભવ થયો હતો. પહેલાં તો મેં તેની અવગણના કરી પણ પછી સમય જતાં મારી આંખોમાં દુખાવો વધતો ગયો. મારે ડૉક્ટર પાસે જવું હતું, પણ પછી મેં વિચાર્યું કે હું પહેલાં ઇવેન્ટ પૂરી કરીશ. મેં સનગ્લાસ પહેરીને ઇવેન્ટ પૂરી કરી અને તરત જ ડોક્ટરનો સંપર્ક કર્યો.
જાસ્મિન ભસીનનું કહેવું છે કે, ત્યાં સુધીમાં તેની આંખનો દુખાવો ઘણો વધી ગયો હતો, તેમજ તે બરાબર જોઈ શકતી ન હતી. આ પછી, ડોક્ટરે તેને કહ્યું કે તેના કોર્નિયાને નુકસાન થયું છે. અહીંથી તે સીધી મુંબઈ સારવાર માટે ગઈ હતી. જાસ્મિને કહ્યું કે દુખાવાને કારણે તે યોગ્ય રીતે સૂઈ શકતી નથી.
કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું આંખ માટે જોખમી છે?
નોંધપાત્ર વાત એ છે કે, આ પ્રકારનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ કોન્ટેક્ટ લેન્સ અને આંખને નુકસાન થયાની ઘણા સમાચાર આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે સુંદરતા માટે અથવા ચશ્માને બદલે કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે-
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, આ મામલે આંખ આપણા શરીરનું સૌથી નાજુક અંગ છે. આવી સ્થિતિમાં, જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો આ સમય દરમિયાન તમારે ઘણી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી
- કોન્ટેક્ટ લેન્સ ને સ્પર્શ કરતા પહેલા હંમેશાં તમારા હાથને પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. ઉપરાંત, હાથને સારી રીતે સૂકવી નાંખો.
- ડેઇલી ડિસ્પોઝેબલ લેન્સનો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, એટલે કે, ફરીથી વાપરી શકાય તેવા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવાનું ટાળો.
- જો તમે રિયુઝેબલ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો પણ દર વખતે તેને ક્લિન સોલ્યુશનમાં સ્ટોર કરો. એટલું જ નહીં, જો તમે લેન્સ ન પહેરતા હોવ તો પણ, દરરોજ કોન્ટેક્ટ લેન્સ સોલ્યુશન બદલવાનું ધ્યાન રાખો. આમ ન કરવાથી ઇન્ફેક્શન થવાનો ખતરો વધી શકે છે.
- કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી જો તમને આંખોમાં શુષ્કતા અને લાલાશનો સામનો કરવો પડે છે, તો તેને તરત જ કાઢી નાંખો.
દિવસમાં કેટલા સમય કોન્ટેક્ટ લેન્સ પહેરવા જોઇએ?
તમે દિવસમાં 6 થી 7 કલાક કોન્ટેક્ટ લેન્સ પહેરી શકો છો, પરંતુ આ દરમિયાન વારંવાર આંખોને સ્પર્શ કરવાનું ટાળો. શુષ્ક કે ગરમ વિસ્તારમાં વધારે સમય પસાર કરવાનું ટાળો, તેમજ જો કંઇક ખુંચે કે બળતરા થાય તો આંખ મશળવી નહીં.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી કોઈ સાઈડ ઈફેક્ટ્સ નથી, પરંતુ તેના ખોટા ઉપયોગથી આંખોને લગતી ગંભીર સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા પહેલા હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લેવી.
(Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન હોય તો ડોક્ટરની સલાહ લેવી.)





