World Asthma Day 2025: વિશ્વ અસ્થમા દિવસ સમગ્ર વિશ્વમાં 6 મે ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે. આ વખતે તે 6 મે ના રોજ છે. આ દિવસનો હેતુ અસ્થમા અંગે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણોને ઓળખવાનો અને તેને અટકાવવાનો છે.
આ વર્ષે વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવવામાં આવશે?
આવતીકાલે એટલે કે 6 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવશે. તે દર વર્ષે મેના પહેલા મંગળવારે ઉજવવામાં આવે છે. તેનો હેતુ અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
વિશ્વ અસ્થમા દિવસનો ઇતિહાસ
વર્લ્ડ અસ્થમા ડેની શરૂઆત 1998માં ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (જીઆઇએએનએ) દ્વારા કરવામાં આવી હતી. તેનો હેતુ લોકોને અસ્થમાની ગંભીરતા, લક્ષણો અને તેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનો હતો. ત્યાર બાદ દર વર્ષે જીઆઇએના દ્વારા વિશ્વભરની આરોગ્ય સંસ્થાઓના સહયોગથી આ ખાસ દિવસનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો – નારિયેળ પાણી કે શેરડીનો રસ? ઉનાળામાં કયું પીણું પીવું વધારે બેસ્ટ, જાણો અહીં
વિશ્વ અસ્થમા દિવસ 2025ની થીમ શું છે
વિશ્વ અસ્થમા દિવસની દર વર્ષે એક અલગ થીમ હોય છે. વિશ્વ અસ્થમા દિવસ 2025 ની થીમ ‘Make Inhaled Treatments Accessible for ALL’(શ્વાસ દ્વારા સારવારને બધા માટે સુલભ બનાવવો)છે. આ થીમનો અર્થ એ છે કે અસ્થમાથી પીડાતા લોકોને આવશ્યક દવાઓ પૂરી પાડવી અને રોગને નિયંત્રિત કરવો.
અસ્થમા એટલે શું?
અસ્થમા એક એવી બીમારી છે જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવામાં ફેફસાની નળીઓમાં સોજો આવી જાય છે, જેનાથી શ્વાસની તકલીફ, ખાંસી આવવી, છાતીમાં જકડાઈ જવું અને ઘરઘરાટી જેવી સમસ્યાઓ થાય છે. તે ધૂળ, ધુમાડો અને ઠંડી હવાના કારણે વધી શકે છે. યોગ્ય સારવાર અને સાવચેતીથી અસ્થમાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.





