Assembly Election Results 2023 : પાંચ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ)ની વિધાનસભા ચૂંટણીને 2024ની લોકસભાની સેમિ-ફાઇનલ તરીકે વર્ણવવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લી ચૂંટણીઓ છે. ઘણા રાજકીય નિષ્ણાંતો માને છે કે આ રાજ્યોના પરિણામો આગામી લોકસભા ચૂંટણીનો મૂડ જાહેર કરશે. આ તર્કમાં કેટલી દલીલ છે તે 2018ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીના વિશ્લેષણ પરથી જાણી શકાશે.
શું 2018માં રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસે જે પ્રદર્શન બતાવ્યું હતું તેવું જ પ્રદર્શન લોકસભામાં જોવા મળ્યું હતું? શું મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો?
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 25, છત્તીસગઢમાં 11, મધ્ય પ્રદેશમાં 29 અને તેલંગાણામાં 17 લોકસભા સીટો છે. મિઝોરમમાં માત્ર એક સીટ છે. એટલે કે પાંચેય રાજ્યોમાં લોકસભાની કુલ 83 બેઠકો છે. આ 83 લોકસભા બેઠકોમાંથી 78.3 ટકા માત્ર ત્રણ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં છે.
વિધાનસભા વિ લોકસભા
2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજસ્થાનમાં 49.7 ટકા, મધ્ય પ્રદેશમાં 49.47 ટકા અને છત્તીસગઢમાં 75.6 ટકા બેઠકો જીતી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં કોંગ્રેસની હાલત ખરાબ જોવા મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજસ્થાનમાં માત્ર 8 ટકા, મધ્ય પ્રદેશમાં 9.57 ટકા અને છત્તીસગઢમાં 26.67 ટકા બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ સીટ શેરના ડેટાના આધારે એમ કહી શકાય કે 2023ની વિધાનસભા ચૂંટણીને 2024ની સેમિ ફાઈનલ ગણવી એ બહુ સચોટ વિશ્લેષણ નથી.
આ પણ વાંચો – શું પ્રથમ ટેસ્ટમાં જ ફેઇલ થયું ઇન્ડિયા ગઠબંધન, એમપી-છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો શું સંકેત આપે છે?
જોકે 2014ની લોકસભા ચૂંટણી પહેલા એ ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો તે લોકસભામાં પણ સારો દેખાવ કરતી હતી. ઉદાહરણ તરીકે 2008ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 200માંથી 96 બેઠકો જીતી હતી અને ભાજપને 78 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસે 2009ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું. કોંગ્રેસે લોકસભાની 25માંથી 20 બેઠકો જીતી હતી. ભાજપ માત્ર ચાર બેઠકો જીતી શકી હતી.
વોટ શેરમાં તફાવત શું દર્શાવે છે?
સીટ શેર બાદ હવે વોટ શેરના આંકડા પણ જોઈએ. 2018ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનો તફાવત -0.5 ટકા હતો. 2019ની લોકસભામાં તે વધીને 24.16 ટકા થઈ. મધ્ય પ્રદેશની વાત કરીએ તો 2018માં વોટ શેરમાં તફાવત 0.13 ટકા હતો, જે 2019માં વધીને 23.46 ટકા થયો છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે વોટ શેરમાં તફાવત -10.07 ટકા હતો, જે લોકસભામાં 9.76 ટકા થયો હતો.





