Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી

Aditya L1 Mission All information : ઈસરો (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan 3) ની સફળતા બાદ હવે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય એલ1 મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે, તો જોઈએ આ મિશન પાછળ ઈસરોનો ઉદ્દેશ્ય (purpose) શું છે? એલ1 પોઈન્ટ (L1 point) શું છે? પેલોડ્સ (Pelod) શું કામગીરી કરશે? બધુ જ

Written by Kiran Mehta
Updated : August 29, 2023 14:24 IST
Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી
આદિત્ય એલ1 મિશન તમામ માહિતી

અનોન્ના દત્ત : ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યાના માંડ 10 દિવસ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું અવકાશયાન લોન્ચ કરવા માટે તૈયાર છે. આદિત્ય-એલ1 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.

આ અવકાશયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રેન્જ 1 અથવા L1 બિંદુ સુધી 1.5 મિલિયન કિમીની મુસાફરી કરશે. આ અંતર ચંદ્રયાન મિશન દ્વારા આવરી લેવામાં આવેલા અંતર કરતાં લગભગ ચાર ગણું છે, પરંતુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના 150 મિલિયન કિમીમાંથી માત્ર 1% જ છે.

શું છે આદિત્ય-L1 મિશન?

આદિત્ય-L1 મિશનમાં ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) 1,475 કિલોગ્રામ અવકાશયાનને પૃથ્વીની ચારે તરફ એક અંડાઆકાર ભ્રમણકક્ષામાં લઈ જશે. અવકાશયાન, જે સાત વૈજ્ઞાનિક પેલોડ લઈને જશે, તે ચંદ્ર પર મોકલવામાં આવેલા અવકાશયાન કરતા બે ગણાથી વધારે હળવું છે.

ચંદ્રયાન-3 મિશનની જેમ, પૃથ્વીની આસપાસ અવકાશયાનની ભ્રમણકક્ષાની સાથે-સાથે વેગને ત્યાં સુધી વધારવામાં આવશે, જ્યાં સુધી તે સૂર્યની નજીક ન જાય. એટલે કે L1 પોઈન્ટનું અંતર લગભગ ચાર મહિનામાં આવરી લેવામાં આવશે. અવકાશયાનને પછી L1 બિંદુની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. તે પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી તેનો ડેટા એકત્રિત કરશે.

L1 બિંદુ શું છે?

કોઈપણ બે ખગોળિય પિંડો વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઈન્ટ છે, L1 થી L5 સુધી હોય છે. આ બિંદુઓ અવકાશમાં પાર્કિંગ લોટ તરીકે કામ કરે છે, જ્યાં અવકાશી પિંડોનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ કોઈ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં રાખવા માટે જરૂરી કેન્દ્રબિંદુ બળ જેટલું હોય છે. આનો અર્થ એ છે કે, લેગ્રેન્જ પોઈન્ટ પર મૂકવામાં આવેલા ઉપગ્રહોને સ્થિતિમાં રહેવા માટે વધુ બળતણ ખર્ચવાની જરૂર નથી પડતી.

સૌપ્રથમ, લેગ્રેન્જ 1 ની મુલાકાત લેવાથી અવકાશયાનને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના એક બિંદુએ, ચંદ્રની બહાર રાખવામાં આવે છે. આ ગ્રહણ જેવી ઘટનાઓ દરમિયાન પણ અવકાશયાનને સૂર્યનું અવિરત દૃશ્ય પ્રદાન કરે છે.

બીજું, આ મિશન પૃથ્વી અને સૂર્ય વચ્ચેના માત્ર 1% અંતરને આવરી લેશે, પેલોડ્સ સીધા સૂર્યને જોઈ શકશે. “આ સ્થિતિ મુખ્ય પેલોડ, VLEC, ને સીધી કોરોનલ માસ ઇજેક્શનના સ્ત્રોતને જોવાની મંજૂરી આપશે. એકવાર L1 પર પહોંચ્યા પછી, તે સૌર કોરોનાનું નિરીક્ષણ કરવા માટેનું શ્રેષ્ઠ સાધન હશે,” આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્ઝર્વેશનલ સાયન્સ (ARIES) ના ડિરેક્ટર પ્રોફેસર દીપાંકર બેનર્જીએ જણાવ્યું હતું કે, જે આદિત્ય-L1 મિશન માટે સપોર્ટ સેલનું આયોજન કરશે. ત્રીજું, L1 બિંદુ મિશનને બળતણ-કાર્યક્ષમ બનાવે છે.

આદિત્ય-એલ1ના વિજ્ઞાન ઉદ્દેશો શું છે?

મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા નજીકના તારા વિશે ઊંડી સમજ મેળવવાનો છે અને તેનું રેડિયેશન, ગરમી, કણોનો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર આપણને કેવી રીતે અસર કરે છે, સાથે મિશનના પેલોડ્સ સૂર્યના ઉપલા વાતાવરણીય સ્તરોનો અભ્યાસ કરશે, જેને ક્રોમોસ્ફિયર અને કોરોના કહેવાય છે. તેઓ કોરોનલ માસ ઇજેક્શન (CMEs) તરીકે ઓળખાતા પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોના ઇજેક્શનનો અભ્યાસ કરશે. કોરોનાના ચુંબકીય ક્ષેત્ર અને અવકાશ હવામાનના ડ્રાઇવરોનો પણ અભ્યાસ કરવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે, તે વૈજ્ઞાનિકોને લાંબા સમયથી ચાલતા રહસ્ય વિશે સંકેતો આપી શકે છે: શા માટે સૂર્યનો ઓછો પ્રકાશિત કોરોના એક મિલિયન ડિગ્રી સેલ્સિયસ ગરમ છે, જ્યારે સૂર્યની સપાટીનું તાપમાન લગભગ 5,500 ડિગ્રી સેલ્સિયસ છે. તે વૈજ્ઞાનિકોને સૂર્ય પરના કણોના પ્રવેગ પાછળના કારણોને સમજવામાં પણ મદદ કરશે, જે સૌર પવનને ચલાવે છે.

બેનર્જીએ કહ્યું, “VLEC પાસે એવી મિકેનિઝમ્સ છે, જેના દ્વારા પ્રકાશિત દૃશ્યમાન પ્રકાશને અવરોધિત કરવામાં આવે છે અને માત્ર કોરોનામાંથી આવતા પ્રકાશને જ શોધી શકાય છે. તે કોરોનાનો અભ્યાસ કરવા માટે લગભગ 5 મિલિસેકન્ડના ખૂબ જ ટૂંકા એક્સપોઝરનો ઉપયોગ કરશે.”

પેલોડ્સ શું છે?

મુખ્ય પેલોડ વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VLEC) છે, જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે નીચેથી ઉપર સુધી સૌર કોરોનાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. VELC સૌર ત્રિજ્યાના 1.05 ગણા સુધી સૌર કોરોનાની છબી લઈ શકે છે, જે આવા કોઈપણ પેલોડ દ્વારા લેવામાં આવેલી સૌથી નજીકની છબી છે.

ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા ડિઝાઇન કરાયેલ સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) સૌર ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની યુવી ઇમેજ કેપ્ચર કરશે. આ ઉત્સર્જિત પ્રકાશ ઊર્જામાં વિવિધતાનો અભ્યાસ કરવામાં મદદ કરશે.

યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા વિકસિત સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (સોલેક્સએસ) અને હાઈ એનર્જી એલ1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (એચઈએલ1ઓએસ) એક્સ-રે ફ્લેરનો અભ્યાસ કરશે.

આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) અને આદિત્ય (PAPA) માટે પ્લાઝમા એનાલાઈઝર પેકેજ સૌર પવન અને ઊર્જાસભર આયનોનો અભ્યાસ કરવા માટે રચાયેલ છે. પ્રથમ પેલોડ ISROની ભૌતિક સંશોધન પ્રયોગશાળા દ્વારા અને બીજુ ISROના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

અવકાશમાંથી સૂર્યનો અભ્યાસ શા માટે?

સૂર્ય આપણા માટે સૌથી નજીકનો તારો છે અને તેથી તે અન્ય કરતા વધુ વિગતવાર અભ્યાસ કરી શકાય છે. સૂર્યનો અભ્યાસ કરવાથી આપણને અન્ય તારાઓ વિશે વધુ સમજવામાં પણ મદદ મળી શકે છે. જ્યારે સૂર્ય પૃથ્વી પરના તમામ જીવનને ટેકો આપે છે, ત્યારે તેમાં વિવિધ વિસ્ફોટક ઘટનાઓ પણ બને છે. આ આપણા ઉપગ્રહો અને સંચાર પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યનો અભ્યાસ કરવાથી આવી ઘટનાઓ માટે પ્રારંભિક ચેતવણી આપવામાં મદદ મળી શકે છે.

ISROએ જણાવ્યું હતું, “સૂર્ય પરની વિવિધ થર્મલ અને ચુંબકીય ઘટનાઓ આત્યંતિક પ્રકૃતિની છે. આમ, સૂર્ય તેને સમજવા માટે સારી પ્રાકૃતિક પ્રયોગશાળા પૂરી પાડે છે, જેનો અહીં બેઠા પ્રયોગશાળામાં સીધો અભ્યાસ કરી શકાતો નથી.”

આ પણ વાંચોAditya L1 Launch Details : ઈસરો ક્યારે કેટલા વાગે આદિત્ય એલ1 સૂર્ય મિશન લોન્ચ કરશે? જાહેર થઈ માહિતી

અવકાશમાંથી સૂર્યનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે પૃથ્વીનું વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્ર રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે, જે યુવી પ્રકાશ જેવા હાનિકારક કિરણોત્સર્ગને અવરોધે છે. આનો અર્થ એ છે કે, પૃથ્વી પરથી સૂર્યનો અભ્યાસ સંપૂર્ણ ચિત્ર પ્રદાન કરી શકશે નહીં.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ