વિજય કુમાર ઝા : મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી પરિણામો ઘણા સંકેતો આપી રહ્યા છે. આ સંકેતો રાષ્ટ્રીય રાજકારણની દિશા અને મતદારોનો મિજાજ પણ દર્શાવી રહ્યા છે. સાથે જ તે લોકોની પસંદગી તરફ પણ ઈશારો કરી રહ્યા છે, ખાસ કરીને હિન્દી પ્રદેશની જનતા તરફ. ચાલો સમજીએ કે આ પરિણામો શું કહે છે
હિન્દી રાજ્યોના લોકોના મનમાં મોદી
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ હિન્દીભાષી રાજ્યોના મનમાં વસેલા છે. આ રાજ્યોમાં ભાજપનો કોઈ સ્થાનિક ચહેરો ન હતો, નરેન્દ્ર મોદી જ ચહેરો હતા. તેમના નામે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અને મત માંગવામાં આવી રહ્યા હતા. રાજ્યની જનતાને આપેલા વચનોને પણ ‘મોદીની ગેરંટી’ તરીકે પ્રચારિત કરવામાં આવ્યા હતા. આથી સ્પષ્ટ કહી શકાય કે લોકોએ મોદીના નામે વોટ આપ્યા હતા.
2024માં ભારતનું શું?
વિધાનસભા ચૂંટણીના તાજા પરિણામો પર નજર કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીને જોતા રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ અને મહાગઠબંધન (ઇન્ડિયા) માટે સંકેતો સારા નથી. કોંગ્રેસને ઇન્ડિયાના નેતૃત્વ પર પોતાનો દાવો દૃઢપણે ઠોકી બેસાડવામાં મુશ્કેલી પડશે. ગઠબંધન પક્ષો કોંગ્રેસને બહુ ગંભીરતાથી નહીં લે અને આવી સ્થિતિમાં તેમની વચ્ચે સર્વસંમતિ સાધવી સરળ નહીં રહે. પરિણામ એ રહેશે કે ચૂંટણીના મેદાનમાં એનડીએ સામે વિખરાયેલો વિપક્ષ. જે બેઠકો પર ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે થશે તેમાં કોંગ્રેસ માટે લડાઈ પ્રમાણમાં કપરી બની રહેશે.
ખડગેનું સંકટ, કોંગ્રેસની નબળાઈ
તાજા પરિણામો બાદ ભાજપ 12 રાજ્યોમાં પોતાના દમ પર સત્તા પર રહેશે, જ્યારે કોંગ્રેસના ઘટીને ત્રણ થઇ જશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે પાર્ટીને પુનર્જીવિત કરવી પણ સરળ નહીં હોય. કર્ણાટકમાં ચૂંટણીમાં જીત સાથે પ્રમુખ તરીકે સારી શરૂઆત કર્યા બાદ ખડગેના નેતૃત્વ માટે આ સ્થિતિ સારી નહીં હોય. આ હકીકત હોવા છતાં કે દેશમાં હાલમાં ઇન્ડિયા ગઠબંધનના 1794 ધારાસભ્યો (કોંગ્રેસના 765) અને એનડીએના 1651 (ભાજપના 1333) ધારાસભ્યો છે. આ પરિણામોએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવાની આશાને પણ ડામાડોળ કરી દીધી છે.
આ પણ વાંચો – શું વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો લોકસભા 2024નો સંકેત છે? જાણો શું કહે છે આંકડા
મુસ્લિમો હજુ પણ મુદ્દો જ રહેશે
આ ચૂંટણી પરિણામોથી વધુ એક વાત સ્પષ્ટ છે કે મુસ્લિમો હજુ પણ રાજકારણ અને વોટ મેળવવા માટે મુદ્દો બની રહેશે. રાજકારણમાં તેમની ભાગીદારી વધવાના કોઈ સંકેતો નથી. રાજસ્થાનમાં ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી. કોંગ્રેસે 14 ને ટિકિટ આપી હતી. રાજ્યમાં થયેલા 15 ચૂંટણીમાં માત્ર 1459 મુસ્લિમો જ ચૂંટણી લડ્યા છે અને માત્ર 97 જ જીત્યા છે.
રેવડી કલ્ચર કામ કરશે
મફત યોજનાઓ અને છૂટછાટની ઘોષણાઓ મત મેળવવાની સૌથી મજબૂત યુક્તિઓ છે અને કોઈ પણ પક્ષ તેમને અજમાવવામાં પાછળ રહેશે નહીં. લાંબા ગાળે આ પગલાં મોંઘા સાબિત થશ છતા તે હીટ છે. માત્ર મધ્યપ્રદેશમાં જ છ વર્ષમાં લોકોનું દેવું ત્રણ ગણું વધી ગયું છે. દર મહિને મધ્ય પ્રદેશની મહિલાઓના બેંક ખાતામાં લગભગ હજાર કરોડ રૂપિયા જમા થશે. આટલું બધું દેવું હોવા છતાં આ લોન કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે તે અંગે કોઈ પક્ષ સ્પષ્ટતા આપી રહ્યો નથી. ઊલટાનું આ ચૂંટણીઓમાં પણ હજારો કરોડનો ખર્ચ થાય છે.
‘મહિલા લાભાર્થીઓ’ એક નવો મતદાર વર્ગ
રાજસ્થાનમાં કુલ 1875 ઉમેદવારો હતા. તેમાં મહિલાઓની સંખ્યા માત્ર 183 હતી. 81 બેઠકો એવી છે જ્યાં એક પણ મહિલા ઉમેદવાર ન હતી. કોંગ્રેસમાં 27 અને ભાજપમાં 20 મહિલા ઉમેદવારો હતા. એટલે કે કોઇ પાર્ટીએ 15 ટકા મહિલાઓને પણ ટિકિટ આપી ન હતી. જોકે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે યોજનાઓ અને વાયદાઓનો વરસાદ કર્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 3 ડિસેમ્બરે કહ્યું હતું કે લાડલી બહેનો પ્યાર બનીને વરસે છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદારોના એક વર્ગ તરીકે ‘લાભાર્થીઓ’ માટે ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે લાભાર્થીઓમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવું એ એક નવો ટ્રેન્ડ છે.





