Pancreas Disease Symptoms and Causes | શરીરમાં સ્વાદુપિંડનું કામ શું? સંબંધિત બીમારીઓ, લક્ષણો અને તેને સ્વસ્થ રાખવા આ ટિપ્સ અનુસરો

સ્વાદુપિંડના રોગની સારવાર | સ્વાદુપિંડના મુખ્ય 2 કાર્યો છે, પાચક ઉત્સેચકોનું ઉત્પાદન કરવાનું અને હોર્મોન્સનું ઉત્પાદન કરવાનું, અહીં જાણો સ્વાદુપિંડની બીમારીઓ અને સ્વાદુપિંડ સ્વસ્થ રાખવાની ટિપ્સ

Written by shivani chauhan
July 14, 2025 14:03 IST
Pancreas Disease Symptoms and Causes | શરીરમાં સ્વાદુપિંડનું કામ શું? સંબંધિત બીમારીઓ, લક્ષણો અને તેને સ્વસ્થ રાખવા આ ટિપ્સ અનુસરો
Pancreas Disease Symptoms and Causes

Pancreas Diseases Causes and Cures | સ્વાદુપિંડ (pancreas) આપણા શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથિમય અંગ છે. તે પેટના પાછળના ભાગમાં, પેટ અને કરોડરજ્જુની વચ્ચે સ્થિત હોય છે. લગભગ 6 ઇંચ લાંબું અને ચપટું આ અંગ પાચનતંત્ર અને અંતઃસ્ત્રાવી (endocrine) સિસ્ટમ એમ બંનેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

સ્વાદુપિંડના કાર્યો (Pancreas Functions)

પાચક ઉત્સેચકોનું ઉત્પાદન : સ્વાદુપિંડ પાચન માટે જરૂરી પાચક ઉત્સેચકો (digestive enzymes) ઉત્પન્ન કરે છે. આ ઉત્સેચકો સ્વાદુપિંડ નળીઓ દ્વારા નાના આંતરડાના પ્રથમ ભાગ જેને ડ્યુઓડેનમ (duodenum) કહેવાય છે, ત્યાં મુક્ત થાય છે. આ ઉત્સેચકો ફૂડમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફેટને નાના કણોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે, જેથી શરીર તેમને શોષી શકે અને એનર્જીમાં રૂપાંતરિત કરી શકે. મુખ્ય ઉત્સેચકોમાં શામેલ છે,

  • લિપેઝ : ચરબીના પાચન માટે.
  • પ્રોટીઝ : પ્રોટીનના પાચન માટે.
  • એમાયલેઝ: કાર્બોહાઇડ્રેટ્સના પાચન માટે.

સ્વાદુપિંડ સોડિયમ બાયકાર્બોનેટ પણ ઉત્પન્ન કરે છે, જે પેટના એસિડને તટસ્થ કરવામાં મદદ કરે છે.

હોર્મોન્સનું ઉત્પાદન: સ્વાદુપિંડ શુગર (ગ્લુકોઝ) ના લેવલને નિયંત્રિત કરતા હોર્મોન્સ પણ ઉત્પન્ન કરે છે. આ કાર્ય સ્વાદુપિંડમાં આવેલા “લેંગરહાન્સના કોષપિંડો” દ્વારા થાય છે. મુખ્ય હોર્મોન્સ છે:

ઇન્સ્યુલિન (Insulin): જ્યારે લોહીમાં શુગર લેવલ વધે છે, ત્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન મુક્ત કરે છે. ઇન્સ્યુલિન શુગરને શરીરના કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે, જેથી તેનો એનર્જી તરીકે ઉપયોગ થઈ શકે અથવા સંગ્રહ થઈ શકે, અને લોહીમાં શુગરનું સ્તર સામાન્ય બને છે.ગ્લુકાગોન : જ્યારે લોહીમાં શુગરનું સ્તર ઘટે છે, ત્યારે સ્વાદુપિંડ ગ્લુકાગોન મુક્ત કરે છે. ગ્લુકાગોન યકૃત (liver) ને સંગ્રહિત શુગર (ગ્લાયકોજન) મુક્ત કરવા માટે સંકેત આપે છે, જેનાથી લોહીમાં શુગરનું સ્તર વધે છે.

Health Tips: શું હાઈ બ્લડ પ્રેશર લીવર માટે જોખમ બની શકે છે? BP અને Fatty Liver વચ્ચે શું કનેક્શન છે?

સ્વાદુપિંડ સંબંધિત રોગો (Pancreatic Diseases)

  • સ્વાદુપિંડનો સોજો : આ સ્વાદુપિંડની બળતરા (inflammation) છે. તે ત્યારે થાય છે જ્યારે પાચક ઉત્સેચકો સ્વાદુપિંડમાંથી બહાર નીકળવાને બદલે સ્વાદુપિંડની અંદર જ તેને પચાવવાનું શરૂ કરે છે.
  • તીવ્ર સ્વાદુપિંડનો સોજો : અચાનક અને ગંભીર બળતરા, જે સામાન્ય રીતે પિત્તાશયની પથરી (gallstones) અથવા વધુ પડતા દારૂના સેવનને કારણે થાય છે. તેના લક્ષણોમાં પેટના ઉપરના ભાગમાં તીવ્ર દુખાવો, ઉબકા, ઉલટી, તાવ અને ઝડપી ધબકારા શામેલ છે.
  • ક્રોનિક સ્વાદુપિંડનો સોજો : લાંબા સમય સુધી ચાલતી બળતરા, જે સ્વાદુપિંડને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ, વજન ઘટવું અને ડાયાબિટીસ થઈ શકે છે.
  • ડાયાબિટીસ (Diabetes): જ્યારે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી (ટાઇપ 1 ડાયાબિટીસ) અથવા શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી (ટાઇપ 2 ડાયાબિટીસ), ત્યારે લોહીમાં શુગરનું સ્તર વધી જાય છે, જેના પરિણામે ડાયાબિટીસ થાય છે.
  • સ્વાદુપિંડ કેન્સર (Pancreatic Cancer): આ એક ગંભીર પ્રકારનું કેન્સર છે જે ઘણીવાર અંતિમ તબક્કામાં જ શોધી શકાય છે કારણ કે તેના પ્રારંભિક લક્ષણો અસ્પષ્ટ હોય છે. લક્ષણોમાં વજન ઘટવું, ભૂખ ન લાગવી, કમળો (jaundice), પેટમાં દુખાવો થાય છે.

સ્વાદુપિંડ સ્વસ્થ રાખવાની ટિપ્સ

  • ડાયટ : ઓછી ચરબીવાળો, સંતુલિત આહાર લો. ફળો, શાકભાજી અને આખા અનાજનો વધુ સમાવેશ કરો.
  • આલ્કોહોલ: દારૂનું સેવન મર્યાદિત કરો અથવા ટાળો, કારણ કે તે સ્વાદુપિંડના સોજાનું મુખ્ય કારણ છે.
  • સ્મોકિંગ: ધૂમ્રપાન ટાળો, કારણ કે તે સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધારે છે.
  • વજન કંટ્રોલ: સ્વસ્થ વજન જાળવો, કારણ કે સ્થૂળતા પણ સ્વાદુપિંડના રોગોનું જોખમ વધારી શકે છે.
  • નિયમિત કસરત: નિયમિત શારીરિક પ્રવૃત્તિ ડાયાબિટીસ અને સ્થૂળતાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
  • નિયમિત તપાસ: જો તમને સ્વાદુપિંડ સંબંધિત કોઈ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ