How to Treat Scorpion Stings: ચોમાસાની સિઝન શરુ થઇ ગઇ છે. ચોમાસામાં ભેજનું પ્રમાણ વધવાથી અને દરમાં પાણી ભરાવાના કારણે સાપ અને વીંછી સહિત અનેક પ્રકારના ઝેરી જીવજંતુઓ બહાર આવવા લાગે છે. ચોમાસા દરમિયાન તેમનાથી બચી રહેવું જરૂરી છે.
ખાસ કરીને નાના બાળકોને બચાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ કેટલા ખતરનાક હોઈ શકે છે. સાપ કે વીંઝી ઘરમાં ના આવે તે માટે તમારે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. એટલું જ નહીં જો કમનસીબે કરડી જાય તો તાત્કાલિક શું કરવું અને શું ન કરવું એ પણ ખબર હોવી જોઈએ? આવો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ.
સાપ અને વીંછીથી કેવી રીતે બચીને રહેવું?
ચોમાસાની ઋતુમાં સાપ અને વીંછીથી બચવા માટે તમારે ઘરની આસપાસ કોઈપણ પ્રકારના ઝાડી-ઝાંખરા, ઘાસ ઉગવા ન દેવા જોઈએ. વૃક્ષો અને છોડ કાપવા જોઈએ. તેમજ ઘરની બહાર કે છત પર પથ્થરોના ઢગલા ન મુકો. અહીં સાપ અને વીંછી સંતાઈ જવાની શક્યતા સૌથી વધુ હોય છે. બાળકને ભૂલીને પણ વરસાદના દિવસોમાં તેને ઉઘાડા પગે બહાર ન જવા દો. તેમને ચંપલ કે શૂઝ પહેરાવીને જ મોકલો.
ખુલ્લામાં ઊંઘો છો તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરો. ઝેરી જીવાતો ભેજવાળી જગ્યા પસંદ કરે છે. તેથી ઘરની અંદર અથવા ફ્લોર પર વરસાદના દિવસોમાં ભેજ થવા દેશો નહીં.
આ પણ વાંચો – પાણી વગર મહિનાઓ સુધી જીવિત રહી શકે છે આ 7 પ્રાણીઓ, જાણો કેવી રીતે
સાપે ડંખ માર્યો હોય ત્યારે શું ન કરવું?
- ઝેર ચુસો નહીં.
- લોહી સાથે ઝેર કાઢી નાખવા ચીરો ન મુકો.
- પરંપરાગત ઉપચાર કરનારાઓ (ભૂવા વગેરે) કે તેમના જેવા વ્યક્તિઓ પાસે ન જાવ.
- ઘરગથ્થુ ઉપચાર ન અજમાવો.
- ટોર્નીકેટ ન બાંધો.
- બરફ ન લગાવો.
- ડંખવાળો ભાગ સાફ ન કરો.
- સાપને પકડવાનો કે મારવામાં સમય ન બગાડો.

શું કરવું
- સાપનો દેખાવ યાદ રાખી લેવાનો પ્રયત્ન કરો.
- ડંખ મારેલ ભાગમાંથી ઘડિયાળ, વીંટીં અને અન્ય દાગીના હોય તો કાઢી લો. ડંખ પછી ઝડપથી શરીર પર સોજા આવે છે અને આવી વસ્તુઓ લાહીના પ્રવાહને રોકી શકે છે.
- જે અંગ પર સાપે ડંખ માર્યો હોય તેનું હલનચલન બંધ કરવાનો પ્રયત્ન કરો. ડંખ મારેલ વ્યક્તિને દોડાવો નહીં અને શક્ય હોય તો ચલાવવવાનું પણ ટાળો.
- સમય ન બગાડો અને વહેલી તકે સાપના ડંખનો સારવાર કરતી નજીકની હોસ્પિટલમાં પહોંચવાનો પ્રયત્ન કરો.
જો સાપ અને વીંછી ઘરમાં પ્રવેશી જાય તો શું કરવું?
જો તમને શંકા હોય કે ઘરમાં સાપ અને વીંછી ઘૂસ્યા છે તો સૌથી પહેલા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને કોઈ સુરક્ષિત જગ્યાએ જવા માટે કહો. આ પછી મદદ માટે લોકોને બોલાવો. બ્લીચ પાવડરનું દ્રાવણ બનાવો. જે જગ્યાએ ગયા હોય તેની શંકામાં હોય ત્યાં નાખો. તમે લીમડાનું તેલ પણ અહીં ઉમેરી શકો છો. તેની દુર્ગંધથી તે ભાગી જશે અથવા બહાર આવી જશે.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.