આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ્ પાર્ટીના નેતા એન ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ભાગદોડ મચવાથી 7 લાકો મોત થયાના અહેવાલ આવ્યા છે. બુધવારે સાંજે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ્ પાર્ટી (TDP)ના નેતા એન ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન તેલુગુ દેશમ્ પાર્ટીના જ 7 કાર્યકરોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુની આ રેલી નેલ્લોર જિલ્લાના કંડુકુરુ ખાતે યોજાઇ હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
બુધવારે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં કંડુકુરૂ ખાતે ટીડીપીના નેતા એન. ચંદ્રબાબુ નાયડુની રેલી અને જાહેર સભાનું આયોજન કવરામાં આવ્યુ હતુ. જેમાં ચંદ્રબાબુ નાયડુની રેલી અને જાહેર સભા માટે ટીડીપીના હજારો કાર્યકરો, સમર્થકો અને લોકો બેઠકમાં હાજરી આપવા માટે એકઠા થયા હતા.
નેલ્લોર પોલીસના જણાવ્યા અનુસાર, ચંદ્રબાબુ નાયડુ વિશાળ જાહેર સભાને સંબોધિત કરવા પહોંચ્યા ત્યારે ભીડ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી અને કેટલાક લોકો બચવા માટે બાજુમાં આવેલી ડ્રેનેજ કેનાલમાં કૂદી પડ્યા હતા. પરંતુ આ ભાગદોડથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો કેનાલમાં એક બીજાની ઉપર કૂદી પડ્યા હતા, આ કારણસર ઓછામાં ઓછા સાત લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
મૃતકોના પરિવારોને 10 લાખની સહાય
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ભાગદોડ મચવાથી 7 લોકોના મોત થયા છે. આ દુઃખદ ઘટના બાદ નાયડુએ તેમની જાહેર સભા અને રોડ શો રદ કર્યો અને પીડિતોના પરિવારોને સાંત્વના આપવા માટે સ્થાનિક વિસ્તારની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નાયડુએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી.