ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 11 નવેમ્બરે જીમ વર્કઆઉટ કરતે વખત નિધન થયું હતું. તેઓ માત્ર 46 વર્ષના જ હતા. સિદ્ધાંત જીમમાં કસરત કરતી વખતે અચાનક નીચે પડી ગયા. સિદ્ધાંતના અચાનક નિધનથી તેમના પરિવાર, પત્ની એલિસિયા રાઉત અને બે બાળકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પ્રખ્યાત ટીવી સીરિયલ્સ- ‘કુસુમ’, ‘વારિસ’, ‘ઝિદ્દી દિલ માને ના’ દ્વારા પોતાની ઓળખ બનાવી હતી.
સિદ્ધાંત સૂર્યવંશી પ્રથમ સેલિબ્રિટી નથી જેનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે મૃત્યુ થયું હોય. તાજેતરમાં જ લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. સિદ્ધાંત સૂર્યવંશીના નિધન બાદ ફરી એકવાર જીમ અને હાર્ટની હેલ્થને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
ડોકટરો શું કહે છે? શારદા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડૉ. શ્રેય શ્રીવાસ્તવ, indianexpress.comને જણાવે છે કે જે લોકો મેદસ્વી છે તેમનું અચાનક નીચે પડી જવાનું જોખમ વધારે છે. આવા લોકોને મેટાબોલિક સિન્ડ્રોમથી પીડાતા દર્દીઓ તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર જણાવે છે કે, જે લોકોનો BMI (બોડી માસ ઇન્ડેક્સ) 25-27 કરતાં વધુ છે, જેઓ ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલથી પીડિત છે, ધૂમ્રપાન કરે છે અને ભૂતકાળમાં હૃદય સંબંધિત બીમારીના સંપર્કમાં આવ્યા છે, તેઓને પણ આનું વધારે જોખમ રહે છે.
તો શારદા હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શુભેન્દુ મોહંતી કહે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને પહેલાં કસરત નથી કરતા, જો તેઓ અચાનક ભારે કસરત શરૂ કરે છે, તો તેમના આવી રીતે નીચે પડી જવાનું જોખમ વધારે હોય છે. ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારીઓ હોય છે તેમની પણ અચાનક પડી જવાની શક્યતા વધારે રહે છે.
શા માટે 40 વર્ષથી વધુ વયના લોકોને જોખમ વધારે છે?
ફોર્ટિસ હોસ્પિટલ ગ્રેટર નોઈડાના પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. વિવેક શર્મા કહે છે કે ’40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આવી રીતે નીચે પડી જવાનું જોખમ વધારે છે કારણ કે તેમની જીવનશૈલી અનિયંત્રિત હોય છે. મોડે સુધી કામ કરવું, રાત્રે મોડું ઉંઘવું અને સવારે મોડું જાગવું, ધૂમ્રપાન કરવું, ખાવા-પીવાની આદતોમાં અનિયમિતતા હોય. ખાસ કરીને જ્યારે સેલિબ્રિટીઝની વાત આવે છે, ત્યારે તેઓ વિવિધ પ્રકારના સપ્લિમેન્ટ્સ લે છે, જેની હેલ્થ એક્સપોર્ટ્સ ક્યારેય ભલામણ કરતા નથી. ખાસ કરીને સ્ટિરોઈડ સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે.