Bharat Jodo Nyay Yatra : સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા છે. સીટ વહેંચણીની લઇને વાતચીત ફાઇનલ થયા પછી અખિલેશ યાદવે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે આગ્રામાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન સપા પ્રમુખે કહ્યું કે ભાજપ દેશમાંથી સાફ થવા જઈ રહ્યું છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે હું જનતાનો આભાર માનું છું. આગામી દિવસોમાં સૌથી મોટો પડકાર લોકશાહી અને બંધારણને બચાવવાનો છે. ભાજપે ડો.બીઆર આંબેડકરના સપનાને બર્બાદ કરી દીધા છે.
અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે આગ્રા શહેર દુનિયામાં જાણીતું છે. મને એ વાતની ખુશી છે કે તે (કોંગ્રેસે) મોહબ્બતની દુકાન લઇને ચાલે છે અને આ આખું શહેર પ્રેમનું શહેર છે. આગામી સમયમાં લોકશાહી અને બંધારણને બચાવવાનો પડકાર છે. અમને આશા છે કે ઇન્ડિયા ગઠબંધન અને પીડીએની લડત એનડીએને હરાવવાનું કામ કરશે. સપા પ્રમુખે કહ્યું કે યુપી સરકારમાં એવી કોઈ ભરતી નથી કે જેમાં પેપર લીક ન થાય. આ સરકાર જાણી જોઈને પેપર લીક કરે છે કારણ કે તેમનો રોજગાર આપવાનો ઇરાદો નથી.
આ પણ વાંચો – દ્વારકામાં પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસમાં ઇચ્છાશક્તિ ન હતી, અમે બદલી દેશની તસવીર
આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ યાદવજીનું સ્વાગત કરીએ છીએ અને આ એક મોટો દિવસ છે. રાહુલ ગાંધીએ પણ મંચ પરથી અખિલેશ યાદવનું સ્વાગત કર્યું હતું.
17 સીટો પર ડિલ થઇ છે ફાઇનલ
ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ-સપા)ના બે ભાગીદારો વચ્ચે લાંબી ચર્ચાઓ અને અનેક રાજકીય અટકળો બાદ વાત બની ગઇ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ગઠબંધન હેઠળ 17 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. કોંગ્રેસ હવે રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાની બેઠકો પર ચૂંટણી લડશે.
સપા નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને મોટો હિસ્સો આપવાનું એક મુખ્ય કારણ મુસ્લિમ મતોના વિભાજનનો ડર હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાને મુસ્લિમ મતો પર ઘણો વિશ્વાસ હતો અને તેનો ફાયદો સપાને મળ્યો છે. ચૂંટણીમાં સપાના 30 મુસ્લિમ ઉમેદવારો જીત્યા હતા. આવી સ્થિતિમાં સપા નથી ઈચ્છતી કે આ વોટ તેમના હાથમાંથી કોઈ પણ રીતે સરકી જાય.





