Panchratna Dal Khichdi Recipe In Gujarati : ખીચડી ગુજરાતના દરેક ઘરમાં ખવાય છે. ચોખા અને મગ દાળની ખીચડી સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને પચવામાં હળવી હોય છે. ખીચડી વિવિધ પ્રકારની બને છે. ઘણા લોકો શાકભાજી ઉમેરીને પણ ખીચડી બનાવે છે, જેનાથી પૌષક તત્ત્વો વધી જાય છે. જો તમે સાદી ખીચડી ખાઇને કંટાળી ગયા છો તો તમારે પંચ રત્ન દાળ ખીચડી ટ્રાય કરવી જોઇએ. શિયાળાની ઠંડીમાં વિવિધ મસાલાથી ભરપૂર પંચ રત્ન ખીચડી ખાવામાં આવે છે. ચોખા, 5 પ્રકારની દાળ અને આખા મસાલાથી ભરપૂર ગરમા ગરમ પંચ રત્ન ખીચડી બનાવવાની સરળ રીત અહીં આપી છે, જે તમારે ઘરે જરૂર બનાવવી જોઇએ.
પંચ રત્ન ખીચડી બનાવવા માટે સામગ્રી
- ચોખા – 1 કપ
- મગ દાળ – 1 કપ
- તુવેર દાળ – 1 કપ
- ચણા દાળ – 1 કપ
- અડદ દાળ – 1/4 કપ
- મોગર દાળ – 1/4 કપ
- સીંગદાણા – 1/2 કપ
- તમાલ પત્ર – 3 – 4 નંગ
- લવિંગ – 5 – 6 નંગ
- તજ – 2 – 3 નંગ
- આદુ લસણ મરચાની પેસ્ટ – 2 ચમચી
- સુકા લાલા મરચા – 2 – 3 નંગ
- હળદર – 1 ચમચી
- જીરું – 1 ચમચી
- અજમો – 1/2 ચમચી
- કાળા મરી – 4 – 5 નંગ
- સીંગતેલ – 2 – 3 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ટામેટા – 1 કપ
- ડુંગલી – 1 કપ
પંચ રત્ન ખીચડી બનાવવાની રીત
પંચ રત્ન ખીચડી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 1 કપ ચોખા અને એક વાસણમાં 4 પ્રકારની દાળ પાણીમાં 1 – 2 કલાક માટે પલાળી રાખો. પાણીમાં પલાળી રાખવાથી ખીચડી ઝડપથી બફાઇ જાય છે.
હવે એક પ્રેશર કુકર કે તપેલીમાં સીંગ તેલ ગરમ કરો. તેમા જીરું, સુકા લાલ મરચા, અજમો તમાલ પત્ર, લવિંગ અને કાળા મરીનો તડકો લગાવો. પછી આદુ મરચા લસણની પેસ્ટ નાંખી સાંતળી લો. ત્યાર બાદ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાને સાંતળી લો. મસાલો બરાબર સાંતળાય પછી હળદર પાઉડર અને મીઠું ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો.
આ પણ વાંચો | ઉંધીયાને ટક્કર આપે તેવું કાઠિયાવાડી દાણા મુઠીયાનું શાક બનાવવાની રીત
હવે પ્રેશર કુકરમાં પાણીમાં પલાળેલા ચોખા અને દાળ નાંખો. તેમા જરૂર મુજબ પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દો. કુકરની 5 થી 6 સીટ વાગે ત્યાં સુધી ખીચડી બાફો. ખીચડી બરાબર બફાઇ જાય એટલે ગરમાગરમ ખીચડી પર દેશી ઘી ઉમેરી અને પાપડ સાથે સર્વ કરો. ખીચડી સાથે ગરમ કઢી ખાવાની મજા પડશે.





