પક્ષ બદલીને ભાજપમાં જોડાશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકતા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવારે મંગળવારે કહ્યું કે તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને સ્પષ્ટ કર્યું કે તેમાં કોઈ સત્ય નથી. એવા રિપોર્ટ હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
અજિત પવારે એનસીપીમાં તેમના બળવો અને વિભાજનના દાવાઓને નકારી કાઢતા કહ્યું કે કોઇ કારણ વગર મારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ પાયાવિહોણું છે અને મારા વિશેના અહેવાલોમાં (સત્તાધારી ભાજપમાં સામેલ થવાના) કોઈ સત્ય નથી. મારા અને મારા સાથીદારો વિશે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. તે કેટલાક લોકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. અમે બધા ધારાસભ્યો NCP સાથે રહીશું અને શરદ પવાર સાહેબના નેતૃત્વમાં કામ કરીશું.
NCP સુપ્રીમો શરદ પવાર અને પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે બંનેએ કહ્યું હતું કે અજિત પવાર ભાજપમાં સામેલ થશે તેવી અટકળોમાં કોઈ સત્ય નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા અજિત પવારે 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને ભાજપની સરકાર બનાવી હતી. જોકે તે દિવસમાં જ સરકારી પડી ગઇ હતી.
અપ્રમાણિત સમાચાર અહેવાલો અને ગપસપથી ગભરાય નહીં – અજીત પવાર
મંગળવારે અજિત પવારે NCP કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેઓ તેમના વિશેના અપ્રમાણિત સમાચાર અહેવાલો અને ગપસપથી ગભરાય નહીં. NCPના 40 ધારાસભ્યોએ તેમના સમર્થનના પત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલો ખોટા છે. તેમણે પક્ષના કાર્યકરોને તેમના વિસ્તારમાં કામ કરવાનું ચાલુ રાખવા અને પક્ષને મજબૂત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો અમારે કોઈ પગલા ભરવા પડશે તો અમે ખુલ્લેઆમ જાહેર કરીશું, છુપાવવાની જરૂર નથી. આ મુદ્દા માત્ર મીડિયા રિપોર્ટમાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં ખેલાશે મોટો ‘ખેલ’, 40 ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઇ શકે છે અજીત પવાર
કેટલાક ધારાસભ્યો બળવાની વ્યૂહરચના ઘડવા માટે તેમને મુંબઈના વિધાન ભવનમાં મળ્યા હોવાની અટકળો પર અજિત પવારે કહ્યું કે ધારાસભ્યો નિયમિત કામ માટે આવે છે અને મને મળે છે. તેઓ હંમેશા આવે છે પરંતુ આજે તેને ખોટા કારણોસર રજૂ કરવામાં આવી રહ્યું છે. હું મારા કાર્યકરોને કહેવા માંગુ છું કે આ ચર્ચાઓમાં કોઈ સત્ય નથી.
જે NCPમાં નથી તેઓ NCP વિશે નિવેદનો આપી રહ્યા છે
શિવસેના (UBT)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત અને પક્ષના મુખપત્ર ‘સામના’માં તેમના દ્વારા લખવામાં આવેલી કોલમની ટિકા કરતા અજિત પવારે રાઉતનું નામ લીધા વિના કહ્યું કે એવા લોકો છે જે NCPમાં નથી તેઓ NCP વિશે નિવેદનો આપી રહ્યા છે. તેઓ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેઓ NCPના પ્રવક્તા હોય અને અમારી પાર્ટીની બાબતો વિશે બોલતા હોય. હું પાર્ટીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાનો છું.
અજિત પવારે કહ્યું કે તમારે તમારી પાર્ટીના પ્રવક્તા બનીને રહેવું જોઈએ અને NCPના પ્રવક્તા બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તમે તમારા મુખપત્રમાં તમારા પક્ષના સ્ટેન્ડ વિશે લખો. તમે અમને ટાંકીને અમારી પાર્ટી વિશે કેમ લખો છો? અમારી પાસે અમારા પોતાના પ્રવક્તા છે. તેઓ અને અમારી પાર્ટીના નેતાઓ અમારી પાર્ટીનો પક્ષ રજૂ કરવા સક્ષમ છે.