(Anjishnu Das) Cash Seizures In Poll Bound State : દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ થઈ રહી છે. જો કે આ દરમિયાન પાંચ ચૂંટણીલક્ષી રાજ્યોમાં વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં રોકડથી લઈને દારૂથી લઈને નાર્કોટિક્સ સુધીની ચૂંટણી સંબંધિત જપ્ત કરવામાં આવેલી ચીજવસ્તુઓનું પ્રમાણ ત્રણ ગણુ વધી ગયુ છે.
કેટલી રોકડ, ઘરેણાં, કિંમતી ધાતુઓ, દારૂ, ડ્રગ્સ જપ્ત થયા
ચૂંટણી પંચ (EC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 9 ઓક્ટોબર, 2023ના રોજથી આચારસંહિતા લાગુ થવાની સાથે જ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાંથી અત્યાર સુધીમાં 953.34 કરોડ રૂપિયાની રોકડ અને અન્ય “ચુંટણી પ્રલોભન” જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલી ચીજોમાં રોકડ નાણાં, ઘરેણાં, કિંમતી ધાતુઓ, દારૂ, ડ્રગ્સ, ગેજેટ્સ અને ઘરગથ્થુ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

તેનાથી વિપરીત, આ રાજ્યોમાં 2018ના સમગ્ર ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન કુલ 288.58 કરોડ રૂપિયા જપ્ત થયા હતા. આ વખતે ચૂંટણી જપ્તીઓ અગાઉની ચૂંટણીની સરખામણીમાં 660 કરોડ રૂપિયા વધારે છે. તેમાંય સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર હજી ચાલુ રહેશે.
ક્યારે- ક્યા રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થશે
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જેમાં મિઝોરમ અને છત્તીસગઢની પ્રથમ તબક્કાની બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થશે, જ્યારે છત્તીસગઢની બીજા તબક્કાની બેઠકો પર મધ્યપ્રદેશની સાથે 17 નવેમ્બરે મતદાન થવાનું છે. રાજસ્થાન અને તેલંગાણામાં અનુક્રમે 25 નવેમ્બર અને 30 નવેમ્બરે મતદાન થશે.
છત્તીસગઢ 38.34 કરોડ રૂપિયા રોકડ અને વસ્તુઓ જપ્ત
છત્તીસગઢમાં અધિકારીઓએ આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 31 ઓક્ટોબર સુધીમાં 38.34 કરોડ રૂપિયા રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે.
જપ્ત કરાયેલી વસ્તુઓમાં રૂ. 10.11 કરોડની રોકડ, રૂ. 90.87 લાખની કિંમતનો આશરે 31,000 લીટર ગેરકાયદેસર દારૂ અને રૂ. 14.82 કરોડના 184 કિલો દાગીના અને કિંમતી રત્નો-નંગોનો સમાવેશ થાય છે. રાજ્યએ ચૂંટણીના પ્રતિબંધને ટ્રેક કરવા માટે આબકારી, પોલીસ અને આવકવેરા (IT) વિભાગોના કર્મચારીઓ સહિત “ફ્લાઇંગ સ્ક્વોડ” તૈનાત કરી છે.
2 નવેમ્બરના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા રાયપુર અને ભિલાઈમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી , જે રાજ્યમાં કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવતા અનેક કેસોમાંનો એક છે. ED જપ્તી અંગેનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલે તેવી અપેક્ષા છે.
2018ની ચૂંટણીમાં, સમગ્ર પ્રચાર સમયગાળા દરમિયાન આવી જપ્તીઓની રકમ રૂ. 11.85 કરોડ હતી, જેમાં રૂ. 4.47 કરોડ રોકડ, રૂ. 1.3 કરોડનો દારૂ અને રૂ. 5.77 કરોડ જેવી વસ્તુઓ જેવી કે લેપટોપ, વાહનો, પ્રેશર કુકર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આમ ગત વિધાનસભા ચૂંટણીની તુલનાએ આ વખતે ત્રણ ગણી રકમ જપ્ત કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કેટલી રોકડ જપ્ત થઇ
મધ્યપ્રદેશમાં 9 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં રૂ. 226 કરોડથી વધુની ચૂંટણીવક્ષી જપ્તી કરવામાં આવી છે. રાજ્યની ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને પોલીસના સંયુક્ત પ્રયાસો દ્વારા જપ્તીઓ કરવામાં આવી હતી.

રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રૂ. 25.05 રોકડ, રૂ. 36.99 કરોડનો ગેરકાયદેસર દારૂ, રૂ. 11.7 કરોડનો માદક પદાર્થ અને રૂ. 75.06 કરોડની કિંમતી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે. 2018ની ચૂંટણીમાં કુલ જપ્તીની રકમ 72.93 કરોડ રૂપિયા હતી.
ગત મહિને, ભાજપના પ્રદેશ વડા વીડી શર્માએ આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકમાં આઇટીના દરોડામાં જપ્ત કરાયેલા રૂ. 42 કરોડનો હેતુ કર્ણાટકમાં સત્તામાં રહેલી કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી રાજ્યોમાં ખર્ચ કરવાનો હતો. કોંગ્રેસના પ્રવક્તા કે.કે. મિશ્રાએ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, ભાજપ શાસિત ગુજરાતમાં તાજેતરના ડ્રગ જપ્તી માટે સમાન કડીઓ હોઈ શકે છે.
મિઝોરમમાં રોકડ કરતા દારૂ અને ડ્રગ્સ જપ્ત થયા
રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબર સુધીમાં મિઝોરમમાં રૂ. 36 કરોડથી વધુ જપ્ત કરવામાં આવ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, મિઝોરમમાં રોકડ રકમ કરતા દારૂ અને ડ્રગ્સ જેવી નશીલી ચીજવસ્તુઓ વધારે જપ્ત થઇ છે. આ જપ્તીમાં માત્ર 8,000 રૂપિયાની રોકડ છે અને મોટાભાગે ડ્રગ્સ અને દારૂનો સમાવેશ થાય છે.
ચૂંટણી અધિકારીઓએ રૂ. 19 કરોડ હેરોઇન, રૂ. 4.28 કરોડ મેથામ્ફેટામાઇન અને રૂ. 57 લાખની ખસખસ, રૂ. 8.84 કરોડ સિગારેટ અને રૂ. 1.16 કરોડનો દારૂ જપ્ત કર્યો છે. મહત્વપૂર્ણ વાત છે કે, મિઝોરમમાં 2019થી દારૂ પ્રતિબંધ અમલમાં છે, જો કે ઓગસ્ટથી આ પ્રતિબંધમાંથી સ્થાનિક વિવિધ પ્રકારની વાઇનને બાકાત રાખવામાં આવી છે.
ડ્રગ્સનું દૂષણ મહદંશે આ રાજ્ય મ્યાનમારની નજીક હોવાને આભારી છે, જે “ગોલ્ડન ટ્રાયેન્ગલ” ડ્રગ ટ્રેડ રૂટમાં આવે છે જેમાં થાઇલેન્ડ અને લાઓસનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં મણિપુરમાં વંશીય હિંસા બાદ મિઝોરમ મારફતે દાણચોરીમાં વધારો થયો છે, જેની મ્યાનમાર સાથે પણ સરહદ જોડયેલી છે.

2018ની ચૂંટણી બાદથી જપ્તીઓ લગભગ બમણી થઈ ગઈ છે, તે વખતે રાજ્યમાંથી લગભગ 19 કરોડ રૂપિયાનો દારૂ વસૂલ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં કેટલી રોકડ જપ્ત થઇ
રાજસ્થાનમાં 28 ઓક્ટોબર સુધીમાં 214 કરોડ રૂપિયા રોકડ અને અન્ય પ્રતિબંધિત ચીજો જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી ચીજોમાં 25 કરોડ રૂપિયા રોકડા, 20 કરોડ રૂપિયાનો દારૂ, 20 કરોડ રૂપિયાનું સોનું અને 60 કરોડ રૂપિયાનું ડ્રગ્સ સામેલ છે. પેટ્રોલ, ડીઝલ અને ખાતર જેવી અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.
રાજસ્થાન પોલીસે ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓને ટ્રેક કરવા અને જપ્ત કરવા માટે ‘સ્ટોર્મ ક્લબ’ (સુપરવિઝન, ટ્રેકિંગ, ઓપરેશન, રેકોર્ડકીપિંગ, મોનિટરિંગ, કંટ્રોલ એન્ડ કમાન્ડ, લાયઝન અને યુનિફાઇડ બેઝ) નામની એક વિશેષ ટીમની રચના કરી છે. રાજ્યભરમાં 650 જેટલી ચેકપોઇન્ટ સ્થાપિત કરવામાં આવી છે. 2018ની ચૂંટણીમાં કુલ 65 કરોડ રૂપિયાની જપ્તી થઈ હતી.
આ વર્ષ દરમિયાન રાજ્ય પોલીસ, આબકારી, આઈટી અને અન્ય એજન્સીઓ દ્વારા બિનહિસાબી રોકડ, દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓની જપ્તી રૂ. 1,021 કરોડ થઈ છે જે 2022માં રૂ. 347 કરોડ અને 2021માં રૂ. 322 કરોડ હતી.
તેલંગાણામાં સૌથી વધુ રોકડ જપ્ત
તેલંગાણામાં અધિકારીઓએ 2 નવેમ્બર સુધીમાં 439 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે, જ્યાં હવે મતદાનને લગભગ એક મહિના બાકી છે.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અધિકારીઓએ 9 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં રૂ. 156 કરોડની રોકડ, રૂ. 165.2 કરોડની કિંમતનું 1,300 કિલોગ્રામ સોનું, ચાંદી અને અન્ય ધાતુઓ, રૂ. 49.4 કરોડનો દારૂ અને રૂ. 24.7 કરોડ ગાંજાનો જથ્થો જપ્તો કર્યો છે.
જે એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે તેમાં IT વિભાગ પણ સામેલ છે, જેણે હૈદરાબાદના બે એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે રાજ્યના તમામ 33 જિલ્લામાં ક્વિક રિસ્પોન્સ ટીમો બનાવી છે .
રાજ્યમાં 2018માં વિધાનસભા ચૂંટણી દરમિયાન 137 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 125 કરોડ રૂપિયા રોકડનો સમાવેશ થાય છે. તેથી તેલંગાણામાં પણ આ વખતે મતદાન સંબંધિત ગુનાઓ ત્રણ ગણાથી વધારે છે.