Murmura Gud ki Laddu recipe in Gujarati: ઉત્તરાયણ પર પતંગ સાથે તલ અને સીંગની ચીકી અને લાડુ ખાવાની મજા જ અલગ હોય છે. તે ઉપરાંત મમરાના લાડુ પણ બનાવવામાં આવે છે. મમરા ગોળના લાડુ ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકોના પણ મમરાના લાડુ ખાવા ગમે છે. જો તમે પણ મકરસંક્રાંતિ પર મમરા ગોળના લાડુ બનાવવાનું વિચારી રહ્યા છો તો અહીં સરળ રેસીપી આપવામાં આવીછે. તમે તમારા ઘરે શેફ રણવીર બ્રાર સ્ટાઇલમાં મમરા ગોળના લાડુ બનાવી શકો છો.
મમરા ગોળના લાડુ બનાવવા માટેની સામગ્રી
- મમરા
- ઘી
- ગોળ
- એલચી પાવડર
- પાણી
મમરા ગોળના લાડુ બનાવવાની રીત
મમરા ગોળના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇમાં મમરા સહેજ શેકી લો. મમરા શેકાઇ જાય એટલે તેને એક અલગ વાસણમાં કાઢી લો. હવે એક પેનમાં 1 થી 2 ચમચી ઘી નાખી ગરમ કરો. હવે તેમાં ગોળ નાંખી 3 થી 4 ચમચી પાણી ઉમેરો. હવે ધીમા તાપે ગોળ ઓગળવા દો. ગોળને સતત હલાવતા રહો. જ્યારે ગોળનો પાયો ઘટ્ટ થઈ જાય ત્યારે તેને મમરામાં નાંખી તરત જ બરાબર મિક્સ કરી લો.
આ પણ જુઓ : ઉત્તરાયણ સ્પેશિયલ રજવાડી ખીચડો રેસીપી
મમરા ગોળના લાડુ રેસીપી
મમરામાં ગોળનો પાયો ઉમેર્યા બાદ થોડીક જ સેકન્ડ બાદ તરત જ લાડુ બનાવી લો. ગોળનો પાયો ગરમ હોય ત્યારે જ મમરાના લાડુ બનાવી લેવા, ઠંડુ થયા બાદ લાડું બનશે નહીં. હાથમાં પાણી લગાડી મમરાના લાડુ બનાવવા, નહીંત્તર ગરમ ગોળન પાયાથી હાથ દાઝી જશે. મમરા ગોળના લાડુ બનાવ્યા બાદ ઠંડા થવા દેવા. એરટાઇટ ડબ્બામાં મમરા ગોળના લાડુ સ્ટોર કરો અને ઉત્તરાયણ પર ખાવાની મજા માણો





