National Cancer Awareness Day 2025 November 7 : કેન્સર વૈશ્વિક સ્તરે એક મોટું જોખમ છે. કેન્સરના દર્દીઓ અને મૃત્યુની સંખ્યા દર વર્ષે વધી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ગયા વર્ષે લગભગ 10 મિલિયન લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. કેન્સર ઘણા પ્રકારનું હોઈ શકે છે. સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સૌથી વધારે ફેલાતા કેન્સરમાંથી એક છે. રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસના ઇતિહાસ અને મહત્વ વિશે જાણીએ.
7 નવેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે?
7 નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે. મેડમ ક્યુરીએ કેન્સર સામે લડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વર્ષે મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવા કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો ઇતિહાસ
વર્ષ 2014માં સપ્ટેમ્બર મહિનામાં તત્કાલિન કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ આયોજન મંત્રી ડૉ. હર્ષ વર્ધને સૌપ્રથમ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે દર વર્ષે 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો – 14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરો તો શરીર પર શું અસર થશે? જાણો એક્સપર્ટ પાસેથી
કેન્સર વિશે લોકોને જાગૃત કરીને તેની સમયસર રોકથામ અને સારવાર દ્વારા સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકાય છે. કેન્સરની શોધ, નિવારણ અને સારવાર અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.





