મેટ્રિમોનિયલ વેબસાઈટ ભારત મેટ્રિમોની હોળીના અવસર પર મહિલાઓને લગતી એક જાહેરાત બહાર પાડીને વિવાદમાં આવી ગઈ છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ભારત મેટ્રિમોનીને હિંદુફોબિક ગણાવીને આ જાહેરાતને લઈને વિવિધ પ્રશ્નો પૂછી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ પૂછ્યું છે કે, શા માટે દરેક વખતે હિન્દુ તહેવારોને નિશાન બનાવવામાં આવે છે.
જાણો ભારત મેટ્રિમોનીની એડ પર કેમ છે વિવાદ?
મેટ્રિમોનિયલ વેબસાઇટ ભારત મેટ્રિમોનીએ એક જાહેરાતમાં દર્શાવ્યું હતું કે, હોળી રમતી વખતે મહિલાઓને હેરાન કરવામાં આવે છે. જેના કારણે ઘણી મહિલાઓએ હોળી રમવાનું બંધ કરી દીધું છે. આ જાહેરાત દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે, તમે મહિલા દિવસની ઉજવણી કરો અને તમારી જાતને સુરક્ષિત રાખો. તમને જણાવી દઈએ કે, ભારત મેટ્રિમોનીની એડમાં બતાવવામાં આવ્યું હતું કે, ‘એક મહિલાના ચહેરા પર ઘણા રંગ લાગેલા હોય છે, ત્યારબાદ તે વોશરૂમમાં જઈને પોતાનો ચહેરો ધોવે છે. તેના ચહેરા પર ઈજાના ઘણા નિશાન દેખાય છે.
આ વિડિયો નીચે એક સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘કેટલાક ડાઘ એવા હોય છે કે તે ક્યારેય ઓછા થતા નથી. તેને સરળતાથી છુપાવી શકાતા નથી. હોળીના દિવસે મહિલાઓ સાથે જે કંઈ પણ થાય છે, તે કોઈ પ્રકારના આઘાતથી ઓછું નથી. જેના કારણે એક તૃતિયાંશ મહિલાઓએ હોળી રમવાનું બંધ કરી દીધું છે. તેથી… આ હોળીએ, મહિલા દિવસની ઉજવણી કરો અને દરરોજ સુરક્ષિત રહેવાનો અનુભવ કરાવો.
લોકોએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પ્રશ્નો ઉઠાવ્યા
ભારત મેટ્રિમોનીની આ એડનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ યુઝર્સે ભારત મેટ્રિમોની સામે ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે, આવી જાહેરાતો માત્ર હિન્દુ તહેવારો પર જ કેમ બનાવવામાં આવે છે? કેટલાક લોકો ટ્વિટર પર બોયકોટ ભારત મેટ્રિમોની ટ્રેન્ડ ચલાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો હેશટેગ સાથે હિન્દુફોબિક લખી રહ્યા છે.
વિજય પટેલ નામના યુઝરે લખ્યું- શું તમે બેશરમ છો? શું તમને હિંદુ ગ્રાહકો નથી જોઈતા કે પછી તમને હિંદુ ગ્રાહકોની પરવા નથી? તમારા તમામ પ્લેટફોર્મ પરથી તમારી જાહેરાત દૂર કરો અને બિનશરતી માફી માગો, નહીં તો તમારી કંપની વિરુદ્ધ હિન્દુઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવશે.
વિનીત નામના યુઝરે કોમેન્ટ કરી- શું તમે આ જ્ઞાન બીજા કોઈ દિવસે ન આપી શકો? ભાઈ, હિંદુઓને કોઈ પણ તહેવાર મનાવવા દો, અપરાધભાવ પેદા કરવાનો પ્રયાસ કર્યા વગર. ખબર નહીં તમારા કારણે કેટલા લોકોના લગ્નમાં છેતરપિંડી થઈ હશે, શું તમે ક્યારેય તેમના વિશે વિચાર્યું છે? આનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરો.
નીરજ નામના યુઝરે લખ્યું કે, હિન્દુઓ અને હિન્દુ તહેવારો પ્રત્યે આટલી નફરત શા માટે? ભારતમાં સદીઓથી વિવિધતાના રંગોથી ભરેલા તહેવાર હોળીનું અપમાન કરતી ભારત મેટ્રિમોનીનો સંપૂર્ણ બહિષ્કાર થવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવુ કૃત્ય ન કરી શકે.
આ પણ વાંચો – જેલ દિલ્હી સરકારના અંડરમાં, ભાજપા નેતા મનોજ તિવારીએ પૂછ્યું – મનીષ સિસોદિયાને કોનાથી ખતરો?
અગાઉ પણ જાહેરાતોને લઈને વિવાદ થયો છે
ગયા વર્ષે, ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ Zomato એ વિવાદને કારણે તેની એક જાહેરાત ડિલીટ કરવી પડી હતી. આ જાહેરાતમાં રિતિક રોશને કહ્યું હતું કે, તેને ઉજ્જૈનમાં થાળીનું મન થયુ, તો મહાકાલથી મંગાવી લીધી. આ અંગે વાંધો વ્યક્ત કરતાં પૂજારીઓએ કહ્યું હતું કે, મહાકાલ મંદિરમાંથી કોઈ થાળી પહોંચાડવામાં આવતી નથી. આ હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડતી જાહેરાત છે. તો, મણ્યાવરના બ્રાઇડલ કલેક્શનને લઈને ઘણો હોબાળો થયો હતો. હકીકતમાં, આ એડમાં આલિયા ભટ્ટે તેના ઉછેરની વાત કરતા કન્યાદાનની પરંપરા પર સવાલ ઉઠાવ્યા હતા.