Cybercrime : બેંગ્લુરુનું એક રૂમ બન્યુ સાયબર ક્રાઇમનું હબ – 854 કરોડ રૂપિયા, 84 બેંક ખાતા, 8 મોબાઈલને ચાલુ રાખવા બે વ્યક્તિને નોકરીએ રાખ્યા

Bengaluru Cybercrime network : બેંગ્લોર સાયબર ક્રાઇમ પોલીસે એક ઓનલાઇન ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નાની રકમના રોકાણ પર ઉંચા રિટર્નની લાલચ આપી લોકો સાથે 854 કરોડની ઓનલાઇન છેતરપીંડિ કરી. દુબઇ સ્થિત ઓપરેટરો સ્થાનિક ઓપરેટરોની મદદથી સાયબર ફ્રોડ નેટવર્ક ચલાવતા હતા

Written by Ajay Saroya
October 15, 2023 08:45 IST
Cybercrime : બેંગ્લુરુનું એક રૂમ બન્યુ સાયબર ક્રાઇમનું હબ – 854 કરોડ રૂપિયા, 84 બેંક ખાતા, 8 મોબાઈલને ચાલુ રાખવા બે વ્યક્તિને નોકરીએ રાખ્યા
દેશભરમાં ઓનલાઇન છેતરપીંડિ જેવી સાયબર ક્રાઈમના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. (Photo- Canva)

(જોન્સન ટી એ) Bengaluru Cybercrime network : બેંગ્લોરમાંથી ઓનલાઇન સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ થયો છે. જેમાં ભેજાબેજ બે આઇટી પ્રોફેશનલે એક નાના રૂમને સાયબર ક્રાઇમનું હબ બનાવીને 854 કરોડ રૂપિયાની છેતરપીંડિ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેંગલુરુના યેલાહંકા વિસ્તારમાં એક બેડરૂમના મકાનમાં, 33 વર્ષીય એમબીએ ગ્રેજ્યુએટ અને 36 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે બે વર્ષ પહેલા કથિત રીતે એક નામ વગરનું ખાનગી સાહસ સ્થાપ્યું હતું. કર્મચારીઓ તરીકે નોકરી પર રાખવામાં આવેલા બે યુવકો ઘરમાં રહેતા હતા અને તેમને આઠ મોબાઈલ ફોન – દિવસ અને રાત એક્ટિવ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આ વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં, બેંગલુરુ સાયબર ક્રાઈમ પોલીસે એમબીએ ગ્રેજ્યુએટ મનોજ શ્રીનિવાસ, સોફ્ટવેર એન્જિનિયર, ફનીન્દ્ર કે અને અન્ય ચારની ધરપકડ કરી હતી.

26 વર્ષીય મહિલાએ 8.5 લાખ રૂપિયાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી, આ મહિલાને પહેલા એપ પર અને પછી વોટ્સએપ ગ્રુપ પર – ઊંચા વળતર માટે નાનું રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીનિવાસ અને ફણીન્દ્રા દ્વારા ભાડે લીધેલ ઘર એ કથિત રીતે સમગ્ર ભારતમાં ચલાવવામાં આવચા એક મોટા ફ્રોડ નેટવર્કની મુખ્ય સેન્ટર હતું, જ્યાં સોશ્યલ મીડિયા પર ઊંચા વળતર માટે નાની રકમનું રોકાણ કરવાની લાલચ આપીને હજારો લોકોને છેતરવામાં આવ્યા હતા.

854 કરોડ રૂપિયાની ઉપાચત, 84 બેંક એકાઉન્ટ

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બેંગલુરુમાં નેટવર્કની તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 84 બેંક ખાતામાંથી 854 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સપ્ટેમ્બરમાં આ એકાઉન્ટ્સ ટ્રેસ કર્યા અને તેમને ફ્રીઝ કર્યા, ત્યારે તે બેંક એકાઉન્ટમાં માત્ર 5 કરોડ રૂપિયા જ બચ્યા હતા.

દેશભરમાં સાયબર ક્રાઇમના 5013 કેસ

જ્યારે સાયબર ક્રાઈમ પોલીસે એક ડગલું આગળ વધીને નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર જોયું, ત્યારે તેમને સમગ્ર ભારતમાં 5,013 કેસ મળ્યાં જ્યાં સાયબર ગુનેગારો દ્વારા સમાન એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાંથી નોંધાયેલા 487માંથી 17 કેસ બેંગલુરુના જ હતા. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તેલંગાણામાંથી 719, ગુજરાતમાંથી 642 અને ઉત્તર પ્રદેશમાંથી 505 કેસ નોંધાયા છે.

ઓનલાઇન ફ્રોડના નાણાંનું ક્રિપ્ટોકરન્સી, કેસિનોમાં રોકાણ

તપાસમાં જાણવા મળ્યું છે કે 84 એકાઉન્ટ્સ દ્વારા ટ્રાન્સફર કરાયેલા 854 કરોડ રૂપિયાને ગેમિંગ એપ્સ, યુએસડીટી જેવી ક્રિપ્ટોકરન્સી, ઓનલાઈન કેસિનો અને પેમેન્ટ ગેટવેમાં ખસેડવામાં આવ્યા હતા. આથી છેતરપિંડીના મુખ્ય ઓપરેટરો દુબઈમાં રહેતા હોવાની શંકા છે અને બેંગલુરુમાં રહેતા ઓપરેટરોને ક્યારેય સામસામે મળ્યા નથી.

પોલીસ તપાસ કરી રહી છે કે શું દુબઈ સ્થિત ઓપરેટરો, જેઓ સોશિયલ મીડિયા દ્વારા બેંગલુરુથી સુધી વાતચીત કરીને નેટવર્ક સેટઅપ કરે છે, તેઓ ચાઈનીઝ ઓપરેટિવ્સ સાથે જોડાયેલા છે કે કેમ.

હૈદરાબાદમાં જુલાઈમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો , જ્યાં સાયબર ક્રાઈમ પોલીસે જાહેર કર્યું હતું કે બનાવટી કંપનીઓ માટે બનાવેલા 113 બેંક ખાતાઓ દ્વારા 15,000 પીડિતો સાથે રૂ. 712 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. તે કિસ્સામાં, સ્થાનિક ઓપરેટિવ્સ દુબઈ સ્થિત ઓપરેટરો સાથે ચીન લિંક્સ સાથે જોડાયેલા હોવાનું જણાયું હતું. હૈદરાબાદની તપાસમાં ટેરર ​​ફંડિંગની લિંક પણ મળી આવી હતી, જ્યાં કેટલાક ફંડ કથિત રીતે હિઝબુલ્લાહ જૂથ સાથે જોડાયેલા ક્રિપ્ટો વોલેટ્સમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે 30 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, “બેંગલુરુ કેસમાં, ચાઇના ઓપરેટરો અથવા કોઈપણ આતંકવાદી ધિરાણ સાથે કોઈ લિંક મળી નથી. મુખ્ય ઓપરેટિવ્સને શોધવા માટે હજુ પણ તપાસ ચાલી રહી છે,”

બેંગલુરુ સાયબર ક્રાઈમ અધિકારી હઝીરેશ તિલેદારે જણાવ્યું હતું કે, “ભારતીય ઓપરેટરોને દરેક ટ્રાન્ઝેક્શન પર એકથી ત્રણ ટકા કમિશન મળતું હતું. તેઓએ KYC પ્રક્રિયામાંથી પસાર થયા વિના સ્થાનિક બેંક ખાતા ખોલ્યા,”

સ્થાનિક ઓપરેટિવ્સને એવી એપનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું કે જે બેંક OTPના ક્લોન દુબઈ ઓપરેટરોને પણ મોકલશે – એવું લાગે કે નકલી એકાઉન્ટ્સ સ્થાનિક રીતે સંચાલિત થઈ રહ્યા છે (બનાવટી બેંક એકાઉન્ટ્સ સાથે લિંક કરેલા સ્થાનિક ફોન નંબર પર મોકલવામાં આવે છે).

પોલીસને શંકા છે કે આઠ મોબાઈલ ફોનને સતત ચાલુ રાખવા પાછળનો હેતુ નકલી બેંક ખાતાઓ અને પીડિતોના બેંક ખાતાઓ વચ્ચે ફંડ ટ્રાન્સફરની સુવિધા આપવાનો અને ક્રિપ્ટો કરન્સી, ગેમિંગ એપ્સ અને ઓનલાઈન કેસિનો દ્વારા નાણાં ઉપાડવાનો હતો.

“ઓનલાઈન કેસિનો અને ગેમિંગ એપ્સ મની લોન્ડરિંગનો મુખ્ય સ્ત્રોત હોય તેવું લાગે છે કારણ કે જીતના કોઈ રેકોર્ડ નથી. એક મુખ્ય આરોપી છેતરપિંડીમાંથી પોતાની કમાણીને લોન્ડર કરવા માટે પોતાની ગેમિંગ એપ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો હતો, એવું બેંગલુરુ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું.

બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે, “લોન્ડર કરવામાં આવેલ નાણાં આંતરરાષ્ટ્રીય બેંકો મારફતે વિદેશમાં જાય છે અને તેને વિવિધ વિદેશી કંપનીઓમાં રોકાણ તરીકે દર્શાવવામાં આવે છે.”

તપાસમાં જાણવા મળ્યું છે કે સ્થાનિક ઓપરેટિવ્સે સોફ્ટવેર, કેસિનો, એક રિસોર્ટ અને ગારમેન્ટ ફેક્ટરીમાં રેકેટમાંથી કમાયેલા 1.37 કરોડ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું.

નાની રકમના રોકાણ પર મોટા નફાની લાલચ આપતા

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોળકી પીડિતોને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા લલચાવતી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં, તેમને રૂ. 1,000 થી 10,000 સુધીની નાની રકમનું રોકાણ કરવા માટે કહેવામાં આવે છે કે તેઓ નફો તરીકે દરરોજ રૂ. 1,000 થી 5,000 કમાશે.”

બેંગલુરુમાં 28 એપ્રિલના રોજ નોંધાયેલા કેસમાં, 26 વર્ષીય પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેના મિત્રને ‘ધ વાઈનગ્રુપ’ નામની એપ મળી હતી, જ્યાં તેણે નાના રોકાણ પર થોડું વળતર મેળવ્યું હતું. પીડિતાએ પણ એપ ડાઉનલોડ કરવાનું નક્કી કર્યું.

વોટ્સગ્રૂપથી ઓનલાઇન છેતરપીંડિ

પીડિતાએ જણાવ્યું કે, “અમને ‘સ્મોલ ગ્રુપ ઓફ TWG2006’ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા જેમાં છ ગ્રુપ એડમિન હતા (વિવિધ ફોન નંબરો સાથે). મેં મારા કેટલાક મિત્રોને પણ જોડાવાનું કહ્યું. તેઓએ મારા બેંક ખાતામાં નાની રકમના રિટર્ન જમા કરાવ્યા. મેં રૂ. 8.5 લાખ જેટલું વધુ ફંડ (29 UPI ID ને) ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ગ્રૂપ એડમિન્સે પાછળથી મૂળ રકમ અથવા રિટર્ન ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ મેસેજનો જવાબ આપ્યો નહીં,”

બેંગલુરુ પોલીસ દ્વારા તપાસને વેગ મળ્યો જ્યારે સાયબર ક્રાઈમ પોલીસને એક બેંક કર્મચારી મળ્યો જેણે કર્ણાટકમાં નકલી કંપનીના નામે છેતરપિંડીવાળા બેંક એકાઉન્ટ્સમાંથી એક ખોલવામાં મદદ કરી હતી, જ્યાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

જ્યારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિ વસંત કુમારને શોધી કાઢ્યો, જેણે બેંક ખાતું ખોલાવ્યું હતું, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેને એક સહયોગી ચક્રધર સાથે કથિત રૂપે નકલી કંપનીઓના નામે એકાઉન્ટ્સ ખોલવા માટે નેટવર્ક દ્વારા સોંપવામાં આવ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, “તપાસમાં જાણવા મળ્યું છે કે બેંગલુરુ કેસમાં પીડિતો પાસેથી ઉઘરાવવામાં આવેલ ભંડોળ પહેલા તમિલનાડુની બોગસ કંપનીના ખાતામાં અને પછી કર્ણાટકની અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું,”

બેંગલુરુ પોલીસે જણાવ્યું હતું કે, “જ્યારે તે વ્યક્તિ કે જેના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેણે જાણ કરી હતી કે તે બેંક ખાતા સાથે જોડાયેલ નથી અને તેના ઓળખપત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.”

45 બેંક એકાઉન્ટ ધરાવતી બે કંપનીનો પર્દાફાશ

પોલીસે કર્ણાટક અને તમિલનાડુની બે નકલી કંપનીઓ સાથે જોડાયેલા 45 જેટલા બેંક ખાતાઓનો પર્દાફાશ કર્યો છે. “આ કંપનીઓ માટે કોઈ કર્મચારી કે ઓફિસ ન હતી. તેઓ શેલ કંપનીઓ છે,” પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, “દેશના અન્ય ભાગોમાં સમાન સ્થાનિક ગેંગ હોઈ શકે છે. અમે વધુ તપાસ હાથ ધરવા માટે ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટને પત્ર લખી રહ્યા છીએ.”

9 સપ્ટેમ્બરે તેમની ધરપકડ બાદ જામીનની સુનાવણીમાં આરોપીઓ શ્રીનિવાસ અને કુમારે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. “ફરિયાદીએ સ્વેચ્છાએ રકમનું રોકાણ કર્યું હતું, અરજદારોએ તેણીને જમા કરાવવા માટે સંપર્ક કર્યો ન હતો.”

બેંગલુરુની એક સ્થાનિક અદાલતે 30 સપ્ટેમ્બરના રોજ એક કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી બેંગલુરુમાં નોંધાયેલા અન્ય કેસોમાં તેઓને હજુ પણ રાખવામાં આવ્યા છે.

કર્ણાટક હાઈકોર્ટે પણ સાયબર ક્રાઈમમાં તપાસ પર વચગાળાનો સ્ટે મંજૂર કર્યો છે જેમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમની સામે અન્ય 16 કેસ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ