Poor Blood Circulation Symptoms In Body : બ્લડ સર્ક્યુલેશન એ શરીરના કાર્યની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ પૈકીની એક છે. તેમા કોઈપણ પ્રકારની ગરબડ આપણા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમને જણાવી દઈએ કે શરીર સ્વસ્થ રહે અને અંગો યોગ્ય રીતે કામગીરી કરે તે માટે જરૂરી છે કે તમામ અંગોમાં પૂરતા પ્રમાણમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે. જો કે, કેટલીકવાર વિવિધ કારણોસર બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ આવે છે, જે ધીમે ધીમે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે અને તમને બીમારી લાગુ થઇ શકે છે.
જો કે, એક સારી વાત એ છે કે જ્યારે બ્લડ સર્ક્યુલેશન ખરાબ થઈ જાય છે, ત્યારે શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે, જેને યોગ્ય સમયે ઓળખીને ગંભીર બીમારીઓનો શિકાર બનવાથી બચી શકાય છે. અમે તમને આવા કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ, જે બ્લડ સર્ક્યુલેશનમાં ગરબટના સંકેત આપે છે.
આ લક્ષણોને અવગણશો નહીં-
હાથ અને પગ ઠંડા થવા
જો અતિશય ગરમીમાં પણ તમારા હાથ-પગ ઘણીવાર ઠંડા થઈ જાય છે, તેની સાથે તેમનો રંગ પીળો થવા લાગે છે, તો આ બ્લડ સર્ક્યુલેશનમાં કોઇ ગરબડ હોવાનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે. ખાસ કરીને જો તમે સમય-સમય પર આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેને લાંબા સમય સુધી નજર અંદાર કરી શકાય નહીં.
પગમાં સોજો
બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ સર્જાતા કોઈ કારણ વગર પગની ઘૂંટીઓમાં સોજો આવી શકે છે. હકીકતમાં, જો બ્લડ સર્ક્યુલેશન યોગ્ય ન થતું હોય તો, લોહીને હૃદય સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે, આવી સ્થિતિમાં શરીરના નીચેના ભાગોમાં પ્રવાહી એકઠું થવા લાગે છે, જેના કારણે આ ભાગોમાં સોજો વધી જાય છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને અથવા ઉભા રહેવાથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
વધારે થાક અને નબળાઈનો અનુભવ
જો તમે સામાન્ય રોજિંદા કાર્યો કરતી વખતે પણ વધુ પડતો થાક અને નબળાઈનો સામનો કરી રહ્યા છો, તો આ ખરાબ બ્લડ સર્ક્યુલેશનની અસર પણ હોઈ શકે છે. ખરાબ બ્લડ સર્ક્યુલેશનને કારણે, હાડકાં અને સ્નાયુઓને પૂરતું પોષણ મળતું નથી, જેના કારણે હાડકાં નબળા પડે છે અને બિનજરૂરી થાક લાગે છે.
હાથ અને પગ સુન્ન થવા
જો તમે સમયાંતરે તમારા હાથ, પગ અથવા તમારા શરીરના અન્ય કોઈપણ ભાગમાં તીવ્ર ઝણઝણાટ અનુભવો છો, તો તે પણ એક સંકેત છે કે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી. જ્યારે બ્લડ સર્ક્યુલેશનમાં વિક્ષેપ સર્જાય છે ત્યારે તમારી નસોને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે શરીરના કોઈપણ ભાગમાં સુન્નતા અથવા કળતર જેવો અનુભવ થાય છે.
ઇજા કે ઘા ઝડપથી સાજા થતા નથી
ઉપરાંત, જો કોઈપણ પ્રકારની ઈજાને સાજા થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગે છે, તો તે બ્લડ સર્ક્યુલેશનમાં કોઇ ગરબડ હોવાના કારણે પણ હોઈ શકે છે. જો આવું થાય તો પણ, કોઈપણ વિલંબ કર્યા વિના એકવાર બોડી ચેકઅપ કરાવો.
(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ભૂલ્યા વગર ડૉક્ટરની સલાહ લેવી.)





