17 patients died in 24 hours in Thanes Kalwa : થાણેના કલવામાં સરકાર સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા 17 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 10 ઓગસ્ટના રોજ એક દિવસમાં પાંચ દર્દીઓના મોત થયા બાદ આ ઘટના સાર્વજનિક અને રાજકીય આક્રોશના રૂપમાં સામે આવી છે.
પ્રારંભિક અહેવાલોમાં બહાર આવ્યું છે કે મૃત્યુ પામેલા મોટાભાગના દર્દીઓને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સીએસએમએમ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા હજી સુધી મૃતકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ મૃત્યુનાં કારણોનું વિશ્લેષણ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ઘણા દર્દીઓ વૃદ્ધ છે અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ હોસ્પિટલ શહેરની એકમાત્ર ત્રીજા સ્તરની હોસ્પિટલ છે અને તેમાં ખાસ કરીને ઉપનગરો અને પડોશી જિલ્લાઓમાંથી પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. સિવિલ હોસ્પિટલના રિનોવેશનના કારણે અનેક દર્દીઓને ટેમ્પરરી શિફ્ટિંગને કારણે પણ ખસેડવામાં આવ્યા છે, જેના કારણે અહીં ભાર વધ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્થિતિ વિશે ફિડબેક લીધો છે અને સ્વતંત્ર તપાસ કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. તેની અધ્યક્ષતા સ્વાસ્થ્ય સેવાઓના કમિશનર કરશે. તેમાં કલેક્ટર, સિવિક ચીફ અને સ્વાસ્થ્ય સેવાઓના નિર્દેશક સામેલ થશે. આ સમિતિ મોતના કારણ વિશે તપાસ કરશે.
આ પણ વાંચો – હરિયાણાના નૂહમાં ફરી નીકળશે શોભાયાત્રા, મહાપંચાયતનો નિર્ણય, ગત વખતે થઇ હતી હિંસા
વિપક્ષી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીકા કરી છે, જેઓ થાણેના છે અને છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી TMC પર નિયંત્રણ કરી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓના વધતા જતા મૃત્યુની ફરિયાદો વચ્ચે એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે બે દિવસ પહેલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રવિવારે પણ આવ્હાડે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મૃત દર્દીઓના પરિવારજનોને મળ્યા હતા.
એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે શિંદેની નિંદા કરતા કહ્યું કે હોસ્પિટલમાં તબીબી સુવિધાઓનો અભાવ છે, તેમાં કોઈ ડોક્ટર નથી, સ્ટાફની અછત છે. તે સ્વાભાવિક રીતે દર્દીઓની સારવારમાં મર્યાદા લાવે છે અને સામાન્ય લોકો પીડાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. સરકારે તેની તપાસ કરવી જોઈએ.