Navratri Breakfast Recipe, સાબુદાણા ખીચડી રેસીપી : આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીમાં ઘણા લોકો ઉપવાસ કરે છે. જો તમે પણ ઉપવાસ કરી રહ્યા હોય તો આ આર્ટીકલ તમારા માટે ખૂબ મદદરૂપ થઇ શકે છે. ઉપવાસ દરમિયાન ખાસ કરીને સવારના નાસ્તામાં એવું શું ખાવું કે જેનાથી આખો દિવસ ઊર્જા રહે. આ પ્રશ્ન ઘણીવાર લોકોના મનમાં હોય છે. આ માટે અમે અહીં એક ખાસ રેસિપી લઇને આવ્યા છીએ.
નાસ્તામાં તમે સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. વધુ ખાસ વાત એ છે કે આ માટે તમારે સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળવાની પણ જરૂર નહીં પડે. અહીં અમે તમને એક કમાલની રીત જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે સાબુદાણાને પલાળ્યા વગર માત્ર 10 મિનિટમાં જ ટેસ્ટી ખીચડી બનાવી શકો છો. આ પદ્ધતિને માસ્ટર શેફ પંકજ ભદોરિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ચાલો જાણીએ તેમાંથી ખીચડી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત.
સામગ્રી
- 1.5 કપ સાબુદાણા
- દેશી ઘી
- 1/2 ચમચી મીઠું
- 1/2 ચમચી ખાંડ
- 1 કપ મગફળી
- 1 ચમચી જીરું
- ઝીણું સમારેલું આદુ
- ઝીણા સમારેલા લીલા મરચાં
- 2 બાફેલા બટાકા
- ટામેટાં
- ઉપવાસનું મીઠું
આ પણ વાંચો – ઉપવાસમાં પણ ખાઇ શકો છો નારિયેળની બરફી, ઘરે ફટાફટ આવી રીતે કરો તૈયાર
સાબુદાણાને પલાળ્યા વગર ખીચડી કેવી રીતે બનાવવી?
- આ માટે એક બાઉલમાં સાબુદાણા લઈ તેને ચોખ્ખા પાણીથી બેથી ત્રણ વખત બરાબર ધોઈ લો.
- હવે આ ધોયેલા સાબુદાણામાં એક ચમચી દેશી ઘી, 1/2 ચમચી મીઠું અને 1/2 ચમચી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- આમ કર્યા પછી સાબુદાણાને સ્ટીલના ટિફિનમાં નાખીને તેને માપી લો અને તેમાં 5 ચમચી પાણી ઉમેરો.
- હવે પ્રેશર કૂકરમાં 1/2 ઈંચ પાણી ભરી તેમાં સાબુદાણા ભરેલા ટિફિનને ઢાંકીને 4 સીટી વાગવા માટે મૂકી દો.
- આ દરમિયાન કડાઇમાં એક કપ શિંગદાણા ઉમેરીને થોડા-થોડા તળી લો.
- ચાર સીટી વાગ્યા પછી કુકરમાંથી ગેસ નીકળવા દો અને પછી તેમાંથી સાબુદાણાનું ટિફિન કાઢીને એક મોટા બાઉલમાં સાબુદાણા ભરી લો.
- આમ કર્યા બાદ સાબુદાણાના બાઉલમાં ફ્રિજનું ઠંડુ પાણી ભરો અને હાથની મદદથી સાબુદાણાને હલકા હાથે મસળી લો. આનાથી સાબુદાણાનો એક-એક દાણો અલગ થઇ જશે.
- આમ કર્યા બાદ પાણીને ગાળીને અલગ કરો અને ગેસ પર એક કડાઇ ગરમ કરવા માટે રાખો.
- કડાઇ ગરમ થઈ જાય એટલે તેમાં 2 ચમચી દેશી ઘી ઉમેરી તેમાં એક ચમચી જીરું નાખીને શેકી લો.
- હવે આ કડાઇમાં ઝીણા સમારેલા આદુ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી શેકી લો.
- આ પછી કડાઇમાં 2 બાફેલા બટાટા ઉમેરીને તેને હલકા હાથે શેકી લો.
- બટાકા શેકાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખીને બધી વસ્તુઓ મિક્સ કરી 2થી 3 મિનિટ ઢાંકીને રહેવા દો.
- નિયત સમય બાદ કડાઇમાં સ્વાદ મુજબ ઉપવાસનું મીઠું ઉમેરો.
- આ પછી કડાઇમાં શેકેલા શીંગદાણા અને સાબુદાણા ઉમેરો અને તેને હલાવો.
- કડાઇને ઢાંકીને 2-3 મિનિટ સુધી રહેવા દો.
- આ રીતે તમારી ટેસ્ટી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જશે.





