ADR Report on MP Criminal Cases : ભારતીય સંસદમાં બેઠેલા હાલના સાંસદોમાંથી લગભગ 40 ટકા વિરૂદ્ધ ફોજદારી કેસો નોંધાયેલા છે જેમાંથી 25 ટકા સાંસદો સામે ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ હેઠળ ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે. આ માહિતી ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના વિશ્લેષ્ણમાં બહાર આવી છે.
એડીઆરએ એ જણાવ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાના સાંસદ દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 38.33 કરોડ છે અને 53 (સાત ટકા) સાંસદ અબજોપતિ છે.
ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) એ લોકસભા અને રાજ્યસભાની 776 બેઠકોમાંથી 763 વર્તમાન સાંસદોના સેલ્ફ એફિડેવિટનું શ્લેષણ કર્યું છે .
આ આંકડા સાંસદો દ્વારા તેમની છેલ્લી ચૂંટણીઓ અને ત્યારપછીની કોઈપણ પેટાચૂંટણી લડતા પહેલા રજૂ કરેલા એફિડેવિટ પર આધારિત છે. લોકસભાની ચાર અને રાજ્યસભાની એક બેઠક ખાલી છે અને જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકો અવ્યાખ્યાયિત છે. દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ થઈ શક્યું નથી.
ADR દ્વારા વિશ્લેષણ કરાયેલા 763 વર્તમાન સાંસદોમાંથી 306 (40 ટકા) વર્તમાન સાંસદોએ તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં વર્તમાન 194 (25 ટકા) સાંસદોએ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓ જેવા કેસોનો સામનો કરી રહ્યા છે.
ક્યા રાજ્યના સાંસદ સામે સૌથી વધુ કેસ
રાજ્યવાર ગુનાઇત ઇતિહાસ ધરાવતા સાંસદોની વાત કરીયે તો બંને ગૃહોના સભ્યોમાં કેરળના 29 સાંસદોમાંથી 23 (79 ટકા), બિહારના 56માંથી 41 (73 ટકા), મહારાષ્ટ્રના 65માંથી 37 (57 ટકા), તેલંગાણાના 24 સાંસદમાંથી 13 (54 ટકા) અને દિલ્હીના 10 સાંસદોમાંથી 5 (50 ટકા)એ તેમના સોગંદનામામાં પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું સ્વીકાર્યુ છે.
બિહારના 50 ટકા સાંસદો સામે ગંભીર ગુનાના કેસ
ADRના વિશ્લેષ્ણ અનુસાર બિહારના 56 સાંસદોમાંથી લગભગ 28 (50 ટકા), તેલંગાણાના 24 સાંસદોમાંથી નવ (38 ટકા), કેરળના 29માંથી 10 (34 ટકા), મહારાષ્ટ્રના 65માંથી 22 (34 ટકા) સાંસદો અને ઉત્તર પ્રદેશના 108 સાંસદોમાંથી 37 (34 ટકા)એ તેમના સોગંદનામામાં તેમની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા હોવાનો ખુલાસો કર્યો છે.
સૌથી વધુ ગુનેગાર સાંસદો ભાજપના, બીજા ક્રમે કોંગ્રેસ
ADRના વિશ્લેષ્ણ અનુસાર વિવિધ રાજકીય પક્ષોના ગુનેગાર સાંસદોની સંખ્યા પર નજર કરીયે તો સૌથી વધુ ગુનાઇત ઇતિહાસ ધરાવતા સાંસદોા મામલે શાસક પક્ષ ભાજપ પ્રથમ ક્રમે અને બીજા ક્રમે કોંગ્રેસ છે. ભાજપના 385 સાંસદોમાંથી લગભગ 139 (36 ટકા) સાંસદો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેવી જ રીતે કોંગ્રેસના 81માંથી 43 (53 ટકા), ટીએમસીના 36માંથી 14 (39 ટકા), રાજદના 6માંથી 5 (83 ટકા), સીપીઆઇ(એમ) ના 8 સાંસદોમાંથી 6 (75 ટકા), આપ પાર્ટીના 11માંથી 3 (27 ટકા), YSRCPના 31માંથી 13 (42 ટકા) અને એનસીપીના 8માંથી 3 (38 ટકા) ) સાંસદોએ તેમના એફિડેવિટમાં પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
તેમજ ભાજપના 385 સાંસદોમાંથી લગભગ 98 (25 ટકા), કોંગ્રેસના 81માંથી 26 (32 ટકા), ટીએમસીના 36માંથી 7 (19 ટકા), રાજદના 6માંથી 3 (50 ટકા), સીપીઆઇ (એ)ના 8 સાંસદોમાંથી 2 (25 ટકા), આપ પાર્ટીના 11માંથી 1 (9 ટકા), YSRCPના 31માંથી 11 (35 ટકા) અને એનસીપીના 8માંથી 2 (25 ટકા) ) સાંસદોએ તેમના સોગંદનામામાં તેમની વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા હોવાનું સ્વીકાર્યુ છે.
ગુજરાતના 37માંથી 7 સાંસદો ગુનેગાર
એડીઆરના વિશ્લેષ્ણ અનુસાર ગુજરાતના કુલ 37 માંથી 7 સાંસદો (19 ટકા) ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 6 સાંસદો (16 ટકા) સામે ગંભીર ગુના સંબંધિત કેસ નોંધાયેલા છે. જેમાં 1 સાંસદ સામે મહિલા પર અત્યાચાર સંબંધિત ગંભીર ગુનો નોંધાયેલો છે.
આ પણ વાંચો | કોંગ્રેસ એક કાંકરે બે નિશાન સાધશે, મલ્લિકાર્જુન ખડગે યુપીથી લોકસભા ચૂંટણી લડી શકે, બીજેપી-બસપાને મોટો ફટકો લાગશે
મહિલાઓ પર અત્યાચાર સંબંધિત કેસ મામલે પણ પણ ભાજપ મોખરે
ADRના વિશ્લેષ્ણ અનુસાર હાલના 11 સાંસદોએ હત્યા (ભારતીય દંડ સંહિતાની કલમ-302) સંબંધિત કેસની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. તો 32 વર્તમાન સાંસદો સામે હત્યાના પ્રયાસનો કેસ (આઇપીસી કલમ-307), તો 21 સાંસદોએ મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ ભાજપના 10, કોંગ્રેસના 5 અને વાયએસઆરસીપીના 3 સાંસદો છે. તો 21 સાંસદોમાંથી ચાર સાંસદો વિરુદ્ધ બળાત્કાર (આઇપીસી કલમ-376) સંબંધિત કેસ નોંધાયેલા છે, જેમાં કોંગ્રસના બે અને ભાજપ – વાયએસઆરસીપીના 1-1 સાંસદ છે.





