Raghav Chadhas Rajya Sabha Suspension Revoked: રાજ્યસભાના અધ્યક્ષે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન રદ કર્યું છે. ભાજપના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે સોમવારે સ્પીકર સમક્ષ રાઘવ ચઢ્ઢાની વાપસી માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અધ્યક્ષ જગદીપ ધનખડે આ પ્રસ્તાવ સાથે સહમતિ દર્શાવી હતી. રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાઘવ ચઢ્ઢા પણ સસ્પેન્શન રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ કેસની નોંધ લીધી હતી. હવે 115 દિવસ બાદ રાઘવ ચઢ્ઢાનું તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
આપના નેતા રાઘવ ચઢ્ઢા પર શું છે આરોપ?
આમ આદમ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા પર સિલેક્ટ કમિટીમાં તેમના નામ સામેલ કરતા પહેલા રાજ્યસભાના પાંચ સાંસદોની સહમતી ન લેવાનો આરોપ છે. આપ નેતાના સસ્પેન્શન કેસ પર ચર્ચા કરવા માટે સોમવારે બપોરે સંસદમાં રાજ્યસભા વિશેષાધિકાર સમિતિની બેઠક મળી હતી. રાઘવ ચઢ્ઢાએ તેમના પત્ર પર જેમની સહીઓ દર્શાવી હતી તેમાંથી પાંચ સાંસદોએ દાવો કર્યો હતો કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો વિરોધ કરનાર ત્રણ ભાજપના સાંસદ હતા. એક બીજેડીના હતા અને એક AIADMK સાંસદ પણ સામેલ હતા.
રાઘવ ચઢ્ઢાએ વીડિયો પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી
રાઘવ ચઢ્ઢાએ સસ્પેન્શન હટાવ્યા બાદ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ખુશી પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે 11 ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન પાછું ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે 115 દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. હું ખુશ છું કે મારું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું છે. હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માનું છું.
રાઘવ ચઢ્ઢાએ ઉમેર્યું કે, તમે લોકોએ ફોન, મેસેજ, ઈમેલ મારફતે અને સાથે મળીને બહુ પ્રેમ આપ્યો, લડવાની હિંમત આપી, મક્કમ રહેવાની અને આ લોકોનો સામનો કરવાની. હું તમારી તમામ પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર માનું છું. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે પ્રાર્થના કરો કે આપણી હિંમત સલામત રહે, આ એક દીપક અનેક તોફાનો પર ભારે છે.





