Kathiyawadi Dana Muthia Sabji Recipe In Gujarati : શિયાળામાં લીલા શાકભાજી મોટા પ્રમાણમાં આવે છે. ઉંધીયુ પ્રખ્યાત ગુજરાતી વાનગી, જેમા વિવિધ શાકભાજી વપરાય છે. જો કે ઘણી વખત સમય અને શાકભાજીના અભાવે ઉંધીયુ ખાવા મળતું નથી. આવી સ્થિતિમાં તમારે દાણા મુઠીયાનું શાક ટ્રાય કરવું જોઇએ. લીલી તુવેરના દાણા, મેથીના મુઠીયા, લીલું લસણ અને વિવિધ મસાલામાંથી બનેલા દાણા મુઠીયાનું શાક ઉંધીયા જેવું જ હોય છે. અહીં દાણા મુઠીયાનું શાક બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ આપી છે. જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ.
કાઠિયાવાડી દાણા મુઠીયાનું શાક બનાવવાની રીત : Kathiyawadi Dana Muthia Nu Shaak Recipe
ગ્રીન મસાલો બનાવો
દાણા મુઠીયા શાક માટે સૌથી પહેલા ગ્રીન મસાલો તૈયાર કરો. લીલા મરચા 3 – 4 નંગ, આદુંનો એક નાનો ટુકડો, લીલું લસણ અડધો કપ, લીલું કોથમીર અડધો કપ મિક્સર જારમાં બારીક પીસી લો. તેમા પાણી ઉમેરવાનું નથી. શિયાળામાં ઉપરોક્ત બધા લીલા મસાલા ઉપલબ્ધ હોય છે. જો લીલું લસણ ન હોય તો સુકું લસણ પણ વાપરી શકાય છે.
મેથીના મુઠીયા બનાવો
દાણી મુઠીયાનું શાક બનાવવા માટે હવે મેથીના મુઠીયા બનાવો. તેની માટે 1 કપ લીલી મેથીની ભાજી છીણી સમારી લો. પછી તેમા 1 કપ ચણાનો લોટ લો. તેમા 1 ચમચી લીલા લસણ વાળો ગ્રીન મસાલો, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1/4 નાની ચમચી, અજમો 1/4 નાની ચમચી, લાલ મરચું પાઉડર 1/4 નાની ચમચી, ખાંડ 1/4 નાની ચમચી, તેલ 1 ચમચી, લીંબુનો રસ 1/2 નાની ચમચી અને બેકિંગ સોડા 1/4 નાની ચમચી ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. પછી 2 થી 3 ચમચી પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો.
તુવેરના દાણા અને મુઠીયા બાફો
ગેસ ચાલુ કરી એક કઢાઇ કે તપેલીમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમા અડધી ગરમી હળદર ઉમેરો. પછી 2 કપ જેટલા લીલી તુવેરના દાણામાં 1 ચમચી મીઠું ઉમેરી સહેજ સાંતળી લો. હવે તપેલીમાં 3 વાટલી પાણી ઉમેરી તુવેરના દાણા બાફો. 8 થી 10 મિનિટ સુધીમાં પાણી ઉકળવા લાગે એટલે તેમા મેથીના મુઠીયા પણ બાફી લો. કઢાઇને ઢાંકણ વડે ઢાંકીને તુવેર અને મુઠીયાને 8 થી 9 મિનિટ સુધી બાફો. મુઠીયા વધારે બફાય નહીં તેનું ધ્યાન રાખો. નહીંત્તર મુઠીયા તુટી જશે. જો તમને બાફેલા મુઠીયા પસંદ ન હોય તો મુઠીયાને તેલમાં તળી શકાય છે.
દાણા મુઠીયાનું શાક બનાવો
ગેસ પર એક કઢાઇમાં 4 ચમચી તેલ ગરમ કરો. તેલમાં જીરું 1 ચમચી, રાઇ અડધી ચમચી અને હિંગ 1 ચમચી ઉમેરી તડકો લગાવો. હવે લીલા લસણની પેસ્ટ 2 થી 3 મિનિટ સુધી સાંતળો. મસાલા માંથી તેલ છુંટુ પડે એટલે તેમા 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અથવા ઉંધીયું મસાલો અને અડધી ચમચી ખાંડ ઉમેરી મસાલાને બરાબર સાંતળી લો. મસાલો દાઝે નહીં તે માટે થોડુંક પાણી ઉમેરી શકાય છે. હવે અડધી વાટકી ટામેટાની પેસ્ટ મસાલામાં ઉમેરી તેને 3 મિનિટ સુધી પણ સાંતળી લો.
આ પણ વાંચો | કાઠિયાવાડી ભરેલો બાજરી રોટલો, આ રીતે ઘરે બનાવો
દાણા મુઠીયાનું શાક તૈયાર
હવે મસાલામાં બાફેલા તુવેરના દાણા અને મુઠીયા ઉમેરો. બધી સામગ્રી બરાબર મિક્સ કરો. શાકમાં રસો કરવા માટે અડધો કે 1 કપ ગરમ પાણી ઉમેરો 5 થી 7 મિનિટ સુધી પકવવા દો. છેલ્લે દાણા મુઠીયાના શાકમાં લીંબુનો રસ અને લીલા કોથમીરના પાન ઉમેરી ગાર્નિશ કરો. દાણા મુઠીયાનું શાક ગરમાગરમ રોટલી, ભાખરી, બાજરીના રોટલા કે બ્રેડ સાથે ખાઇ શકાય છે.





