maharashtra politics : થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો રાજકીય ખેલ ખેલાયો હતો. અજિત પવારે જે રીતે એનસીપીને વિભાજિત કરી, જે રીતે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા તેનાથી જમીન પર ઘણું બધું બદલાઈ ગયું છે. પરંતુ આ દરમિયાન રવિવારે ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અજિત પવાર અચાનક પોતાના કાકા શરદ પવારને મળવા પહોંચ્યા હતા. અન્ય બળવાખોર નેતાઓ પણ સાથે રહ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત વાયબી સેન્ટરમાં થઈ હતી. આ મુલાકાતમાં અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, હસન મુશરીફ અને દિલીપ પાટીલ પણ હાજર રહ્યા હતા. શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતમાં એનસીપી ચીફને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ તેમણે બળવો કરીને એનડીએમાં સામેલ થયા હતા, પરંતુ હવે તેઓ નરમ પડ્યા છે. અજિત જૂથના નેતાઓ શરદ પવારને પોતાની સાથે લાવવા માગે છે.
અમારા તરફથી શરદ પવારના આશીર્વાદ લેવામાં આવ્યા – પ્રફુલ પટેલ
મુલાકાત પછી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે અમારા તરફથી શરદ પવારના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. અમે અહીં કોઈને જણાવીને અહીં આવ્યા નથી, બસ ખબર પડી કે સાહેબ અહીં છે એટલે તરત જ આવી ગયા. અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ તેઓએ શાંતિથી અમારી વાત સાંભળી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું શરદ પવાર ખરેખર હૃદય પરિવર્તન કરી શકે છે? જે શરદ પવાર થોડા દિવસ પહેલા પોતાની પાર્ટી ફરી ઉભી કરવાની વાત કરી રહ્યા હતા તે પોતાના ભત્રીજા સાથે હાથ મિલાવી શકે છે?
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ : અજિત પવારને મળ્યું વિત્ત મંત્રાલય, જાણો અન્ય મંત્રીઓને કયા-કયા ખાતા મળ્યા
શું શરદ પવાર માની જશે?
તમામ પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે પરંતુ તેમાં કશું સ્પષ્ટ નથી. શરદ પવાર જૂથ તરફથી પણ આ મુલાકાતને લઈને પ્રતિક્રિયા આવી છે. જયંત પાટિલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સુપ્રિયા સુલેનો ફોન આવ્યો હતો, જેના કારણે તેઓ તરત જ વાયબી સેન્ટર પહોંચી ગયા હતા. શા માટે બોલાવવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી ન હતી.
જાણકારી માટે જણાવી દઈએ કે બે દિવસ પહેલા અજિત પવાર મોડી રાત્રે પોતાના કાકા શરદ પવારને મળવા પહોંચ્યા હતા. એ વખતે એનસીપી પ્રમુખની પત્ની બીમાર હતા, તેમનું ઓપરેશન કરાવ્યું હતું એટલે અજિત તેમના ખબર અંતર પૂછવા માટે ત્યાં ગયા હતા. એ વખતે અજિતે આ મુલાકાતને માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત રાખી હતી, પરંતુ રવિવારની મુલાકાતે શરદ પવારને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.