વિકાસ પાઠક : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 1500-1600 પ્રતિષ્ઠિત મહેમાનો સહિત આશરે 8000 આમંત્રિત લોકો ઉપસ્થિત રહેશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સંબોધન કરશે.
રામ મંદિર ટ્રસ્ટે તમામ પૂર્વ વડાપ્રધાનો, તમામ રાષ્ટ્રીય પક્ષના પ્રમુખો, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, દલાઈ લામા, ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત સહિત અનેક અગ્રણી હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેમજ પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમા ભારતી અને વિનય કટિયારને આ કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નેતાઓ રામ મંદિર આંદોલનનો ચહેરો રહ્યા છે.
જોકે આરએસએસના સૂત્રોનું કહેવું છે કે ઉદ્ઘાટન સમારંભ માત્ર અયોધ્યાનો જ નહીં હોય. સંઘ પરિવાર દેશભરમાં ‘સબકે રામ’ના નારાનો પ્રચાર કરશે. આ અભિયાનના ભાગરૂપે આરએસએસ અને વીએચપીના સભ્યો ‘અક્ષત’ (ચોખા)ના વિતરણ માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દેશભરમાં ડોર-ટુ-ડોર અભિયાન ચલાવશે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને તેમના સ્થાનિક મંદિરોમાં સભા યોજવાનું પ્રતિકાત્મક આમંત્રણ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો – બંને ગઠબંધનમાંથી કોની પાસે છે વધુ પૈસા? ભાજપ-કોંગ્રેસ બાદ આ પાર્ટીઓનો નંબર
આ આઉટરિચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કરવામાં આવી રહ્યું છે. સંઘ પરિવાર 22 જાન્યુઆરીએ હિન્દુ સમુદાયોને તેમના વિસ્તારોમાં સમાન કાર્યક્રમો યોજવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. આરએસએસના એક આંતરિક સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “લોકો અયોધ્યા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પરંતુ 22 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્તરે પણ એક મોટો કાર્યક્રમ થવાનો છે. તેમાં દુનિયાભરમાં કેટલાક કાર્યક્રમો થવાના છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સ્થાનિક કાર્યક્રમો પણ ઓનલાઇન લાઇવ કરવામાં આવશે, જે દેશ અને વિશ્વના ભાગોમાં (અયોધ્યામાં) શું થઈ રહ્યું છે તેની સાથે તાલમેલ બેસાડવાની ભાવના આપશે.
રામ મંદિર ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે
ભાજપ માટે રામ મંદિરના ઉદ્ઘાટનથી એક મુખ્ય વૈચારિક ઉદ્દેશ્યને સાકાર થશે જે તે ત્રણ દાયકાથી પણ વધુ સમયથી સમર્થન આપી રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના રામ મંદિર આંદોલને જ ભાજપને રાષ્ટ્રીય સ્તરે સત્તાના મુખ્ય દાવેદાર તરીકે ઊભરી આવવામાં મદદ કરી હતી, જેના કારણે તે કોંગ્રેસ માટે મોટો પડકાર બની ગયો હતો.
ભાજપને લાગે છે કે અયોધ્યા કાર્યક્રમ લોકસભા ચૂંટણી પહેલા એક સંદેશ આપશે કે કલમ 370 હટાવવા ઉપરાંત મંદિરનું વચન હતું, જે ભાજપે પૂર્ણ કર્યું છે. આ મંદિર કદાચ એ મુદ્દાઓમાંનો એક મુદ્દો છે જે ભાજપ એપ્રિલ-મે 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ઉમેરશે.