Ayodhya Ram Mandir Opening Date : અયોધ્યામાં વર્ષો સુધી રાહ જોયા બાદ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નવનિર્મિત રામ મંદિરમાં થશે. રામ મંદિરનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં છે. જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોની ઉત્સુકતા પણ વધી રહી છે. રામ મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન રામલલાની પ્રતિમા પણ અલગ પ્રકારની હશે. રાજસ્થાનમાં આ પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. 51 ઇંચની આ પ્રતિમા ભગવાનના બાળ સ્વરૂપની હશે. રામ મંદિરનું સ્વરૂપ અને રામલલાની પ્રતિમામાં વૈજ્ઞાનિક રહસ્યો પણ હશે.
ભક્તોને ભગવાન રામલલાના અદભૂત સ્વરૂપનો નજારો જોવા મળશે
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાણપ્રતિષ્ઠા પછી રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સીધા રામલલાના માથા પર પડશે. તેનાથી ભક્તોને ત્યાં અદ્ભુત નજારો જોવા મળશે. આ મંદિરમાં રામલલ્લા ઉપરાંત ભગવાન વિષ્ણુના દસ અવતારોની મૂર્તિઓ પણ હશે. આ માટે એક યંત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે.
દેશ-વિદેશથી આવશે 80 હજાર શ્રદ્ધાળુઓ, બની રહ્યા છે ટેન્ટ સિટી
દરમિયાન આગામી 22મી જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા ભાવિકોની સુવિધા માટે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. લખનઉમાં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશ-વિદેશથી લાખો લોકો અયોધ્યા પહોંચે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને અયોધ્યા વિકાસ સત્તામંડળ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કહેવા પ્રમાણે વિવિધ સ્થળોએ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – બાગેશ્વર બાબાએ બિનશરતી માફી માંગી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રીએ આવું કેમ કહ્યું
ભક્તોને રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે
ભક્તોને રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (એડીએ)ના સેક્રેટરી સત્યેન્દ્ર સિંહને ટાંકીને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માઝા ગુપ્તાર ઘાટમાં 20 એકર જમીનમાં ટેન્ટ સિટી બનાવવામાં આવશે. આશરે 20થી 25 હજાર શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે અયોધ્યા ધામમાં બ્રહ્મકુંડ નજીક પણ એક ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. તેમાં 35 ટેન્ટ હશે, જેમાં લગભગ 30 હજાર શ્રદ્ધાળુઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી હતી કે તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બાગ બિજેસીમાં 25 એકર જમીન પર ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે, જેમાં લગભગ 25 હજાર લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત કારસેવકપુરમ અને મણિરામ દાસની છાવણીમાં પણ શ્રદ્ધાળુઓના રોકાણ માટે ટેન્ટ સિટી બનાવવામાં આવશે. સત્યેન્દ્ર સિંહે જણાવ્યું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમયે કડકડતી ઠંડી પડશે. આવી સ્થિતિમાં અહીં આવતા શ્રદ્ધાળુઓને રહેવા માટે ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.





