Teddy Day 2024 Date : પ્રેમનું સપ્તાહ એટલે કે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ ટેડી ડેની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત બજારોમાં વિવિધ રંગોના સુંદર સોફ્ટ ટોય્ઝ દેખાવા લાગ્યા છે. ટેડી ડે પર કપલ્સ ટેડી બિયર ગિફ્ટ કરીને પોતાના પાર્ટનરને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રેમને આ સોફ્ટ ટોય્ઝ સાથે શું સંબંધ છે અને ટેડી ડેની ઉજવણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ?
આ લેખમાં અમે આ પ્રશ્નોના જવાબ આપવાના છીએ. તમારા પાર્ટનરને ટેડી ગિફ્ટ કરતા પહેલા તમારે તેનો ઈતિહાસ પણ જણાવવો જોઈએ. આ તમારા માટે ટેડી ડે દિવસને વધુ યાદગાર બનાવી દેશે.
ટેડી ડેની શરૂઆત કેવી રીતે થઈ?
લોકપ્રિય કહાની પ્રમાણે 14 નવેમ્બર, 1902ના રોજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ મિસિસિપીના એક જંગલમાં શિકાર કરવા ગયા હતા. કહેવાય છે કે રુઝવેલ્ટ શિકારના ખૂબ જ શોખીન હતા. 14 નવેમ્બરના રોજ તેમની સાથે તેમના સહાયક હોલ્ટ કોલીર પણ હતા.
જંગલમાં થોડે દૂર સુધી ચાલ્યા બાદ બન્નેની નજર એક કાળા રંગના ઇજાગ્રસ્ત રીંછ પર પડી હતી. રીંછને જોઈને સહાયક કોલીરે વિલંબ કર્યા વિના તેને ઝાડ સાથે બાંધી દીધું હતું અને રાષ્ટ્રપતિ પાસે પ્રાણીને ગોળી મારવાની પરવાનગી માંગી હતી. જોકે રીંછને ઇજાગ્રસ્ત અવસ્થામાં જોઇને રાષ્ટ્રપતિ તેની હત્યા કરવાની હિંમત ન કરી શક્યા, રૂઝવેલ્ટનું હૃદય પીગળી ગયું અને તેમણે જાનવરને મારવાની ના પાડી દીધી.
આ પણ વાંચો – Chocolate Day 2024 : વેલેન્ટાઇન વીક, જાણો ચોકલેટ ડે કેમ ઉજવવામાં આવે છે
તેના બે દિવસ બાદ જ 16 નવેમ્બરે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અખબારે આ ઘટના પર આધારિત તસવીર પ્રકાશિત કરી હતી. કાર્ટૂનિસ્ટ ક્લિફોર્ડ બેરીમેને આ તસવીર તૈયાર કરી હતી, જેમાં રાષ્ટ્રપતિ અને સહાયક સાથએ-સાથે ઇજાગ્રસ્ત રીંછનેપણ કાર્ટૂન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. અખબારમાં બતાવેલી ઘટના પછી રાષ્ટ્રપતિના ઉદાર વર્તનની ખૂબ પ્રશંસા થઈ હતી.
બીજી તરફ અખબારમાં છપાયેલી તસવીરને જોઇને મોરિસ મિચટોમ નામના બિઝનેસમેનના મનમાં રીંછના બચ્ચાના આકારનું એક રમકડું બનાવવાનો વિચાર આવ્યો હતો. મોરિસ પોતાની પત્ની રોઝ સાથે કેન્ડીની દુકાન ચલાવતો હતો, પરંતુ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલી તે પોસ્ટને જોઈને તેને એક અનોખું રમકડું બનાવવાનો વિચાર આવ્યો અને તેણે પોતાની પત્ની રોઝ સાથે મળીને તેને ડિઝાઈન કર્યું હતું.
ટેડી બિયરનું નામ કેવી રીતે પડ્યું?
મોરિસે આ રમકડાનું નામ ટેડી રાખ્યું હતું. જો કે આની પાછળ એક ખાસ કારણ પણ હતું. રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટનું હુલામણું નામ ટેડી હતું. આવી સ્થિતિમાં આ દંપતીએ રાષ્ટ્રપતિની પરવાનગી લીધી હતી અને તેમના નામ પર તેનું નામ ટેડી બિયર રાખ્યું હતું. પ્રથમ ટેડી મોરિસ દ્વારા તેની પત્ની રોઝને ભેટમાં આપવામાં આવ્યું હતી અને ત્યારથી ટેડીને પ્રેમના સંકેત તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રેમના આ સપ્તાહમાં પ્રેમી યુગલો એકબીજાને પ્રેમના પ્રતીક તરીકે ટેડી બિયર ભેટમાં આપે છે.





