કેજરીવાલના જેલમાં જવાથી AAPને ફાયદો? ED ના સમન્સને સતત કેમ ફગાવવામાં આવી રહ્યું?

અરવિંદ કેજરીવાલ વિ. ઈડી : દિલ્હી કથિત દારૂ કૌભાંડ મામલે ઈડી સમન્સની અરવિંદ કેજરીવાલ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે, શું છે આમ આદમી પાર્ટી જાણી જોઈ કરી રહી?

Written by Kiran Mehta
Updated : February 04, 2024 10:28 IST
કેજરીવાલના જેલમાં જવાથી AAPને ફાયદો? ED ના સમન્સને સતત કેમ ફગાવવામાં આવી રહ્યું?
અરવિંદ કેજરીવાલ અને ઈડી

અરવિંદ કેજરીવાલ vs ઈડી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી વખતની જેમ, તેમણે ફરી એકવાર સમન્સની અવગણના કરી છે અને પૂછપરછમાં ભાગ લીધો ન હતો. જો આપણે તાજેતરના ઘટનાક્રમ પર નજર કરીએ તો, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે, શું અરવિંદ કેજરીવાલની પણ સોરેનની જેમ ધરપકડ થઈ શકે છે? કેજરીવાલ કેસની રાજકીય પેટર્ન પર નજર કરીએ તો, હેમંત સોરેનની નકલ કરવાના સંકેત દેખાઈ રહ્યા છે.

હેમંત સોરેનની વાત કરીએ તો, ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સોરેનને 9 સમન્સ મોકલ્યા હતા. સોરેન વારંવાર ઇડીના સમન્સને અવગણતો રહ્યો. જેના કારણે તેની સામેનો કેસ વધુ મજબૂત બન્યો છે. આખરે 10મી વખત સમન્સની અવગણના કરીને આખરે હેમંત સોરેન ભાગી છૂટ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ કેજરીવાલ પર નજર કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં 5 સમન્સ પણ ફગાવી દીધા છે. આ કારણે સવાલ એ ઊભો થાય છે કે શું તે જાણીજોઈને આ સમન્સનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ તેમની રાજકીય શૈલીનો પણ એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.

સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ

અરવિંદ કેજરીવાલની રાજનીતિ હંમેશા લોકોમાં સીધા જોડાણ અને સહાનુભૂતિને લઈને રહી છે. પોતાના બાળકોની કસમ ખાવાની હોય કે પછી વાદળી વેગનઆર કાર લઈ ઓફિસ જવાનું હોય, કેજરીવાલ લોકોમાં સહાનુભૂતિ મેળવવામાં માહેર છે. આવી સ્થિતિમાં, તે જાણે છે કે જો ED ની ટીમ દ્વારા તેની ધરપકડ કરવા આવે છે અને તેને લઈ જાય છે, તો આમ આદમી પાર્ટી સીધી રીતે સહાનુભૂતિ કાર્ડ રમી શકે છે. તેનો ફાયદો 3 મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.

ધરપકડની સતત ચર્ચા છે

ED તરફથી કેજરીવાલને પહેલું સમન્સ 2 નવેમ્બર 2023ના રોજ આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં કેજરીવાલને 5 સમન્સ મળ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ભાજપના ઈશારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવશે. મંત્રી આતિશી માર્લેનાથી લઈને સૌરભ ભારદ્વાજ સુધી, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ કોઈપણ દિવસે અરવિંદ કેજરીવાલની તેમના જ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનેથી ધરપકડ કરી શકે છે.

બીજી મહત્વની વાત એ છે કે, અરવિંદ કેજરીવાલ પોતે એમ કહેતા જોવા મળ્યા છે કે, તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલે હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે દારૂના કૌભાંડ સાથે જોડાયેલા આ કેસની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, પરંતુ EDએ તેમને લોકસભા ચૂંટણીના માત્ર બે મહિના પહેલા જ કેમ બોલાવવાનું શરૂ કર્યું? તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા કેજરીવાલે કહ્યું કે, ED ભાજપના ઈશારે કામ કરી રહી છે અને ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે.

મોદી વિ કેજરીવાલ મુદ્દો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશા એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે, તેઓ ભાજપના સૌથી મોટા નેતા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. આવી સ્થિતિમાં જો કેજરીવાલની લોકસભાની ચૂંટણી પહેલા ધરપકડ કરવામાં આવે તો, કેજરીવાલ સીધા રાષ્ટ્રીય કે રાજકીય લાઇમલાઇટમાં આવી શકે છે. જ્યાં આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડને બલિદાન તરીકે રજૂ કરી શકે છે, તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.માં તે પોતાનું કદ મોટુ દર્શાવવામાં પણ સફળ રહેશે. તમને જણાવી દઈએ કે, તે દિલ્હીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને એકલા હાથે ટક્કર આપવા સક્ષમ છે. આવી સ્થિતિમાં AAP દિલ્હીમાં લોકસભાની બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે વધુ ભાવ-તાલ કરી શકે છે.

આંદોલનકારી ઈમેજથી ફાયદો થશે

આમ આદમી પાર્ટી એ એક એવી પાર્ટી છે, જે વર્ષ 2011-12 દરમિયાન અણ્ણા હજારેના આંદોલનમાંથી ઉભરી આવી હતી, જે 2 ઓક્ટોબર 2012 ના રોજ શરૂ કરવામાં આવી હતી. પાર્ટી તેના આંદોલનાત્મક વલણ માટે જાણીતી છે. રાઘવ ચઢ્ઢાથી લઈને સંજય સિંહ સુધીના આમ આદમી પાર્ટીના સાંસદો રાજ્યસભામાં આંદોલનકારીઓની ભૂમિકામાં જોવા મળે છે અને ભાજપ પર આક્રમક પ્રહારો કરે છે. આ કારણે, જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય છે, તો ચોક્કસપણે પાર્ટી ફરી એકવાર તેનું આંદોલનકારી વલણ અપનાવી શકે છે, જે સામાન્ય ચૂંટણી પહેલા તેના માટે ફાયદાકારક પગલું હોઈ શકે છે.

આ પણ વાંચો – Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર ન થતા ઈડીની કોર્ટમાં ફરિયાદ, બુધવારે સુનાવણી

મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે

તમને જણાવી દઈએ કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા છેલ્લા એક વર્ષથી જેલમાં છે, પરંતુ હજુ સુધી તેમને જામીન મળ્યા નથી. એ જ રીતે સંજય સિંહની ઓક્ટોબર 2023માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમને પણ હજુ સુધી જામીન મળ્યા નથી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ