Winter Special Bajra Khichdi Recipe In Gujarati : બાજરીની ખીચડી એક પૌષ્ટિક વાનગી છે જે શરીરને ગરમ કરે છે. તે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં લોકપ્રિય છે. તે ઘણીવાર શિયાળામાં બનાવવામાં આવે છે, કારણ કે આયુર્વેદમાં બાજરીને ગરમ માનવામાં આવે છે.
બાજરી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને દાંતની તકલીફ હોય તેવા લોકો પણ સરળતાથી ખાઇ શકે છે. જો તે દેશી ઘીમાં બનાવવામાં આવે તો તેનો સ્વાદ વધુ અદભૂત બની જાય છે.
બાજરીની ખીચડી બનાવવા માટે સામગ્રી
- બાજરી : 250 ગ્રામ
- મગ દાળ : 100 ગ્રામ
- હળદર : અડધી ચમચી
- મીઠું : સ્વાદ અનુસાર
- દેશી ઘી : 3 – 4 ચમચી
- જીરું : 1 ચમચી
- આદુ : 1 નાનો ટુંકડો
- ડુંગળી : 1 નંગ
- લસણ : 4 -5 નંગ
- હીંગ : એક ચપટી
How To Make Bajra Khichdi Recipe At Home : બાજરીની ખીચડી કેવી રીતે બનાવવી?
બાજરીની ખીચડી બનાવવા માટે એક વાસણની અંદર મગની દાળ પાણીમાં પલાળી રાખો. આ દરમિયાન બાજરીને મિક્સરમાં નાંખી તેને બરછટ ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ એક કૂકરમાં દેશી ઘી ગરમ કરો અને ઝીણી સમારેલી ડુંગળી-લસણ અને જીરું સાંતળી લો.
હવે તેમાં સમારેલા આદુ અને લીલા મરચાં ઉમેરો. આદુની કાચી સુગંધ દૂર ન થાય ત્યાં સુધી તેને થોડી સેકંડ સુધી તળો. મસાલાને સતત હલાવતા રહો. પછી તેમાં બરછટ પીસેલી બાજરી ઉમેરો. તેને શેકતી વખતે ચમચા વડે સતત હલાવતા રહો, જેથી બાજરી કૂકરના તળિયે ચોંટી ન જાય.
આ પણ વાંચો | સુરતનું પ્રખ્યાત લીલવાનું શાક ખાશો તો પાલક પનીર ભૂલી જશો, લસણ ડુંગળી વગર ઘરે આ રીતે બનાવો
હવે તેમાં પલાળેલી મગ દાળ, હળદર પાવડર અને હીંગ ઉમેરો. ત્યાર પછી બે કપ પાણી અને મીઠું પણ ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી દો. હવે તેને મધ્યમ તાપ પર ચાર થી પાંચ સીટી વાગે ત્યાં સુધી બાફો. તમારી પૌષ્ટિક બાજરી ખીચડી તૈયાર છે. ગરમા ગરમ બાજરી ખીચડીમાં ઘી ઉમેરી ખાઇ શકાય છે. તેની સાથે કઢી કે તાજું દહીં સર્વ કરો.





