Delhi Amendment Bill: દિલ્હી વિધેયક 2023 મામલે અમિત શાહે વિપક્ષોને લીધા આડે હાથ, કહ્યું – નહેરુ પટેલે પણ કર્યો હતો વિરોધ

Delhi Amendment Bill 2023: કેન્દિય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી સંશોધન બિલ અંગે લોકસભામાં આકરા પાણીએ દેખાયા. વિપક્ષોને આડે હાથ લેતાં તેમણે કહ્યું કે, તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.

Written by Haresh Suthar
August 03, 2023 16:47 IST
Delhi Amendment Bill: દિલ્હી વિધેયક 2023 મામલે અમિત શાહે વિપક્ષોને લીધા આડે હાથ, કહ્યું – નહેરુ પટેલે પણ કર્યો હતો વિરોધ
લોકસભામાં દિલ્હી સંશોધન બિલ અંગે સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ

લોકસભા ચોમાસું સત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સત્તા અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હી સરકાર અંગે દિલ્હી સંશોધન વિધેયક (Delhi Amendment Bill 2023) અંગે ચર્ચા કરવામાં આવી. આ બિલ અંગે બોલતાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આ વિધેયક સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર છે. જેમાં કહેવાયું છે કે, સંસદને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હી સંબંધિત કોઇ પણ મુદ્દે કાયદે બનાવવાનો અધિકાર છે. તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવો એ અયોગ્ય છે.

નહેરુ, આંબેડકરે પણ કર્યો હતો વિરોધ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પટ્ટાભી સીતારમૈયા સમિતિની ભલામણ અંગે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, રાજાજી (રાજગોપાલાચારી), ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ડો. ભીમરાવ આંબેડકરે પણ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો.

સંસદને કાયદો બનાવવાના અધિકાર – અમિત શાહ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હી ન તો પૂર્ણ રાજ્ય છે કે ન તો એ સંઘ શાસિત પ્રદેશ છે. રાષ્ટ્રીય રાજધાની હોવાને લીધે બંધારણના અનુચ્છેદ 239 એએ અનુસાર એ માટે અલગ જોગવાઇ છે. આ અનુચ્છેદ અંતર્ગત આ સંસદને દિલ્હી સંઘ રાજ્ય ક્ષેત્ર સંબંધિત કોઇ પણ મુદ્દે કાયદો બનાવવાના બધા અધિકાર પ્રાપ્ત છે.

અમિત શાહ – એક પાર્ટી જેનો ઇરાદો માત્ર લડવાનો

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી રાજ્ય સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, વર્ષ 2015 માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી કે જેનો ઇરાદો માત્ર લડવાનો છે, સેવા કરવાનો નહીં. સમસ્યા ટ્રાન્સર્ફર પોસ્ટિંગ કરવાના અધિકાર મેળવવાની નથી પરંતુ પોતાના બંગલા બનાવવા સહિતના ભ્રષ્ટાચાર છુપાવવા માટે વિજિલન્સ વિભાગ સહિત પર કબ્જો કરવાનો છે.

વિધેયક, કાયદો દેશના સારા માટે – અમિત શાહ

અમિત શાહે તમામ પક્ષોને નિવેદન કર્યું કે, ચૂંટણી જીતવા માટે કોઇ પક્ષને સમર્થન આપવું કે વિરોધ કરવો એ પ્રકારની રાજનીતિ ન કરવી જોઇએ. તેમણે કહ્યું કે, નવું ગઠબંધન બનાવવાના અનેક કારણ હોઇ શકે છે. વિધેયક અને કાયદો દેશના સારા માટે લાવવામાં આવે છે એ માટે એનો વિરોધ અને સમર્થન દિલ્હીની ભલાઇ માટે કરવો જોઇએ. લોકસભામાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન બનાવ્યા બાદ પણ નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમત સાથે ફરીવાર વડાપ્રધાન બનશે.

દિલ્હી સાથે છેડછાડ… – અધિર રંજન ચૌધરી

અમિત શાહના સંબોધન બાદ કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરી કહ્યું કે, જો દિલ્હી સાથે આવી છેડછાડ કરવામાં આવશે તો તમે અન્ય રાજ્યો માટે પણ આવા બિલ લાવતા જ રહેશો. જો તમને લાગે છે કે, અહીં કૌભાંડ થાય છે તો શું એ માટે આવા બિલ લાવવા જરૂરી છે? કૌભાંડની તપાસ માટે તો તમારી પાસે ED, CBI, IT સહિત વિભાગો છે જ, તો એનો ઉપયોગ કેમ નથી કરતા?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ